ફ્લોરિડા, તા. 19 : ભારતીય મૂળનાં અમેરિકી અવકાશયાત્રી
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર નવ મહિના અને 14 દિવસ બાદ બુધવારની પરોઢે 3 અને 27 મિનિટે ફ્લોરિડાના
કાંઠે ઊતરાણ સાથે ધરતી પર પરત પહોંચી આવ્યા હતા. સંઘર્ષભર્યા 286 દિવસ બાદ અવકાશયાત્રી ટીમની
સલામત `ઘરવાપસી'
બદલ અમેરિકાથી ભારત સુધી લોકોએ આતશબાજી કરીને ખુશીભેર ઉજવણી કરી હતી.
પૃથ્વી પર પરત ફરેલાં સુનિતા અને બુચ સાથે ક્રૂ-નવના બે અન્ય અવકાશયાત્રી અમેરિકાના
નિકહેગ અને રશિયાના અલેકસાંદ્ર ગોર્બુનોવ પણ હતા. સુનિતા અને બુચે નિષ્ણાતોની દેખરેખ
હેઠળ 45 દિવસના પુનવર્સન કાર્યક્રમમાંથી
પસાર થવું પડશે. એલન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાને ભારતીય સમય મુજબ આજે
પરોઢે 3 અને 27 મિનિટે ફ્લોરિડાના કાંઠે ઊતરાણ કર્યું હતું. અમેરિકી અવકાશ એજન્સી
નાસાએ એલન મસ્કની કંપની સ્પેસએક્સનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ મિશનમાંથી મળેલા અનુભવોનો ઉપયોગ ભવિષ્યની અવકાશ-યાત્રાઓને સુરક્ષિત કરાશે. ડ્રેગન
કેપ્સુલમાંથી પહેલાં ક્રૂ કમાન્ડર નિકહેગ પછી એલેકઝાન્ડર ગોર્બુનોવ પછી સુનિતા અને
છેલ્લે બુચ વિલ્મોર બહાર આવ્યા હતા. સૌના ચહેર પર ખુશી જોવા મળી હતી. ચારેય અવકાશયાત્રી
ગઇકાલે મંગળવારે અવકાશ મથકથી રવાના થયા હતા. અવકાશયાને પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ
કર્યો ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઇ ગયું હતું. એ દરમ્યાન લગભગ સાત મિનિટ
સુધી યાન સાથે સંપર્ક કપાઇ ગયો હતો. ડ્રેગન કેપ્સુલ અલગ થવાથી માંડીને ફ્લોરિડાના દરિયામાં ઊતરાણ સુધીની અવકાશ મથકથી પૃથ્વી
પર પહોંચવાની રોમાંચક સફરને 17 કલાક લાગ્યા
હતા. ગઇકાલે મંગળવારની સવારે 8 અને 35 મિનિટે અવકાશયાનનો દરવાજો બંધ
થયો પછી 10 અને 35 મિનિટે અવકાશયાન અવકાશમાંથી
અલગ થયું હતું. હ્યુસ્ટનમાં નાસાના જોનસન સ્પેસ સેન્ટર પર સુનિતા વિલિયમ્સની સફળ વાપસી
બદલ કર્મચારીઓએ એકમેકને વધામણી આપીને ઉજવણી કરી હતી. સુનિતાના પૈતૃક ગામ ઝુલાસનમાં
આરતી, પ્રાર્થનાઓ સાથે ઉજવણી કરાઇ હતી. સુનિતાના કાકાઇ
ભાઇ દિનેશ રાવલે ખુશીભેર કહ્યું હતું કે, ઇશ્વરે અમારી પ્રાર્થના
સાંભળી અને `સુની'ને સુરક્ષિત પૃથ્વી પર લાવી દીધી. સુનિતા કોઇ
સાધારણ વ્યક્તિ નથી. - વધુ એક ભારતીય શુભાંશુ શુક્લ અવકાશમાં જશે : વોશિંગ્ટન, તા. 19 : ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ 9 મહિના બાદ બુધવારે હેમખેમ પૃથ્વી પર પરત
આવી ગયા છે. ફલોરિડાના કિનારે સમુદ્રમાં વહેલી સવારે 3:ર7 મિનિટે સ્પેસએકસનું ડ્રેગન યાન લેન્ડ થયું હતું. હવે દુનિયાની
નજર આગામી એએક્સ-4 મિશન પર છે
જેમાં ભારતની મહત્ત્વની ભાગીદારી હશે. ર0રપમાં જ લોન્ચ થનારા આ અંગત અંતરિક્ષ મિશનમાં પહેલીવાર ભારતીય
વાયુસેનાના ટેસ્ટ પાયલોટ અને ગગન યાન મિશન સાથે જોડાયેલા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલાને
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે મોકલવામાં આવશે. આ મિશન નાસાના કેનેડી સ્પેસ સેન્ટર, ફલોરિડાથી સ્પેસએકસ ડ્રેગન યાનથી રવાના થશે
જે આશરે 14 દિવસ સુધી
ચાલશે. આ મિશનમાં શુભાંશુ શુકલા ઉપરાંત નાસાના પુર્વ અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન
કમાન્ડરની ભૂમિકા ભજવશે. તેમની સાથે યુરોપીય અંતરિક્ષ એજન્સી (ઈએસએ) ના અંતરિક્ષ યાત્રી
સાવોશ ઉજનાંસ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) અને તિબોર કાપૂ (હંગેરી) પણ હશે. આ ટીમ અંતરિક્ષમાં
વિવિધ વૈજ્ઞાનિક રિસર્ચ, શૈક્ષિત ગતિવિધિઓ
અને વ્યવસાયિક પરિયોજનાઓમાં સામેલ થશે. એવું પહેલીવાર હશે જ્યારે કોઈ ભારતીય અંતરિક્ષ
યાત્રી અંગત મિશન હેઠળ આઈએસએસ જશે. એકસ-4 મિશન અંતરિક્ષમાં વધી રહેલી અંગત ભાગીદારી સાથે ભારત અને અમેરિકા
વચ્ચે નાસા અને ઈસરોના મજબૂત બનતાં સહયોગને દર્શાવે છે. ઈસરો માટે પણ આ મિશન મહત્ત્વનું
છે કારણ કે તેનાથી મળનારા અનુભવો ભારતના ગગનયાન મિશનમાં ઉપયોગી નિવડશે. એકિસયમ કંપની
ભવિષ્યમાં દુનિયાનું પહેલું અંગત સ્પેસ સ્ટેશન વિકસિત કરવાની યોજના બનાવી રહી છે અને
એએક્સ-4 મિશન આ દિશામાં મહત્ત્વનું પગલું છે. આ
મિશન ભારત માટે અંતરિક્ષ અભિયાનોમાં ભારતની ભાગીદારીને એક નવી ઉંચાઈએ પહોંચાડનારું
સાબિત થઈ શકે છે.