• સોમવાર, 20 મે, 2024

દિગ્ગજોનાં મતદાન સાથે માંડવી તા.માં ઉત્સાહભર્યો માહોલ

જયેશ શાહ દ્વારા : માંડવી, તા. 7 : લોકશાહીનાં મહાપર્વે આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતભરની સાથે તાલુકાભરમાં ઉત્સાહભેર મતદાન થયું હતું. ખેડૂતોની વસ્તીવાળા ગામોમાં સવારે મોટી લાઇન દેખાઇ હતી. જો કે, બપોરે ગરમી વધવા સાથે ગિર્દી નરમ પડી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાએ શીશુવાટીકા શાળામાં મત આપી પવિત્ર ફરજ નિભાવી હતી. ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેએ પરંપરાગત પરિધાન ધોતીયું-ઝભ્ભો ખેસ સાથે પોતાના ઘેર સોસાયટીના લોકો સાથે વાજતે-ગાજતે થાળી-ડંકો, મંજીરાના નાદ સાથે ધૂન પોકારતા પોકારતા, શંખનાદ કરતા કરતા શીશુવાટીકા મતદાન સ્થળે દેશનો લોકોત્સવ પર્વ ઉજવ્યો હતો.માંડવીના વતની કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલયભાઈ વીપીનચંદ્ર અંજારીયાએ પોતાના મતદાનની પવિત્ર ફરજ સમજીને છેક કર્ણાટકથી પોતાના માદરે વતન માંડવીમાં તાલુકા શાળા નવાપુરામાં મતદાન કર્યું હતું. શહેરમાં ચાર સખી મતદાન મથકો પર મહિલા કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી હતી. ચારેય મથકોની બહાર સખી મતદાન મથકના બેનર, રંગોળીઓ, ફુગ્ગાઓ, તોરણોથી બુથને શણગારવામાં આવ્યા. જેમાં લીલાધર મુરારજી ભીમાણી પ્રાથમિક શાળા, માંડવી તાલુકા શાળા, વાલ્મીકી પ્રાથમિક શાળા તથા ડી.ટી. હાઈસ્કુલનો સમાવેશ થયો. જયારે જૈન નૂતન પં.પ્રા. શાળા બુથમાં તમામ વિકલાંગ કર્મચારીઓએ સેવા આપી હતી. સોલીટેર સોસાયટીમાં રહેતા બહાદુરાસિંહ જાડેજાએ 92 વર્ષની વયે પોતાના મતની પવિત્ર ફરજ ભાટીયાવાળી શાળામાં મતદાન કરીને બજાવી હતી. જયારે મહેન્દ્રભાઈ રામજી સચદેએ 80 વર્ષની ઉંમરે લાકડીના ટેકે મતદાન કરવા ભાટીયાવાળી શાળામાં પહોંચ્યા. ઝકીઉદીન માંડવીવાલાએ 78 વર્ષની વયે, ધનબાઈ નારાણ ગઢવીએ 83 વર્ષની વયે મતદાન કર્યું.  શારીરિક તકલીફ હોવા છતાં કરમશીભાઈ ગઢવીએ 72 વર્ષની વયે ખુરશી પર બેસી મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા. મનોજભાઈ આત્મારામ મહેશ્વરીએ 82 વર્ષની વયે વોર્ડ નં. 2માં મતદાન કર્યું. દિવ્યાંગ સુલતાનભાઈ મીર તથા તેમના પત્ની યાશ્મીનબેને અજુંમન શાળામાં મતદાન કર્યું હતું. ત્રણ-ત્રણ પેઢીએ મતદાન કર્યું, જેમાં દાદા અરાવિંદભાઈ ગોહિલ, પુત્ર રાકેશ ગોહિલ, પૌત્ર વંદન ગોહિલ, દાદા ડાહયાલાલ પંચાલ, પુત્ર પીયુશ પંચાલ, પૌત્ર હેત પંચાલ, દાદી બાલાબેન ભીંડે, પુત્ર નીહીતભાઈ ભીંડે, પૌત્ર-જય ભીંડે વિગેરે ઉપરાંત મોટી ઉંમરના ભાઈઓ, બહેનો, વિકલાંગો, વિગેરેએ પોતાની પવિત્ર ફરજ સમાન મત આપી આનંદ વ્યક્ત કર્યો હતો. કોડાયથી જીવરાજ ગઢવીના હેવાલ મુજબ એકંદરે શાંતિપૂર્ણ અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન સંપન્ન થયું હતું. એકમાત્ર જખણીયા વિસ્તારમાં ઈવીએમ મશીનમાં ખોટીપો સર્જાયો હતો. જોકે, 10-15 મિનીટમાં અટકેલું મતદાન ફરી શરૂ થયું હતું. જ્યારે પીપરી ગામમાં 6 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં મતદારો લાઈનમાં રહેતા 7 વાગ્યે મળતી માહિતી મુજબ મતદાન મોડે સુધી જારી રહ્યું હતું. પાછળ એવું કારણ આગળ ધરવામાં આવ્યું હતું કે, અગાઉની ચૂંટણીઓમાં અહીં બે બુથ રહેતા હતા. વખતે એક બુથ હતું. જેથી મોડે સુધી મતદાન અપાયું. નવા નિયમ મુજબ 1500થી મત વધે તો બે બુથ થાય છે. કોડાયના જૈન સંત વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબે બે દાયકાથી તેમની પરંપરા મુજબ વહેલી સવારે મતદાન કર્યું હતું. વીરાયતન વિદ્યાપીઠનાં કચ્છનાં વડા શીલાપીજી .સા. પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. કોડાય ગુરુકુલના શાત્રી કૃષ્ણજીવન સ્વામીએ પણ લોકશાહીનાં પર્વમાં આહુતિ આપી હતી. કોડાય અને આસપાસના વિસ્તારોમાં સવારથી લોકશાહીનાં પર્વ પ્રસંગે બંધ જેવો માહોલ હતા. સેંકડો લોકો મુંબઈથી ખાસ મતદાન કરવા આવ્યા હતા. ગરમી વચ્ચે પણ સારું મતદાન થયું હતું. મદનપુરા અને આસપાસના પાટીદાર વસ્તીવાળા ગામોમાં પણ ઉત્સાહભેર ઉચું મતદાન થયું હતું. આરોગ્ય તંત્ર ખડેપગે રહ્યું હતું. ગઢશીશાના પ્રતિનિધિ શાંતિલાલ આચાર્યના હેવાલ મુજબ ગઢશીશામાં 60 ટકા જેવું ભારે મતદાન થયું હતું, જેમાં ગંગાપર 87 ટકા સાથે મોખરે રહ્યું હતું. મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન આધારિત પંથકના ગામડાઓમાં મિશ્ર માહોલ વચ્ચે મતદારોએ રાષ્ટ્રધર્મ બજાવ્યો હતો. કોઈ મોટા ગજાના નેતાઓની સભા કે કાર્યાલયો વિના મતદાન સુધી પહોંચેલા લોકશાહીના પર્વમાં નાગરીકોએ મતરૂપી આહુતિ આપી હતી. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બોર્ડર સીક્યોરીટી ફોર્સના જવાનોની તેનાતી સાથે 6 મતદાન મથક પર મતદાન શરૂ થયું હતું. 12 વાગ્યા સુધી માત્ર 28 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગ્યે આંક વધતા 60 ટકા મતદાન થયું હતું. ગંગાપરમાં માંડવી તાલુકાનું સૌથી વધારે 87 ટકા જેટલું મતદાન નોંધાયું હતું અને ત્યાર પછી રત્નાપરનું 77.32 ટકા મતદાન નોંધાયું હતું. પંથકમાં પ્રથમ વખત મતદાન અધિકાર મેળવનાર યુવાનોનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. સાંજે હેવાલ મુજબ ગઢશીશામાં 60, દેવપર (ગઢ)માં 59.40, રાજપરમાં 68.27, ભેરૈયામાં 73, વાંઢમાં 68, શેરડી 68, કોટડી મહાદેવપુરી 58,  મઉ 51.7, વિરાણી નાની (ગઢ) 73,  રામપર 63, વેકરા 61, મકડા 63, ગાંધીગ્રામ 76, દુજાપર 75.34, નાની ઉનડોઠ 64, મોટી ઉનડોઠ જામથડા 67, મમાયમોરા 73, દરશડી 64.41, જનકપુર 82, હમલા-મંજલ 63, મોટી ભાડઈ 51, નાની ભાડઈ 74, ધોકડા 68 ટકા મત પડયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang