• શુક્રવાર, 24 જુલાઈ, 2026

વરસાદની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, તા.23 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી કરી હતી. તેમણે આ જિલ્લાના કલેકટરો સાથે બેઠકમાંથી જ ટેલીફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ રેસ્ક્યુ, સ્થળાંતર સહિતની કામગીરી અને નદીઓમાં પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે બચાવ-રાહત, સ્થળાંતર અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી મુખ્યમંત્રીને આપી છે. મુખ્યમંત્રીએ ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને કામગીરીમાં માર્ગદર્શન આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને બે સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને સુરત, વલસાડ, નવસારી મોકલ્યા છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવને પણ સંબંધિત જિલ્લાઓમાં તત્કાલ પહોંચવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.  મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને બચાવ-રાહત, સ્થળાંતર કામગીરીમાં મદદરૂપ થવા એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા પણ આ સમીક્ષા બેઠકમાં આદેશો આપ્યા હતા. 

Panchang

dd