• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ગાંધીધામ : રેલવે મથકે ચાર્જિંગમાં મૂકેલા મોબાઇલની તફડંચી

ગાંધીધામ, તા. 23 : આજના ડિજિટલ ભારતમાં જો તમે ટ્રેનની રાહ જોતી વખતે સ્ટેશનના મુસાફરખાનામાં ફોન ચાર્જિંગમાં મૂકીને આંખ બંધ કરવાની ભૂલ કરો છો તો સમજવું કે તમે ચોરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છો. ગાંધીધામ રેલવેના મુસાફરખાનામાંથી રૂા. 10,000ના ફોનની તફડંચી થઇ હતી. વિરમગામના રહેવાસી અને ચણા જોરગરમ વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર ફરિયાદી રાકેશકુમાર વિશ્વંભર ખટીક નામનો યુવાન પોતાના સગાને મળવા મુંદરા આવ્યો હતો. અહીંથી પરત જવા તા. 21/7ના બપોરે ગાંધીધામ રેલવે મથકે આવી પહોંચ્યો હતો, પણ ટ્રેન સાંજે હોવાથી તે મુસાફરખાનામાં આરામ કરવા પહોંચ્યો હતો. ત્યાં તેણે ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો, પરંતુ થાક એટલો હતો કે ફોનની બેટરી ફુલ થાય તે પહેલાં આ યુવાનની ઊંઘની બેટરી 100 ટકા ચાર્જ થઇ ગઇ હતી. બસ પછી શું ? જાગ્યા ત્યારથી સવાર નહીં પણ જાગ્યા ત્યારે ફોન ગાયબ હતો. બાજુમાં 30થી 40 વર્ષના અજાણ્યા શખ્સે પણ પોતાનો ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. ફરિયાદી જાગતાં આ લાલ ટીશર્ટવાળો શખ્સ પણ ગાયબ જણાયો હતો. રૂા. 10,000ના ફોનની ચોરી અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રેલવેમાં વધતી જતી ચોરીના બનાવોને પગલે મુસાફરોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી છે. 

Panchang

dd