• સોમવાર, 20 મે, 2024

ભુજ સ્વામિનારાયણ મંદિરે કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

ભુજ, તા. 9 : અહીંના સ્વામિનારાયણ મંદિરે નરનારાયણ દેવના 201મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા શ્રીમદ્ ભાગવત પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવના બીજા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનનાં પ્રાગટ્યને વધાવવા માટે યજમાનો સહિત શ્રોતાઓએ પણ મનભરીને રાસોત્સવની રમઝટ બોલાવી હતી. મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મંડપ જય કનૈયા લાલકીના નારા સાથે ગુંજી ઊઠયો હતો. તકે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, શાત્રી સ્વામી ગોલોકવિહારીદાસજી, શાત્રી સ્વામી ભક્તવત્સલદાસજી, શાત્રી સ્વામી વેદાંતસ્વરૂપદાસજીએ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યને લીલાને વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યાં, જ્યારે પણ ધર્મને હાનિ પહોંચે છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન કૃષ્ણ દ્વારા કરાયેલી તમામ લીલાઓ મનુષ્યને જીવન કેવી રીતે જીવવું તેની શીખ આપે છે.પ્રાગટ્ય ઉત્સવ દરમ્યાન ભગવાન કૃષ્ણને પારણા ઝુલાવવામાં આવ્યા હતા,પુષ્યો દ્વારા પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. યજમાન પરિવારના ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ, ઉર્જીત પટેલ, અમેરિકા સ્થિત  સૌરીનકુમાર મહેન્દ પટેલ પરિવારજનો, મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, રામજીભાઇ વેકરિયા, દેવશીભાઈ હીરાણી વિગેરેએ પારણિયામાં લાલાને ઝુલાવ્યા હતા. શ્રોતાઓએ પણ કથામંડપમાં રાસની રમઝટ બોલાવી હતી. ત્યારે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત સહિતના વડીલ સંતો, સાંખ્યયોગી બહેનો હાજર રહ્યા હતા. કથા દરમ્યાન સ્વામી કપિલમુનિદાસજી, સ્વામી નિર્ભયચરણદાસજીએ સંગીતની સુરાવલી વહેવડાવી હતી. સભાનું સંચાલન શાત્રી સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજી, શાત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ કર્યું હતું. આવતીકાલે તા. 10ના ગોવર્ધન ઉત્સવ અને રાત્રે મહારાસોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang