ગાંધીધામ, તા. 2 : નખત્રાણાના ધાવડા નજીક ટ્રેઈલરે
બાઈકને હડફેટમાં લેતાં બાબુ ઓસમાણ કોળી (રહે. સુરલભિટ્ટ નખત્રાણા) (ઉ.વ. 35) નામના યુવાનનું મોત થયું હતું
તેમજ ભચાઉના કુંજીસર નજીક સામેથી આવતી ટ્રકે બાઈકને ટક્કર મારતાં ચિરાગ ચંદ્રકાંત બાવાજીનું
મોત થયું હતું. તથા અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચી હતી. ધાવડા નજીક ભુજ બાજુ જતા માર્ગ
ઉપર આજે જીવલણે અકસ્માત સર્જાયો હતો. બાઈક નંબર જી.જે. 12 - ડી-એફ-1988થી બાબુ કોળી નામનો યુવાન જઈ
રહ્યો હતો, ત્યારે ટ્રેઈલર નંબર જી.જે.17-એક્સ-એક્સ-7014એ બાઈકને હડફેટમાં લેતાં બાઈકચાલક
યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. યુવાનનાં મોતનાં પગલે અરેરાટી
પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નખત્રાણા અને આસપાસના વિસ્તારમાં
તોતિંગ વાહનોની હડફેટે લોકોને જીવ ખોવાના વારા આવે છે. આ વણથંભ્યો સિલસિલો ક્યાં અટકશે
તેવા પ્રશ્ન સાથે તોતિંગ વાહનોની ગતિ ઉપર લગામ કસવા લોકોમાં માંગ ઊઠી છે. વધુ એક બનાવ
કુંજીસર નજીક ભચાઉથી ખારોઈ જતા માર્ગ પર કરમતારા કંપની પાસે બન્યો હતો. ચોબારીમાં રહેનાર
ફરિયાદી અશ્વિન જયંતી લુહાર અને તેનો મિત્ર ચિરાગ બાવાજી બાઈક નંબર જી.જે. 39-ઈ-7682 લઈને સામાન લેવા ભચાઉ ગયા હતા.
ત્યાંથી આ બંને પોતાનાં ગામમાં પરત જઈ રહ્યા હતા. તેમનું બાઈક કુંજીસર નજીક પહોંચ્યું
હતું, ત્યારે સામે ટ્રક આવી રહ્યું હતું. આ વાહનની
પાછળ ટ્રક નંબર જી.જે. 06-બી-એક્સ-3520એ આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા
જતાં સામેથી આવતાં બાઈકને ટક્કર મારી હતી, જેમાં બંને યુવાનોને ઈજાઓ પહોંચી હતી, જેમાં ચિરાગને
સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.