• રવિવાર, 01 જૂન, 2025

અજંપાભરી સ્થિતિ વચ્ચે કચ્છ પોલીસ સાબદી

ભુજ, તા. 11 : ગઇકાલે સાંજે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ દગાખોર પાકિસ્તાને રાતે નાપાક અડપલાં ચાલુ રાખી કચ્છની સીમામાં ડ્રોન ઘૂસાડી દેતાં ફરી અજંપાભરી સ્થિતિ સર્જાઇ હતી અને તંત્રે  કચ્છમાં રેડએલર્ટ જાહેર કરી બ્લેકઆઉટ કરી દીધો હતો. કચ્છ પોલીસ દિવસ અને રાતભર સાબદી રહી હતી. શનિવારે કલેક્ટર કચેરીએ દિવસભર વિવિધ બેઠકો અને સૂચનાઓ આપવામાં આવી રહી હતી. પોલીસ તંત્ર પણ  દિવસભર એલર્ટ પોઝિશનમાં આવી ગયું હતું અને ભુજના મહત્ત્વના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસે બેરિકેડ મૂકી ચેકિંગ શરૂ કર્યું હતું. ભુજના લશ્કરી મથકના બે દ્વારા અને એરફોર્સ પાસે પોલીસે ચાંપતો બંદોબસ્ત કરી દીધો હતો. દિવસભર અજંપાની સ્થિતિ વચ્ચે સાંજે યુદ્ધ વિરામના સમાચાર આવતાં લોકો અને તંત્રમાં હાશકારો થયો હતો, પરંતુ નાપાક દગાખોર પાકિસ્તાને થોડા જ કલાકોમાં પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું હતું  કચ્છ પોલીસ સાબદી અને કચ્છની સીમામાં ડ્રોન ઘૂસાવી દીધાના અહેવાલ તંત્ર સુધી પહોંચતાં ફરી રોડલાઇટ બંધ કરી કચ્છમાં બ્લેકઆઉટની જાહેરાત થઇ હતી. આમ પોલીસ ફરી રાતભર કચ્છના માર્ગો, સર્કલો પર ગોઠવાઇ હતી અને પોલીસ વાન દ્વારા આખી રાત સઘન પેટ્રોલિંગનો ધમધમાટ રહ્યો હતો. સરકારની અપીલ છતાં વાહનચાલકો હેડલાઇટ ડીમ કરવી કે પાર્કિંગ લાઇટ પર વાહન ચલાવવા ટેવાયા ન હોવાથી પોલીસે તેમને રોકાવી હેડલાઇટ ઓફ કરાવી હતી અને શંકાસ્પદ વાહનોની તલાશી પણ લીધી હતી. શનિવારની દિવસ-રાતની આ કામગીરીમાં પૂર્વ-પશ્ચિમ કચ્છ જિલ્લાના દરેક પોલીસ મથકો ઉપરાંત વિવિધ શાખાઓ, એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલીસ વિગેરેએ અલગ-અલગ ટીમ સાથે કચ્છભરના વ્યૂહાત્મક સ્થળો-માર્ગો પર સાબદી રહી કામગીરી કરી હતી. પોલીસ કન્ટ્રોલરૂમ પણ એલર્ટ મોડમાં હતો. કોઇપણ સંદિગ્ધ કે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા વાહનો સાથે સ્ટાફ અલગથી તૈનાત રખાયો હતો. પશ્ચિમ કચ્છમાં ગઇકાલે સીઆરએફના એક યુનિટને પણ અહીં બોલાવી લેવાયાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd