• રવિવાર, 19 મે, 2024

અંજાર વિધાનસભા ક્ષેત્રમાં 59.67 ટકા મતદાન

મનજી બોખાણી અને રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 7 : ગૌરવશાળી ઇતિહાસ ધરાવતા ઐતિહાસિક શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇને લોકોમાં જોઇએ તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરી વિસ્તારના બૂથમાં સવારના ભાગે મતદારોની લાઇનો લાગી હતી. બીજીબાજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં સવારે લાઇનો હતી તો અમુક ગામડાંઓમાં એકલ-દોકલ મતદાતાઓ પર્વની ઉજવણી કરતા જણાયા હતા. અંજારની એક શાળા તથા ભલોટના એક મતદાન મથક ઉપર .વી.એમ.માં ક્ષતિ સર્જાયા સિવાય અન્ય જગ્યાએ શાંતિપૂર્ણ માહોલ જણાયો હતો. સવારે 7 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિધાનસભા મતવિસ્તારમાં 53.61 ટકા મતદાન થયું હતું. રૂડા શહેરનું બિરુદ પ્રાપ્ત અને હસ્તકળા ક્ષેત્રે આગળ પડતા શહેરમાં આજે વહેલી સવારથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઘરેથી નીકળી પડયા હતા. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને અંજાર પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીએ વહેલી સવારે મતદાન કરીને અન્યોને મતદાન કરવા આહ્વાન કર્યું હતું. આજે મતદાન હોવાથી અંજારની બજારમાં ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા ઓછા આવવાના હોવાથી તથા લોકશાહીનું મહાપર્વ હોવાથી વેપારીઓએ સવારે સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી હતી. લગભગ તમામ વેપારીઓએ મતદાન કરીને બાદમાં પોતાના ધંધા-વ્યવસાય ચાલુ કર્યા હતા. શહેરમાં સવારે 10 વાગ્યા સુધી ખૂબ તીવ્ર ગતિએ મતદાન થયું હતું પરંતુ બાદમાં ગતિ ધીમી થઇ હતી.અહીંની શાળા નંબર ત્રણમાં આવતો વિસ્તાર મોટો હોવાથી ત્યાં સવારથી લાઇનો લાગી હતી. દરમ્યાન સવારે અહીંના એક .વી.એમ.માં ક્ષતિ સર્જાઇ હતી. જેના કારણે મતદાતાઓ લાઇનમાં ઊભા રહીને અકળાયા હતા. રજૂઆતો બાદ તંત્ર દોડતું થતાં મશીનની મરમ્મત કરી પુન: ચાલુ કરાયું હતું. બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભલોટ ગામના એક મશીનમાં ક્ષતિ સર્જાઇ હતી.વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7થી 9 દરમ્યાન 10.55 ટકા મતદાન નોંધાયું હતું. બાદમાં 9થી 11 વચ્ચે ઊંચકાઇને 24.13 ટકા તથા 11થી 1 દરમ્યાન 33.26 ટકા મતદાન પહોંચ્યું હતું. મધ્યાંતર બાદ લોકોમાં નિરસતા જણાતાં વિધાનસભા ક્ષેત્રમાં 40.48 ટકા જ્યારે અંજાર શહેરમાં 33.26 અને ગ્રામ્ય વિસ્તારમાં 42.78 ટકાએ મતદાન પહોંચ્યું હતું. - ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સુસ્તી તો ક્યાંક તેજી : અંજાર તા.ના નાની ખેડોઇ  ગામમાં મતદારોમાં નિરસતા જણાતાં સવારના બે કલાક સુધીમાં 1036 મતદારો પૈકી 100થી 125 જેટલા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમજ મોટી ખેડોઇમાં 4700 મતદારો પૈકી છૂટાછવાયા મતદારો મતદાન મથકો સુધી આવતા જણાયા હતા, જ્યારે ખંભરા-1માં 834 પૈકી 228 અને 2માં 1138 પૈકી 280 મતદારોએ સવારે 10 વાગ્યા સુધીમાં પર્વની ઉજવણી કરી હતી. અહીં મતદારોને મતદાન મથક સુધી લઇ આવવા-લઇ?જવાની કોઇ સુવિધા હોવાથી અમુક મહિલા મતદારોએ નિરસતા સાથે બળાપો કાઢ્યો હતો. વંડી તુણા બૂથ-1 ઉપર બપોર સુધીમાં 954માંથી 259 તથા 2માં 1000 ઉપરાંતના મતદારો પૈકી 400 જેટલા મતદારોએ વોટિંગ કર્યું હતું. સિનુગ્રામાં ત્રણ મતદાન મથકના 2800 જેટલા મતદારો પૈકી સવારે 7થી 11 વચ્ચે 36 ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અહીંના 75 વર્ષીય તારાબેન નટવરલાલ વરૂને પેરાલિસીસ છે તથા માંદગીના કારણે ગઇકાલ સાંજ સુધી પોતે હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ આજે સવારે રજા લઇને પોતે મતદાન કરવા આવ્યા હોવાનું વૃદ્ધાએ લાકડીના ટેકે ચાલતાં ચાલતાં જણાવ્યું હતું. મોટી નાગલપરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. અહીં સ્વયંભૂ લોકો પર્વમાં જોડાયા હોવાનું જણાયું હતું. બપોર બાદ વરસામેડી ગામની બે શાળામાં લટાર મારતાં અહીંના બૂથ ઉપર કુલ 6437 મતદાર હોવાનું તથા બપોરે ત્રણ?વાગ્યા સુધીમાં 2535 લોકોએ પર્વની ઉજવણી કરી હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે ભીમાસર (સહારા) ગામમાં ત્રણ મતદાન મથકમાં 3060 જેટલા મતદારો પૈકી 1779 લોકોએ ત્રણ?વાગ્યા સુધીમાં મતદાન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. - મધ્યાંતર બાદ ગતિ તેજ થઇ : અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાંતર બાદ મતદારો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા અને બપોરે ત્રણથી પાંચના ગાળામાં ટકાવારી ઊંચકાઇ હતી અને વિધાનસભા ક્ષેત્રની 53.61 ટકા, શહેરની 52.69 તથા ગ્રામ્ય વિસ્તારની 53.90 ટકાવારી પહોંચી હતી. - સક્ષમ રથએ 60થી 65 લોકોને મતદાન કરાવ્યું : અંજાર વિધાનસભા ક્ષેત્રમાં ચાર સક્ષમ રથ સમાન વાહનો તૈયાર કરાયા હતા, જેમાં ચાર વિશિષ્ટ શિક્ષકો, બે તબીબ, બે મેડિકલ કર્મીઓ કિટ અને વ્હીલચેર સાથે તૈનાત થયા હતા. કર્મીઓએ બી.એલ..નો સંપર્ક કરી દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોની માહિતી મેળવી હતી અને અંજાર શહેર, ખંભરા, માધવનગર (ખેડોઇ), જાંબુડી, ચકાર કોટડા, વીડી, મેઘપર કુંભારડી, નાગલપર, નગાવલાડિયામાં જઇને આવા 60થી 65 જેટલા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરેથી લઇ જઇ મતદાન કરાવી પરત તેમને ઘરે મૂકી અવાયા હતા. - પોલીસ પણ આવી મતદારોની વહારે : લોકસભાની ચૂંટણીમાં વૃદ્ધોએ પોતાની ફરજ અદા કરી હતી, મતદાન મથકો સુધી આવી પહોંચ્યા બાદ અંદર જવામાં અસક્ષમ એવા વૃદ્ધોની વહારે પોલીસ આવી હતી. અંજારની શાળા નંબર-3માં વૃદ્ધા મતદાર ચાલી શકતા હેડ કોન્સ્ટેબલ નરસિંહભાઇ ઝાપડિયા વૃદ્ધાને ઊંચકીને મતદાન મથક સુધી લઇ ગયા હતા. - અમુક ખાનગી કંપનીઓ ચાલુ રહી હતી : અંજાર શહેરની આસપાસ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અમુક ખાનગી કંપનીઓમાં આજે રજા પાળવામાં આવી નહોતી, જ્યારે અમુક કંપનીઓએ પોતાના કર્મીઓને મતદાન કરવા રજા પણ આપી હોવાનું કર્મચારીઓએ કચવાટ અવાજે જણાવ્યું હતું. અમુક કંપનીઓમાં પાળીમાં કામ કરતા કર્મીઓ ઘરે આવ્યા બાદ તાપના કારણે મતદાન કરવામાં સુસ્ત રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સવારથી સાંજ સુધીમાં વિધાનસભા ક્ષેત્રમાં કુલ 59.67 મતદાન થયું હતું. જે પૈકી પુરુષ 63.79 તથા મહિલા 55.38 અને અન્યની 37.50 ટકાવારી રહી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang