• સોમવાર, 20 મે, 2024

મુંદરા તા.માં ઉત્સાહથી ઊજવાયો લોકશાહી ઉત્સવ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 7 : બંદરીય મુંદરા શહેર અને તાલુકા વિસ્તારમાં નાની-મોટી ઘટનાઓ વચ્ચે અને કેટલાક બૂથો પર હથિયારધારી જવાનોની તૈનાતીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. એકમાત્ર?ઝરપરા વિસ્તારમાં એક બૂથ?પર ઇવીએમ મશિન ખોટકાતાં એક કલાક સુધી મતદાન ખોરવાયું હતું. જો કે, પછી નવી વ્યવસ્થા થઇ જતાં લાંબી લાઇન લાગી અને ગામમાં સારી સંખ્યામાં મતદાન થયું હતું. મુંદરા શહેરમાં રહેવાસીઓ રામધૂન બોલાવતાં મતદાન મથકે પહોંચતાં લોકશાહી ઉત્સવનો માહોલ જામ્યો હતો.કચ્છમિત્રએ આજે કરેલા મુંદરા તાલુકાના ગામોના પ્રવાસ દરમ્યાન સવારે મતદાનનો આંક ઝડપી વધતો હતો, પરંતુ બપોર પછી સુસ્તી લાગતી હતી અને મતદાન મથકોએ પણ ભારે ગરમી વચ્ચે સુસ્તી જોવા મળી હતી. સવારે બેરાજા પાટિયે મળેલા ભાઇને માહોલ વિશે પૂછતાં સીધું કહ્યું કે ` માહોલ બંધ થઇ ગયો, હવે શાંતિ છે, બાટલી ડયો, ડયો, મડે બંધ થઇ વ્યો.' ગામમાં પહોંચતાં કેટલાક લોકોએ કહ્યું હતું કે, પશુપાલનવાળા ગામો છે ત્યાં વહેલું મતદાન થઈ જાય પછી ધંધે લાગી જાય છે. સમય પ્રમાણે મતદાનના આંક જોવામાં આવે તો, બેરાજામાં 10:40 વાગ્યે 25 ટકા મતદાન, રામાણિયામાં 11 વાગ્યે 35 ટકા મતદાન થયું હતું. ફરાદીની વિશાળ પટાંગણવાળી પ્રાથમિક શાળામાં આવતા બૂથમાં તપાસ કરતાં 11.30 વાગ્યે 21 ટકા, નાની ખાખરમાં 12 વાગ્યા સુધીમાં 23 ટકા, કાંડાગરામાં 12.30 વાગ્યા સુધીમાં 31 ટકા, નવીનાળમાં 12.45 વાગ્યે 48 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાઇ ચૂક્યું હતું. બપોરે ટીમ ઝરપરા પહોંચી તો ત્રણ બૂથમાં 1 વાગ્યે અનુક્રમે 37, 39 અને 47 ટકા જેવું ઊંચું મતદાન નોંધાયું હતું. બપોર પછીના ગાળામાં પોણા ત્રણ વાગ્યે મોટા કપાયામાં 46 ટકા અને ગુંદાલામાં 53 ટકા જેવું ઊંચું મતદાન નોંધાઇ ચૂક્યું હતું. જો કે, પત્રી ગામમાં સાંજે 3.30 વાગ્યા સુધીમાં 38 ટકા જેટલું મતદાન થયું, પછી વેગ આવ્યો હતો. કાંડાગરા ગામે મળેલા વતનમાં મતદાન કરેલા સર્વ સેવા સંઘ પ્રમુખ જિગરભાઇ છેડાએ લોકોને વધુમાં વધુ મતદાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. મુંદરાના બૂથ નં. 242માં 76 ટકા અને બૂથ નં. 237માં 74 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. મુંદરા શહેરના હેવાલ મુજબ સવારથી ઉત્સાહભર્યો માહોલ દેખાયો હતો. પહેલીવાર મતદાન કરનારા યુવાનોના ગ્રુપે ઢોલ-નગારા વગાડીને સમૂહમાં લોકશાહીની પ્રથમ ફરજ નિભાવી હતી. તો વોર્ડ નં. 5ના રહેવાસીઓ ધૂન બોલાવીને વાજતે-ગાજતે યાત્રા કાઢીને મતદાન કરવા ગયા ત્યારે લોકશાહીના ઉત્સવનો આનંદ છવાયો હતો. શહેરનાં સીકેએમ વિદ્યાલયમાં એક તબક્કે લાંબી કતાર લાગી હતી. શહેરનાં નગરપતિ રચનાબેન પ્રવિણભાઈ જોશી સહિત શહેરના અગ્રણીઓએ વહેલી સવારે લોકશાહીની પવિત્ર ફરજ બજાવી હતી. ભુજપુરથી પ્રતિનિધિ કિરીટ સોનીએ જણાવ્યું હતું કે, 90 વર્ષનાં એક વડીલ સહિત અબાલવૃદ્ધ લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું. લગભગ દરેક બુથ પર આરોગ્ય સુવિધાઓ દેખાઈ હતી. તંત્રની ટીમ ડોક્ટર સાથે લગભગ એકથી બીજાં બુથ પર ફરી રહી હતી. ઝરપરામાં દિવ્યાંગોને મતદાન માટે તેડવા-મુકવા માટેની ખાસ ગાડી તૈનાત દેખાઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang