ભુજ, તા. 11 : ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ જેવી પરિસ્થિતિનો, લાગુ કરાયેલી પાબંધીઓનો બન્ને
દેશ વચ્ચેના સીઝફાયરના લીધે અંત આવતાં સામાન્ય લોકોને હાશકારો થવા સાથે આજે સવારથી
સમગ્ર જિલ્લામાં રોજિંદું જનજીવન ફરી રાબેતા મુજબનું થવા સાથે ધબકતું થયું હતું. અલબત્ત
આજે રવિવાર હોવાથી રોજિંદી ચહલપહલમાં થોડી ઓટ જોવા મળી હતી. આવતીકાલથી રોજિંદો ઘટનાક્રમ
પૂર્ણપણે પૂર્વવ્રત બને તેવું દેખાઈ રહ્યું છે. ગઈકાલે શનિવારે સાંજે સીઝફાયરની ઘોષણા
બાદ બ્લેકઆઉટનો આદેશ અમલમાં ન મુકાતાં ત્રણેક રાત્રિ અંધારામાં અને ગરમીમાં વીતાવનારા
કચ્છવાસીઓએ રાહત સાથે સ્વંયભૂ બ્લેકઆઉટ વચ્ચે નિદ્રા માણી હતી. અલબત્ત સરહદે સુરક્ષા
જવાનો અને સ્થાનિકે પોલીસ સહિતના સંબંધીત તંત્રો તેમની પ્રવૃત્તિમાં રાતભર અવિરત રહ્યા
હતા. જિલ્લાના બે મહાબંદર કંડલા અને મુંદરા પણ થોડી રૂકાવટ બાદ આજે ફરી રાબેતા મુજબના
ધમધમતાં થયાં હતાં. અલબત્ત ગઈકાલે સીઝફાયર બાદ પણ કચ્છ વિસ્તારના આકાશમાં દેખાયેલા
ડ્રોનને તોડી પાડવા સહિતની કામગીરી લોકો અને સોશિયલ મીડિયામાં મધ્યરાત્રિ સુધી જારી
રહી હતી. અલબત્ત આગલી ત્રણ રાતની તુલનાએ લોકોએ નિરાંતવાળી રાત માણી હતી. જિલ્લા મથક
ભુજ અને વિકસિત નગર ગાંધીધામ ખાતે ગઈકાલે આખો દિવસ બંધ રહેલા વ્યવસાયી સ્થાનો આજે સવારથી
જ ફરી ખૂલતાં રોજિંદી ચહલપહલનો સંચાર થયો હતો, તો વિવિધ તાલુકા
મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. એસ.ટી. અને ખાનગી વાહનોની
દોડાદોડી પણ ફરી રાબેતા મુજબ થવા ભણી આગળ વધી હતી. સાથેસાથે યુદ્ધ જેવી સ્થિતિ લાંબી
ચાલે તેમ હોવાના અનુમાન સાથે પરત વતન ભણી રવાના
થયેલા પરપ્રાંતીય શ્રમિકો પૈકીના અમુક રવાના થઈ ગયા હતા, જ્યારે
કેટલાક સીઝફાયરના પગલે રોકાઈ ગયા હતા. ભુજ અને ગાંધીધામના રેલવે મથકે આવા શ્રમજીવીઓ નોંધપાત્ર સંખ્યામાં
જોવા મળ્યા હતા. દરમ્યાન આજે રવિવાર હોવાથી ભુજમાં જિલ્લાની મુખ્ય જથ્થાબંધ બજાર અને
ભુજ એ.પી.એમ.સી. અને વિવિધ તાલુકા મથકે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ચહલપહલ
નજીવી રહી હતી. આવતીકાલે સોમવારથી આ સ્થાનો ફરી તેના અસલ રંગમાં જોવા મળી રહેશે. ભુજ
અને ગાંધીધામ ઉપરાંત અંજાર,
માંડવી, મુંદરા, નખત્રાણા
તથા રાપર, ભચાઉ અને લખપત સહિતના વિસ્તારોમાં નાના-મોટા વ્યવસાયી
સ્થાનો ખૂલતાં રોનક જોવા મળી હતી. સામાન્ય રેતે રવિવારે બંધ રહેતાં અમુક વ્યવસાયી સ્થાનો
બે દિવસની રૂકાવટ બાદ આજે ખૂલેલા જોવા મળ્યા હતા. જિલ્લા અને તાલુકા મથકો ઉપરાંત ગ્રામ્ય
વિસ્તારોમાં શાકભાજીની બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. બીજીબાજુ સામાન્ય લોકો માટે
હાશકારા સાથે રાહતરૂપ બનેલી વ્યવસ્થા વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા વિવિધ
તંત્રો અને આનુષાંગીક તથા આવશ્યક સેવાઓ સંભાળતા તંત્રો એલર્ટ રહેવા સાથે રાતભર પ્રવૃત્ત
રહ્યા હતા. પોલીસદળ દ્વારા સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત જારી રખાયો હતો,
જેમાં આવતાં-જતાં વાહનોની તપાસ સહિતની કામગીરી જારી રખાઈ હતી.