• રવિવાર, 19 મે, 2024

કઇ વરે થ્યા ભા વોટ કરીયું તા... અબડાસાનો અવાજ

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 7 : રણ તથા સમુદ્ર સાથે જોડાયેલા કચ્છના પશ્ચિમી છેડાના અબડાસા વિસ્તારમાં લોકશાહીનું પર્વ  ઊજવવા મતદારોમાં કેવો ઉત્સાહ હતો જાણવા `કચ્છમિત્ર' ટીમે અબડાસાના અંતરિયાળ ગામો ખૂંદ્યા હતા. અબડાસા મતવિસ્તારમાં 35 હજાર જેટલા ક્ષત્રિય મતદાર આવતા હોવાથી વર્તમાન લોકસભાની ચૂંટણીમાં સર્જાયેલા ક્ષત્રિયોના સમીકરણને ધ્યાને લઇ રાજપૂત સમાજના પ્રભુત્વવાળા વિસ્તારમાં શું સ્થિતિ છે જાણવાનો પ્રયાસ પણ થયો હતો. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલતું હતું અને ખાસ કરીને ક્ષત્રિય વસ્તીવાળા ગામોમાં પણ એખલાસથી લોકશાહીના મેળામાં ભાગ લેવા મતદાતાઓ જતા જોવા મળ્યા હતા. અબડાસા, લખપત અને નખત્રાણા એમ ત્રણ તાલુકા ધરાવતા કચ્છના સૌથી મોટા ભૌગોલિક મતવિસ્તારમાં મતદાનની વાત કરીએ તો આજે સવારે સાત વાગ્યાથી સાંજના વાગ્યા સુધી હાથ?ધરાયેલી ચુનાવી પ્રક્રિયામાં એકંદરે 56.53 ટકા મતદાન થયું હતું. અનુ. જાતિની લોકસભા બેઠક ઉપર સાંસદ બનવા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસ સહિત 11 ઉમેદવારે ઝંપલાવ્યું છે, ત્યારે કચ્છમાં તો મુખ્યત્વે ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નીતેશ લાલણ વચ્ચેનો ચૂંટણી જંગ હોવાથી અબડાસામાં કુલ 2,56,856 મતદાતા પૈકી 1,45,190 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 1,31,224 પુરુષ સામે 80,345 પુરુષો તો 1,25,629 ત્રી સામે 64845 મહિલાઓએ ભાગ લીધો હતો. ધારણા મુજબ આજે તાપમાનનો પારો ઊંચો રહ્યો હતો. એક બાજુ હીટવેવની આગાહી હોવાથી ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોંચી જતાં બપોરે 12 વાગ્યા પછી મોટા ભાગનાં મતદાન મથકો ખાલી ભાસતાં હતાં અને 12 વાગ્યા પછી ગરમીનાં કારણે મતદાન કરવાનું મતદારોએ રીતસર ટાળ્યું હતું. અબડાસાના અંતરિયાળ એવા 10થી વધુ ગામની અમારી ટીમે મુલાકાત લીધી તો મતદાર બહારથી આવે છે કેમ જોવા બૂથના પ્રીસાઇડિંગ ઓફિસર રાહ જોતા હતા. કચ્છમિત્રની ટીમ બપોરે બે વાગ્યે અબડાસાના રવા ગામે પહોંચી તો રવામાં કુલ 666 મતમાંથી માત્ર 145નું મતદાન થયું હતું. ખુદ પ્રીસાડિંગ ઓફિસરે કહ્યું કે, 20 ટકાની આસપાસ મત પડયા છે, અમે રાહ જોઇએ છીએ છતાં મતદારો બહાર દેખાતા નથી. ચૂંટણી તંત્ર તરફથી દર બે કલાકે આપવામાં આવતા શરૂઆતમાં સવારના 7થી 9ના સમય ગાળામાં તો માંડ 5.54 ટકા મતદાન થયું હતું. પછીના બે કલાકમાં ઉછાળો આવ્યો હતો ને 11 વાગ્યા સુધીમાં તો 26.12 ટકા તો બપોરે 1 વાગ્યા સુધીમાં 35.63 ટકા, ત્રણ વાગ્યા સુધી 40.41 ટકા, જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી 44.34 ટકા મતદાન થયું હતું. કચ્છમાં અનોખી તાસીર ધરાવતા અને તળપદા વિસ્તાર તરીકે ઓળખાતા અબડાસા મતવિસ્તારમાં નલિયા, નખત્રાણા અને લખપતના દયાપર મુખ્ય મથક હોવાથી મોટી વસ્તીવાળા ત્રણેય મથકે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અબડાસાના અંતરિયાળ ગામોમાં જ્યારે મુલાકાત લીધી ત્યારે મોથાળાથી લઇ કનકપર, નુંધાતડ થઇ વિંઝાણમાં ટીમ પહોંચી ત્યારે બપોરના 12 વાગ્યા હતા. બે બૂથમાં એકલ-દોકલ મતદારની હાજરી હતી. સી.આર.પી.એફ.ના જવાનોના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યંત શાંતિ દેખાતી હતી. અહીં મળી ગયેલા ગામના પૂર્વ સરપંચ વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે, અત્યાર સુધી 350નું મતદાન થઇ ચૂક્યું છે, સરેરાશ 25 ટકા જેવું છે. એવી રીતે કાંઠાળપટીને અડીને આવેલા વાંકુ ગામમાં મતદાન મથકે નીરવ શાંતિ જોવા મળતી હતી. બપોરે 1 વાગ્યે કુલ 1237 મતમાંથી 380 મતદાન થયું હતું. સાંધવ, ભાચુંડા, બીટિયારી, બેરાચિયા વગેરે ગામો ભલે નાના હતા, પરંતુ વર્ષો પછી ગામોમાં સમૃદ્ધિ દેખાતી હતી. બેરાચિયા થઇને ભવાનીપર ગામમાં મત કુટિરમાંથી હાથમાં લાકડી લઇને 90 વર્ષીય વયોવૃદ્ધ બબીબેન સુંદરજી ખાનિયા નીકળ્યા હતા. તેમને પૂછતાં કહ્યું, ભા કઇ વરે થ્યા વોટ કરીયાં તી 90 વરેંજી અઇયાં પણ હલીને મત દીયાં તી.... અહીં 683નું મતદાન છે, પણ બપોરે બે વાગ્યે 260 મતના બટન દબાવાયા હતા. લક્વાગ્રસ્ત ભારૂભા ખેંગારજી જાડેજાની ઉંમર તો 70 વર્ષની છે, પણ તેઓ ચાલી શકતા નથી, તેમના પુત્ર ખભે ઊંચકીને મતદાન કરવા લઇ આવેલા જોવા મળ્યા હતા. અબડાસા મતવિસ્તારમાં આવતા અબડાસાનું કુલ મતદાન અંદાજે 90 હજાર, નખત્રાણાનું 1.28 હજાર અને લખપતનું 41 હજાર જેવું મતદાન છે. કોઠારાથી અમારા પ્રતિનિધિ મનોજ સોનીના હેવાલ પ્રમાણે કોઠારા વિસ્તારમાં આવતાં ગામડાંમાં સવારથી ક્યાંક નિરસ તો ક્યાંક મતદારોની લાઇનો જોવા મળી હતી. કોઠારામાં બૂથ પર સવારે મતદારોની એકલ-દોકલ લાઇનો જોવા મળી હતી, તો બપોર બાદ મતદાનની ટકાવારીમાં વધારો થયો હતો. અહીં મતદારોને આવવા-જવા માટે ગામમાં વાહનવ્યવસ્થા રાખવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુ એવી કોઠારા (માનપુરા)ના હંસાબેન હરજીભાઇ પરગડુએ પણ મતદાન કર્યું હતું. આમ એકંદરે  શાંતિમય વાતાવરણ જોવા મળ્યું હતું, તો વરાડિયા, આમરવાંઢ, શિરુવાંઢમાં સવારથી લોકોની લાઇનો જોવા મળી હતી, તો ડુમરામાં પણ લોકો એકલ-દોકલ જોવા મળ્યા હતા. ફરજ પરના કર્મચારીઓ માટેની વ્યવસ્થા ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ અને ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. નાના કરોડિયા અને મોટા કરોડિયાના 200 જેટલા મતદારો બહાર ગામ આદિપુર, મુંદરા, ભુજ સહિતનાં ગામોના લોકો આજે પોતાના માદરે વતનમાં લોકશાહીનાં પર્વને ઊજવવા આવી પહોંચ્યા હતા. નારણપર ગામમાં યુવાનો પોતાના મત આપી અને ગરમીથી ઠંડક મેળવતા જોવા મળ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang