મોરબી, તા. 25 : મોરબી-કચ્છ ધોરીમાર્ગ ઉપર આવેલા માળિયા (મિં.)
તાલુકાના હરિપર ગામ નજીક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં માતાના મઢથી
દર્શન કરીને પરત ફરતી ઇકો ગાડીમાં બેઠેલી વ્યક્તિઓમાંથી બાળક સહિત ચાર લોકોનાં મોત
નીપજ્યાં હતાં. મૃતક વ્યક્તિઓના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને
અકસ્માતના આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળે
પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઈડમાં કરીને રસ્તા ઉપરનો ટ્રાફિક ક્લીયર
કરાવવા માટેની કામગીરી કરી છે. દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં
માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો અને માતાના મઢે માતાજીના દર્શન કરીને આ પરિવાર
દીવ તરફ પાછો જઈ રહ્યો હતો, ત્યારે માળિયા તાલુકાના હરિપર
ગામના પાટિયા પાસેથી તેઓની ઇકો ગાડી પસાર થઈ રહી હતી દરમિયાન કોઈ કારણોસર ઇકો
ગાડીનું ટાયર ફાટી ગયું હતું, જેથી કારના ચાલકે કારના
સ્ટીઅરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતાં ડિવાઇડર કૂદીને સામેની સાઈડમાં રોડ ઉપરથી પસાર થઈ
રહેલી ટ્રક સાથે ઇકો ગાડી અથડાઈ હતી, જેથી અકસ્માત થયો હતો.
અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલી કુલ છ વ્યક્તિમાંથી બાળક સહિત કુલ ચાર
વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, જેમાં ઇકો ગાડીના ચાલક
ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (50-રહે. રામનગર ખરા વિસ્તાર, દીવ, મૂળ ગીર સોમનાથ), કંચનબેન
વીરજીભાઈ બાંભણિયા (60), જીવાંશુ મનોજ કાપડિયા (7) અને
મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (50)નો સમાવેશ થાય છે અને આ બનાવમાં જાગૃતિબેન
મનોજભાઈ કાપડિયા (35) અને તેમની દીકરી વૈદર્શી મનોજભાઈ કાપડિયા (12)ને
ઇજા થઈ છે. માળિયા-કચ્છ હાઇવે રોડ ઉપરનો ટ્રાફિક ક્લીયર કરવા માટેની કાર્યવાહી
પોલીસ દ્વારા હાલમાં ચાલી રહી છે.