ભુજ, તા. 1 : થોડા માસ પૂર્વે કુકમામાં દબાણ
હટાવ કામગીરી દરમ્યાન એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ મેળવ્યો, છતાં દુકાનનો આગળનો ભાગ તોડી પડાતાં ભુજ તાલુકા
વિકાસ અધિકારી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ થઇ છે. આ કેસની વિગતો મુજબ
કુકમાના સુલેમાન જુસબ કકલને પંચાયતે આપેલી બસ સ્ટેશન સામેની જમીન ઉપર ટાયર- ટયુબનો
ધંધો શરૂ કરવા દુકાન બનાવી હતી. આ સંદર્ભે પંચાયતે નોટિસ કાઢી, જેને સુલેમાને હાઇકોર્ટમાં પડકારતાં કોર્ટે વચગાળાનો દરમ્યાન મનાઇ હુકમ આપ્યો
અને આ સંદર્ભે ભુજ તાલુકા વિકાસ અધિકારી તથા કુકમાના તલાટીને નોટિસની બજવણી થઇ છતાં
વિવાદીની દુકાનના આગળનો કેટલોક ભાગ તોડી નુકસાન કરતાં આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં
કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરી અને ભુજ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ 25000ના નોનબેલેબલ વોરંટ ઇસ્યૂ કરેલ
છે. આ કેસ ચલાવામાં અરજદાર તરફેના વકીલ મનન કે. પાનેરી, દિનેશભાઇ એમ. ગોહિલ, યોગેશભાઇ
ચારણિયા તથા ધનજીભાઇ મેરિયા હાજર રહ્યા હતા. - કબજા-ગીરો ગમે તે સમયે મુક્ત
કરાય : અબડાસા તાલુકાની મોટી વરંડીની ખેતીની જમીન
સર્વે નં. 83, 84, 85, 86વાળીના માલિક જેઠુભા સાંગાજીએ
ઇ.સ. 1943માં શાહ વેલજી નરશી પાસે જે-તે
સમયની કોરી 10,500માં કબજા-ગીરોથી મૂકવામાં આવી
હતી. ત્યારબાદ મોર્ગેજીના વારસોને પ્રાપ્ત થતાં અમુક જમીનોના વેચાણ દસ્તાવેજો આપતાં
તેમનાં નામે રેવેન્યૂ રેકર્ડ ઉપર કબજા હક્કે ચડાવવામાં આવ્યા. ગીરો મૂકનાર જેઠુભાના
વારસોએ નલિયાની દીવાની અદાલતમાં ગીરોમુક્ત કરાવવા ચાર દાવા દાખલ કર્યા કરતાં તે નામંજૂર
થયા હતા. આથી જિલ્લા અદાલતમાં ચાર અપીલ દાખલ થતાં જિલ્લા અદાલતે ચારે અપીલ મંજૂર કરી
કબજા-ગીરોથી મૂકેલી મિલકત ગીરો મૂકનાર કે તેના વારસો-પ્રતિનિધિ ગમે ત્યારે ગીરોમુક્ત કરાવી શકે છે. અરજદાર તરફે ભુજના વરિષ્ઠ
ધારાશાત્રી એસ.ટી. પટેલ અને તેમની મદદમાં હીરલ એસ. પટેલ, મુકેશ બોખાણી, ક્રિષ્ના
કે. હરસોરા, મંજીતકૌર કે. ખાઇવાર, જીનલ
કે. શાહ હાજર રહ્યા હતા.