• સોમવાર, 20 મે, 2024

અખાત્રીજ એટલે ધરતી ખેડવાનો નૂતન વર્ષનો પ્રથમ દિવસ

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 9 : અખાત્રીજ એટલે ખેડૂતો માટે ધરતી ખેડવાનો નૂતન વર્ષનો પ્રથમ દિવસ લેખાય છે. સદીઓની પરંપરા આજે પણ કાયમ રહી છે. આમ તો, અખાત્રીજ એટલે લગ્નો માટેનું વણજોયું મુહૂર્ત. દિવસે લગ્નની વણઝાર સાથે અનેક શુભ કાર્યો થતાં હોય છે. ત્યારે વર્ષો પૂર્વેથી અખાત્રીજના દિવસે જુદી જુદી રીતે વરસાદનો વર્તારો જોવાની પરંપરા છે. અગાઉના વડીલો આગામી ચોમાસું  તથા કોઠાસૂઝ અને જ્ઞાન થકી આવનારું વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવતા. અખાત્રીજના પવન પરથી ગરમી અને ચોમાસાનો વર્તારો કાઢવામાં આવતો હોય છે. હોળી બાદ અખાત્રીજનો પણ પવન જોવામાં આવે છે અને ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે.  વરસાદની આગાહીની જુદી જુદી પદ્ધતિઓ જેમાં હોળીની ઝાળ, અખાત્રીજ વાયરો (પવનની દિશા), ટીટોડીના ઈંડા, ચૈત્રી માસનો શુકલ પક્ષનો ચંદ્ર, ચૈત્રી દનૈયા, જળ, વાયુ, અન્ન અને તૃણના સ્તંભો, ભડલીનો વર્તારો અને નક્ષત્રોના આધારે   આગાહી કરાય છે. અખાત્રીજ આમ તો ધરતીપુત્રોનું પર્વ છે. ધરતી ખેડવા માટેનો નવા વર્ષનો આજનો પ્રથમ દિવસ હોય છે. ખેડૂતો વહેલી સવારે થાળીમાં સોપારી, કાચું સૂતર, પૈસો, ગોળ અને કપાસિયા લઈને ટ્રેક્ટર કે બળદને ચાંદલો કરી નવા વર્ષનું ખેત ખેડવાનું મુહૂર્ત કરવા નીકળી પડે છે અને કણમાંથી મણ આપનારી ધરતીમાતાનું પણ વખતે પૂજન થાય છે. બોરડી, લીમડા, સરગવા, ખાખરા, આંબા, પીલુ, ડુમરો દરેક વનસ્પતિની સ્થિતિ જોતાં ખેડૂતો અને માલધારીઓ સહિત લોકોમાં સારા વરસાદની આશા બંધાઇ છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang