• સોમવાર, 20 મે, 2024

વહેલાં મતદાનની પટેલ ચોવીસીની તાસીરમાં બદલાવનો અણસાર

કૌશલ પાંધી દ્વારા : ભુજ, તા. 7 : લોકસભા ચૂંટણી અંતર્ગત જેના પર મીટ મંડાઈ હતી, તેવા પટેલ ચોવીસીના ગામોમાં શરૂઆતે સુસ્ત માહોલ રહ્યો હતો. જો કે, અમુક ગામોમાં મતદારોની ભીડ દેખાઈ હતી. તો પક્ષ દ્વારા મતદારોની મદદ માટે ગોઠવેલા બૂથ એજન્ટો તથા કાર્યકર્તાઓમાં પણ ખાસ ઉત્સાહ વર્તાતો નહોતો. મિરજાપર, સુખપર, માનકૂવા, કેરા, ભારાસર, નારાણપર સહિતના ગામોમાં અમુક લોકોએ વહેલી સવારે મતદાન કરી કામે પહોંચી ગયા હતા, તો અમુકે વહેલા પહોંચવાનું ટાળી નિરાંતે મતદાન કર્યું હતું. પટેલ ચોવીસીના ગામોની તાસીર મુજબ વહેલી સવારે મતદાન કરી ત્યારબાદ કામે ચડી જવાનું બાબત ધ્યાને લઈ કચ્છમિત્રની ટીમે વહેલી સવારે ઉપરોક્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મિરજાપર કન્યા શાળા ખાતે પ્રથમ બે કલાકમાં મતદાનનો આંક 10 ટકા સુધી પહોંચ્યો હતો અને સવારે સાતથી 11 વાગ્યા સુધી વધુ 15 ટકા મતદાનને પગલે 11 વાગ્યા સુધી 25 ટકા સુધી મતદાન નોંધાયું હતું. મતદાતાઓને મદદરૂપ થવા અલગ-અલગ પક્ષના અગ્રણીઓ સતત ખડેપગે નજરે પડયા હતા, તો મતદાન મથકોએ અન્ય ગામોની તુલનાએ મતદારોની થોડી ભીડ નજરે પડી હતી. સુખપર જૂનાવાસ ખાતેની શાળામાં પ્રથમવાર મત આપવાનો ઉત્સાહ દર્શાવતી હેમાની કિશોર કેરાઈએ જણાવ્યું કે, લોકશાહીનાં પર્વમાં જોડાવાનો આજે અનોખો આનંદ છે. મતદાન આપણી નૈતિક ફરજ છે અને દરેક નાગરિકે દેશના હિતમાં મતદાન કરવું જોઈએ, તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. તો માનકૂવા હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકે મળી ગયેલા અને પ્રથમવાર મતદાન કરનારા પ્રદીપ વરસાણી અને જયદીપ હીરાણીએ કહ્યું કે, મતદાનથી યોગ્ય લોકપ્રતિનિધિને ચૂંટી શેરી, શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશના વિકાસના કાર્યોને વેગ આપવામાં જોડાવું જોઈએ. દેશહિત માટે મતદાન જરૂરી હોવાનું ઉમેર્યું હતું. હું તો જે પણ ચૂંટણી હોય તેમાં મતદાન કરું , તેવું ભારાસર માધવ વિદ્યાલય મતદાન મથકે આવેલા રામબાઈ હરજી હીરાણીએ જણાવ્યું હતું. બા તમારી ઉમર કેટલી તેવું પૂછતાં દીકરા, તો ખ્યાલ નથી, લગભગ 80 વરસ ઉપર હશે હો, તેવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડીલને ઉમરનો ખ્યાલ હતો, પણ દરેક ચૂંટણીમાં મતદાન યાદ રાખીને કરે છે. ચાલવામાં તકલીફ હોવાથી સ્થળ પર હાજર ચૂંટણી ફરજના સ્ટાફે તાત્કાલિક વ્હીલચેર મગાવી અને રામબાઈને મતદાન કરવામાં મદદરૂપ બન્યા હતા. નારાણપર પં. પ્રા. શાળામાં  પણ ખાસ ભીડ નજરે પડી નહોતી અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરતા હતા. અહીં સવારે બે કલાકની ટકાવારીનો આંક સરેરાશ 15 ટકા આસપાસ નોંધાયો હોવાનું સ્થળ પર જાણવા મળ્યું હતું. હજારથી વધુ મત ધરાવતા કેરા ગામે પહેલાંથી કહેવાયા મુજબ સાત વાગ્યાથી લોકોએ મતદાન કરવા માટે સવારે 6.30 વાગ્યાથી લાઈનો લગાવી હતી. એકાદ વાગ્યા સુધી તો લગભગ મતદારો આવી જશે, તેવું સ્થળ પર મળેલા નવીનભાઈ પાંચાણીએ જણાવ્યું હતું. તડકામાં હેરાન થવું પડે તે માટે વહેલું મતદાન કરી લેવું એવું લોકોએ પણ મન મનાવ્યું હતું. જૂના અને નવાવાસ ગ્રામ પંચાયત સમાવતા માધાપર ગામે યુવાઓ તથા કડિયાકામ કે, વાડીએ જતા લોકોની લાઈનો લાગી હતી, તેવું પ્રતિનિધિ મહેશ સોનીએ જણાવી ઉમેર્યું કે, સરસ્વતી શાળાની સામે આવેલા લિમડા વન ઓટલા પાસે વર્ષોથી મતદારો બેસે છે, તેમને વહીવટી તંત્ર દ્વારા શાળાથી દૂર જવા જણાવાતાં નારાજગી ફેલાઈ હતી. આર્મિમેનના નામે અન્ય કોઈ મત આપી આવ્યાની વાતથી ગામમાં ચર્ચા જામી હતી. વહેલી સવારે નિકીતા અનિલગર ગુંસાઈએ ઉત્સાહભેર પ્રથમવાર મતદાન કર્યું હતું, તો 107 વર્ષના વીરાંગના મેઘબાઈ કરશન વ્હીલચેર પર મતદાન કરવા આવ્યાં હતાં. શ્રીજી વિદ્યાલયના રૂમ નં. એકમાં ઈવીએમમાં શરૂઆતે થોડી ક્ષતિ સર્જાઈ હતી, પરંતુ ફરજ પરના અધિકારીએ તુરંત મરંમત ટુકડીને બોલાવી ગણતરીની મિનિટોમાં ક્ષતિ દૂર કરી મતદાન શરૂ કરાવી દીધું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang