ભુજ, તા. 2 : મુંદરાના પ્રાગપર-1ના અરથાન બસ સ્ટેશન પાસે ટ્રેઇલર પલટી જતાં
ટ્રેઇલરના 23 વર્ષીય યુવા કલીનર નરસિંગ જેતમલસિંગ
રાવ (રહે. રાજસ્થાન)નું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું. ટ્રેઇલરચાલક મૃતકના બનેવી
હતા. તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત નખત્રાણામાં ડીઝલ છાંટીને જાત જલાવી
દેનાર 36 વર્ષીય યુવાન રાજેશ ઇશ્વરલાલ
કોલીનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભચાઉ તાલુકાના છાડવાડામાં ઝાડ
ઉપર લટકીને સામખિયાળીના 45 વર્ષીય યુવાન
રમેશભાઇ પાલાભાઇ બારોટે જીવ દીધો હતો. પ્રાગપર-1ના અરનાથ બસ સ્ટેશનની સામે તા. 1/11ના ભાંગતી રાત્રે ત્રણ વાગ્યે
થયેલા આ અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકે રાજસ્થાનના શંકરલાલ છોગાલાલ રાવે જાહેર કરેલી
વિગતો મુજબ તેના મોટાભાઇ જેતમલસિંગનું ચારેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ જેતમલસિંગનો
પુત્ર નરસિંગ (ઉ.વ. 23) તેના બનેવી
ટ્રેઇલરચાલક મહાવીર ભવરલાલ (રહે. રોહતક) સાથે કલીનર તરીકે નોકરી કરતો હતો. ચાલક મહાવીર
અને કલીનર નરસિંગ ટ્રેઇલર નં. જી.જે.-39-ટી.એ.- 4818માં મોરબીથી
ટાઇલ્સ ભરી મુંદરા પોર્ટ આવતા હતા ત્યારે અરનાથ બસ સ્ટેશન પાસે ચાલક મહાવીરે ટ્રેઇલરના
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેઇલર પલટી ગયું હતું અને કેબિનની ખાલી સાઇડમાં દબાઇ
જતાં નરસિંગને માથાંમાં ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું જ્યારે ચાલક મહાવીરને
કોઇ ઇજા થઇ ન હતી. તે ગભરાઇ જતાં બીજા કોઇ ટ્રેઇલરમાં સૂઇ ગયાની વિગતો ફરિયાદીને મળતાં
તે જાહેર કરી ચાલક મહાવીર વિરુદ્ધ બેદરકારીથી ટ્રેઇલર ચલાવી પલટી ખવડાવી નરસિંગને ગંભીર
ઇજા પહોંચાડી મોત નીપજાવ્યા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. નખત્રાણાના કોલીવાસમાં રહેતા
36 વર્ષીય યુવાન રાજેશ ઇશ્વરલાલ
કોલીએ ગત તા. 24/10ના સાંજે પોતાના ઘરે કોઇ અકળ
કારણે પોતે પોતાના શરીરે ડીઝલ છાંટીને છાતીના ભાગે દીવાસળી ચાંપીને જાત જલાવી લીધી
હતી. ગંભીર રીતે દાઝેલા રાજેશનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. નખત્રાણા પોલીસની
છાનબીન-પૂછતાછમાં રાજેશ કોઇ ધંધો-રોજગાર કરતો ન હતો. બેકાર રાજેશ ખોટા વ્યસનના રવાડે
ચડી ગયો હતો. આવા કારણોને લઇને તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે અકસ્માત મોતનો
ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગઇકાલે સાંજે ભચાઉ તાલુકાના છાડવાડા ગામે
હાજીપીરની દરગાહ સામે કોઇ અગમ્ય કારણોસર સામખિયાળીના યુવાન રમેશભાઇ બારોટે ઝાડ પર દોરી
બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી
કાર્યવાહી કરી હતી.