• રવિવાર, 19 મે, 2024

ભાજપ 7 બેઠક ગુમાવશે ; ક્ષત્રિયોનો દાવો

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઇને કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઇને ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો હતો ત્યારબાદ મહાસંમેલનો કરી ક્ષત્રિય સમાજ દ્વારા મોટા સંખ્યામાં મતદાન કરવાની અપીલ સાથે ભાજપ વિરુદ્ધ મતદાનનું આહવાન કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના પ્રભુત્વવાળા વિસ્તારોમાં 80 ટકા ઉપરાંત મતદાન થયું છે. સંકલન સમિતિ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું તેને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજે સ્વીકારીને ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે. રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણાસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55 ટકા સરેરાશ મતદાન થયું છે. મતદાન 60 ટકા સુધી જઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. મતદાન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ નિરસ મતદાનને લઇ થાળી લઇને નીકળ્યા હતા. જો પ્રજાને સંતોષ હોય તો નીકળવું પડત. શહેરી વિસ્તારમાં પણ મતદારોમાં નીરસતા હતી. અમારી ધારણા મુજબ 7 જેટલી બેઠકો ભાજપ ક્ષત્રિય અને અન્ય સમાજને લઇને ગુમાવી રહી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. જ્યારે 4 બેઠકો પર રસાકસી છે, જ્યારે બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહીં પરંતુ ઓછી લીડ આવશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang