ભુજ, તા. 9 : ભારત અને આતંકપરસ્ત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવું
જ ભારે ઘર્ષણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પાકિસ્તાન તરફથી ગઈકાલે પરોઢે ખાવડા પાસે એક અને રાત્રે કોટેશ્વર નજીક ત્રણ ડ્રોન ઘૂસી આવતાં
ભારતીય દળોએ તેને નિશાન બનાવી તોડી પાડયાં હતાં, જ્યારે આજે રાત્રે
હરામીનાળાં બાજુ બે ડ્રોન દેખાયાના વાવડ મળ્યા છે, તો ટીવીના
માધ્યમોમાં કચ્છમાં પાકિસ્તાનના 10 ડ્રોન ફૂંકી માર્યાના સમાચાર સામે આવ્યા છે. આજે રાત્રે ફરી રઘવાયા થયેલા
પાકિસ્તાને ભારતના વિવિધ ક્ષેત્રને નિશાન બનાવવા સંખ્યાબંધ ડ્રોનનો મારો ચલાવતા ગઈકાલની
જેમ જ ભારતીય દળોએ આ હુમલાને નાકામ બનાવી દીધો હતો. કચ્છના હરામીનાળાંમાં પણ બે ડ્રોન
દેખાયાં હતાં, જ્યાં સુરક્ષા સંબંધિત તૈનાત રક્ષકદળોએ તેનો પ્રતિકાર કર્યો હોવાનું માહિતગાર
સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ રાત્રે ટી.વી. ન્યૂઝ ચેનલમાં કચ્છમાં 10 ડ્રોન તોડી પડયાના સમાચાર વહેતા થયા છે આ અંગે
કચ્છના સુરક્ષા સંબંધિત સૂત્રોનો સંપર્ક કરતાં તે અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ
ઉપરાંત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કુકમાના યુવકને આકાશમાં એક
સાથે કતારમાં 20થી 2પ લાઈટ ભુજથી અંજાર બાજુ જતી દેખાતાં
તેણે તેનો વીડિયો ઉતારી જાગૃત નાગરિક તરીકે સુરક્ષા સંબંધિતો સુધી પહોંચાડયો
હતો. તપાસમાં આ વીડિયો સ્ટારલિંકનો હોવાનું સામે આવ્યું છે.