• રવિવાર, 01 જૂન, 2025

રાત્રે કચ્છથી બાડમેર સુધી ડ્રોન દેખાયાં

ભુજ, તા. 11 : યુદ્ધવિરામની ઘોષણા છતાં પાકિસ્તાની દળો તરફથી ભારતની સીમામાં ડ્રોન ઘૂસાડવાની નાપાક પેરવી હજુયે બરકરાર હોય તેમ આજે રાતે કચ્છની સીમામાં ભુજ, નલિયા, જખૌ અને રણ સરહદે ડ્રોન દેખાયાં હતાં.  મોડીરાત્રે મુંદરા તાલુકાના પત્રી ગામે પણ ડ્રોન ગતિવિધિ દેખાતાં તંત્ર સચેત બન્યું હતું. બીજી તરફ, જિલ્લા મથક ભુજમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કરીને જાગૃતિના દર્શન કરાવ્યા હતા. દરમ્યાન, રાજસ્થાનનાં બાડમેરમાં પણ પાકિસ્તાની ડ્રોનની ગતિવિધિ નોંધાતાં સાયરન ધણધણી ઊઠી હતી અને નગરમાં બ્લેકઆઉટ કરી દેવાયો હતો. કચ્છ સીમાના સુરક્ષા તંત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આજે રાતે પાકિસ્તાન તરફથી ભારતની બોર્ડરમાં ભુજ અને નલિયા અને જખૌમાં એક-એક અને રણ સરહદે પણ ડ્રોન દેખાયાં હતાં.  તો મુંદરાના વાંકી  પત્રી બાજુ ડ્રોન દેખાયું હતું.  જે બેરાજા અને બાબિયા તરફ જતું જોવા મળતાં ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને આ ડ્રોન ભારત સીમાની ગતિવિધિ જાણવા નિરીક્ષણ અર્થે આવ્યાનું જાણકારો માની રહ્યા છે. દરમ્યાન, રાજસ્થાનના બાડમેરમાં રવિવારની મોડી સાંજે ફરી એક વખત પાકિસ્તાની ડ્રોન  દેખાતાં જિલ્લા તંત્રે એલર્ટ જારી કર્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને ઘરોમાં જ રહેવા જણાવાયું હતું અને નગરમાં બ્લેકઆઉટ કરી દેવાયો હતો. આ પગલું તકેદારીના ભાગરૂપે લેવાયું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd