ભુજ, તા. 11 : સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પાસે
સાયક્લોનિક સકર્યુલેશનની અસર તળે કચ્છમાં સતત બીજા દિવસે વૈશાખમાં આષાઢી માહોલ સર્જતાં
કમોસમી વરસાદ છ તાલુકામાં પડયો હતો. જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી લઇ ત્રણ ઇંચ જેટલો
વરસાદ પવન અને ગાજવીજ સાથે પડતાં કેટલાક વિસ્તારમાં, તો રસ્તા પરથી નદી વહી રહી હોય તેવાં
દૃશ્યો સર્જાયાં હતાં. ભારે પવનનાં કારણે કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. હવામાન
વિભાગે હજુ એક દિવસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના
દેખાડી છે. અન્ય વિસ્તારમાં ભારે વરસાદથી અનેક સ્થળે ભારે નુકસાની થયેલી જોવા મળી હતી.
- અંજારથી ભારે પવન સાથે વરસાદે સર્જી નુકસાની
: અંજારથી રશ્મિન પંડયાના અહેવાલ અનુસાર અંજાર
શહેરમાં સવારથી જ ભારે ગરમી -ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણ બદલતાં ઓચિંતા ભારે પવન અને
ધૂળની ડમરી બાદ જોરરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થતાં રોડ પર પાણી વહી નીકળ્યાં
હતાં. પવનની ભારે ઝડપથી શહેરમાં મુખ્ય માર્ગો પર સોસાયટી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશયી
થયાં હતાં. હોર્ડિંગ્સ જમીન પર પટકાયાં હતાં. તલાવળી વિસ્તારમાં આવેલ એક ઓઇલ કંપનીના
લોખંડના એંગલ, પતરાં ભારે પવનના કારણે બાજુમાં આવેલા રહેણાક વિસ્તારમાં પડતાં અનેક મકાનોને
ભારે નુકસાન થયું હતું. પરિવારનો બચાવ થયો હતો. તળાવોમાં નવાં નીરનો ધીમી ગતિએ આરંભ
થયો હતો. - અંજાર
ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ વરસાદ : અંજાર
શહેર કરતાં તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ થતાં તાલુકાના ગ્રામ્ય
વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલો ભારે વરસાદ થતાં ખેતરોમાં
પાણી ભરાઇ ગયાં હતાં. વાવેતર કરાયેલ પાકોને ભારે નુકસાની થયેલ હોવાનું જાણવા
મળેલ છે. કેસર કેરીની સિઝન હોતાં વૃક્ષો પર કેરીઓ તૈયાર હોઇ આજે ભારે પવનથી અનેક વાડીવિસ્તારોમાં કેસર કેરીનાં વૃક્ષો ધરાશાયી થતાં ખેડૂતોને ભારે
નુકસાન થવાની ભીતિ છે. કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઇ
માતાએ જણાવ્યું હતું કે, આજે બપોર બાદ ઓચિંતાના આવેલ
ભારે પવન અને વરસાદથી ખેતી પેદાશોને પારાવાર
નુકસાન થયેલ છે. ખેતરોમાં વાવેતર કરાયેલા ઉનાળા પાકો પર સમગ્ર ખેતરોમાં ભારે પાણી ભરાતાં
પાક નિષ્ફળ જશે તેમજ વાવાઝોડાં સમયથી વધુ ઝડપથી પવન ફૂંકાતાં વીજ પુરવઠાના અનેક થાંભલાઓ,
હેવી ટાવર્સની લાઇનોને ભારે નુકસાન થયાનું જણાવ્યું હતું. સતાપર,
આંબાપર, ખેડોઇ, વરસામેડી,
રતનાલ, નાગલપર, ખંભરા,
સિનોગ્રા, પાંતિયા, ચાંદ્રાણી,
અજાપર મધ્યે પણ ભારે પવન સાથે વરસાદ થતાં આ વિસ્તારોમાં 2થી 3 ઇંચ જેટલું પાણી વરસેલું હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. - વરસામેડી રોડ પર ત્રણ મોટા વીજ ટાવર જમીનદોસ્ત : ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદનાં કારણે વરસામેડી રોડ પર વેલસ્પન કંપની પાસે 200 કે.વી. લાઇનના ત્રણ મોટા વીજ ટાવર જમીનદોસ્ત
થયાના અહેવાલ મળ્યા છે. - ભુજમાં
પવન સાથે વરસાદી ઝડી : જિલ્લા મથક ભુજમાં બપોર સુધી આકરી ગરમી પડયા
બાદ ચાર વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક ભારે પવન સાથે દસથી પંદર મિનિટ
સુધી ધોધમાર વરસાદી ઝડી વરસતાં રસ્તા ભીંજાયા હતા. સત્તાવાર રીતે 4 મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. ગરમીથી અકળાયેલા
લોકોએ આ વરસાદી ઝાપટાંથી થોડી રાહત અનુભવી હતી. કુકમામાં ફરી આજે કમોસમી વરસાદ પડયો
હતો. સાંજે 5-15 વાગ્યા આસપાસ શરૂ થયેલું ભારે ઝાપટું લગભગ અડધો
કલાક ચાલ્યું હતું. પછી પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. ખેડૂતો માટે આફતરૂપ કમોસમી વરસાદ
બજારમાં નીકળેલા ગ્રાહકોને પણ મુશ્કેલીમાં મૂકયા હતા. વીજ પુરવઠો પણ અનિયમિત રહ્યો
હતો.માધાપર, મમુઆરા, કેરા, ચપરેડી, દેશલપર, વાંઢાય, નાડાપા,
કાળી તલાવળી, વડવારા, કોટડા
(ચ.), ધાણેટી સહિતનાં ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટાં
પડયાં હતાં. - મિરજાપર, સુખપર અને સામત્રામાં ધોધમાર
: મોટી વિરાણીના પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું
હતું કે, સાડા
ચારથી મિરજાપર, સુખપરમાં એટલો ધોધમાર વરસાદ હતો કે, રસ્તા પર દૂર કાંઇ દેખાતું ન હતું. વાહનોમાં હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી
હતી. સામત્રા હાઇવે પર જોરદાર પાણી વહેતાં નજરે પડયાં હતાં. સામત્રા ગામની પાસે પાપડીમાં
જોશભેર પાણી વહ્યાં હતાં. પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. - ત્રગડી વિસ્તારમાં વરસાદ : સાંજે 5 વાગ્યાની આજુબાજુ પવન - ગાજવીજ સાથે એકાદ ઇંચ વરસાદ પડી ગયો હતો. ઉનાળુ પાકો
જેવા કે મગ, વાલમાં નુકસાની થઇ છે એમ ખેડૂત અગ્રણી હાજી અબ્દુલ્લા લાંગાયે જણાવ્યું હતું.
ભચાઉ વિસ્તારમાં સખત તાપ, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
ગુણાતીતપુર ગામે સાંજે ચારેક વાગ્યાની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું પડતાં અડધા ઇંચ જેવો
વરસાદ પડી ગયાનું ડો. પ્રવીણભાઇ પટેલે કહ્યું હતું. ભચાઉ નગરમાં આકાશ વાદળોથી ગોરંભાયું હતું. - માંડવીમાં પાણી વહ્યાં : અસહ્ય ઉકળાટ પછી આ બંદરીય શહેરમાં ઢળતી સંધ્યાએ
પાંચ મિ.મી.નું ઝાપટું વરસતાં શહેરના આઝાદ ચોક, ભીડ વિસ્તાર, કંસારા બજાર, અપના બજાર વગેરે માર્ગો ઉપરથી પાણી વહી નીકળ્યાં હતાં. આ સાથે વાતાવરણમાં થોડી
ઠંડક અનુભવાઇ હતી. `બ્લેકઆઉટ'ને લીધે રાતભર બફારામાં કણસતા જનોએ
ધરતીના ધણી પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. પંથકના ગામડાંઓમાં પણ પાણી વહી નીકળ્યાં
હોવાના વાવડ મળ્યા હતા. વાતાવરણમાં જમાવટ જોતાં મેઘમેલાણનો અણસાર જોવાય છે. માંડવી
તાલુકાના ધુણઈ ગામમાં 6 વાગ્યાની
આસપાસ અડધા ઇંચ જેટલો જોરદાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા વરસાદનાં કારણે
ગામના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યાં હતાં. બપોરે 3થી 5 દરમ્યાન માનકૂવા-સુખપર-કોડકી -ફોટડી- સામત્રા-મખણા વિસ્તારમાં 1થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. માનકૂવા ગ્રામ
પંચાયતના અનિલભાઇ વ્યાસે જણાવ્યું કે, રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં. સામત્રાથી જાદવજીભાઇએ જણાવ્યું
કે, એકથી બે કલાકના સમયમાં
શરૂઆતે કરાનો વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદની સરખામણી મોસમમાં થતા વરસાદ જેવી
છે, પણ માત્ર સીમાડામાં નવું ઘાસ ઉગશે પણ તે લાંબું નહીં થાય
તેવું પ્રતિનિધિ જાડેજા પ્રમોદસિંહએ જણાવ્યું હતું. - ગુંદાલામાં અડધો ઇંચ : મુંદરા તાલુકાના ગુંદાલામાં સાંજે ભારે પવન સાથે અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ભારે પવનથી
વૃક્ષો ધરાશાયી થયાનું અજયભાઇ ઠક્કરે જણાવ્યું હતું.