• સોમવાર, 12 મે, 2025

કચ્છમાં મોડા પહોંચેલા 21 ઉમેદવાર જીપીએસસીની પરીક્ષાથી રહ્યા વંચિત

ભુજ, તા. 20 : ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની કુલ 244 જગ્યા માટે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છમાંથી નોંધાયેલા 2093 ઉમેદવાર પૈકી 21 ઉમેદવાર નિયત સમય કરતાં મોડા પહોંચતા પરીક્ષાખંડમાં પ્રવેશથી વંચિત રહ્યા હતા અને 1829 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. આજની પરીક્ષા માટે આયોગે ઉમેદવારોને સવારે 10-15થી 11-15 વાગ્યા સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો સમય આપ્યો હતો અને વધુમાં વધુ 11-30 સુધી પહોંચી આવવાની સૂચના હોવા છતાં 21 ઉમેદવાર નિયત સમય કરતાં મોડા પહોંચતા તેમને પરીક્ષાખંડમાં  પ્રવેશ અપાયો નહોતો, તો કેટલાક ઉમેદવાર તો પરીક્ષા શરૂ થયા બાદ પણ પહોંચ્યા હતા. જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ અધિક નિવાસી કલેક્ટર ડી.પી. ચૌહાણ અને પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા તથા આયોગના નિરીક્ષક નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.આર. પ્રજાપતિ, નાયબ નિરીક્ષક મામલતદાર શ્રી રાજપાલનાં માર્ગદર્શન હેઠળ કચ્છના 2093 ઉમેદવાર માટે ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અને ઓફ્રેડ હાઈસ્કૂલના બે-બે, શેઠ વી. ડી. હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, બી.એલ.બી. સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઈંગ્લીશ મીડિયમ હાઈસ્કૂલ, જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ અને સેંટ ઝેવિયર્સ સ્કૂલ ખાતેનાં એક-એક કેન્દ્ર ખાતે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું, જેમાંથી 264 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા, જ્યારે એક દિવ્યાંગ ઉમેદવારને પેપર લખવા લહિયાની સુવિધા સાથે એક કલાકનો વધારાનો સમય અપાયો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. આજની પરીક્ષા દરમ્યાન ઉમેદવારોની ચકાસણી અર્થે મહિલા પોલીસ સહિતના કર્મચારીઓ તેમજ આરોગ્યની ટીમ હાજર રખાઈ હતી. જીપીએસસીની વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 37 જગ્યા પૈકી વર્ગ-1 માટે 9 અને વર્ગ-2 માટે 28 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd