• સોમવાર, 20 મે, 2024

માલધારીઓની હિજરત થકી બન્ની-પચ્છમમાં નિરસ મતદાન

હીરાલાલ રાજદે અને અલી રાયશીપોત્રા દ્વારા : ભુજ, તા. 7 : તાલુકાના બન્ની-પચ્છમમાં માલધારીઓ હિજરત કરી ગયા હોવાથી એકંદરે નિરસ મતદાન થયું હોવાની વિગતો સાંપડી હતી, તો ખાવડામાં ઈવીએમ ખોટવાયાનો બનાવ બનતાં થોડા સમય માટે મતદાનની પ્રક્રિયા  સ્થગિત કરવી પડી હતી, તો પચ્છમમાં બંને મુખ્ય પક્ષના કાર્યકરો-આગેવાનો ખાટલા-ઓટલા બેઠકોમાં રસ દાખવતા ઓછાં મતદાનની અસર જોવા મળી હતી. - ખાવડામાં ઈવીએમ ખોટકાતાં મતદાન ખોરવાયું : તાલુકાના ખાવડા ખાતે સવારથી સાંજ સુધી 58 ટકા જેટલું મતદાન થયું હતું, જો કે, બૂથ નં. બે પર બપોરે ઈવીએમ મશીન ખોટવાતાં અડધો કલાક જેટલા સમય સુધી મતદાન બંધ રહ્યું હતું. ઉપરાંત કેટલાંક સ્થળે મતદારોને સ્લિપો મળી હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઊઠી હતી તેમજ મતદાન મથકોએ પ્રાથમિક સારવાર, વ્હીલચેર સહિતની સગવડ તંત્ર દ્વારા કરાઈ હતી. સમગ્ર પચ્છમ પંથકમાં ઓછું મતદાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. - પહેલાં મતદાન પછી રોજગાર : બન્ની પંથકનાં ગામડાંઓમાં સવારથી મતદાન મથકોએ મતદારોની લાંબી લાઈનો લાગી હતી અને શાંતિપૂર્ણ રીતે  મતદાન થયું હતું. બન્નીના મુખ્ય મથક ભીરંડિયારા ખાતે મહિલા મતદારોની લાઈનો લાગી હતી, તો મજૂર વર્ગે પણ રાષ્ટ્રીય ફરજને પ્રાધાન્ય આપી પ્રથમ મતદાન બાદ રોજગારીને મહત્ત્વ આપ્યું હતું. પંથકના મીસરિયાડો, ભોજરડો, ઉડઈ, હોડકો, સાડઈ અને પાશી વિસ્તારના અંધૌ ગામે પણ લાંબી લાઈનો સાથે મતદાન થયું હોવાનું પ્રતિનિધિ અલી રાયશીપોત્રાએ જણાવ્યું હતું. તો સાડઈમાં ગામના 98 વર્ષીય વૃદ્ધા જુલેખાબાઈ ઈશા પણ પોતાના અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. ઉપરાંત બન્નીના અંતરિયાળ ગામોમાંયે 41 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો લોકશાહીનાં પર્વના ભાગીદાર બની પર્વને મનાવતાં અંદાજે 41 ટકા જેટલું મતદાન થયું હતું. - પચ્છમમાં માલધારીઓની હિજરત થકી નિરસ મતદાન : દરમ્યાન સુમરાપોરના અમારા પ્રતિનિધિ મુસા સુમરાએ જણાવ્યું હતું કે, તાલુકાના સરહદી પચ્છમ પંથકમાં માલધારીઓ મોટાપાયે હિજરત કરી ગયા હોવાથી ધીમી ગતિએ અને નિરસ મતદાન થયું હતું, તો બૂથ બહાર અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે છાંયડા કે મંડપની વ્યવસ્થા હોવાથી મતદાન પર સીધી અસર વર્તાઈ હતી. વળી મતદારોને રીઝવવા બંને પક્ષના અગ્રણીઓ કે કાર્યકરો ખાટલા અને ઓટલા બેઠકો યોજતા હોય છે, પરંતુ વખતે કોઈપણ પક્ષે મતદારોની પૃચ્છા કરતાં મતદાન ઓછું થયું હતું.0

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang