• રવિવાર, 01 જૂન, 2025

મામા ટી.ટી. છે કહીને `મામા' બનાવવામાં સફળતા

ભુજ, તા. 19 : ગાંધીધામ રેલવે મથક અને તેની આસપાસ થોડા દિવસોથી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી રિઝર્વેશન ટિકિટના બહાને ત્રણ ઠગાઇના બનાવ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે, પરંતુ આરોપીઓ હજુએ પોલીસ `પકડ'થી દૂર છે. ત્યારે પોલીસનીય ભૂમિકાને લઇ તર્કવિતર્ક શરૂ થયા છે. આજે ગાંધીધામ રેલવે પોલીસ મથકે મૂળ ઝારખંડના હાલે કંડલા ઓઇલ જેટીના પ્લાન્ટમાં રહી ક્રેન ચલાવતા બીરેન્દ્ર દુલારસિંગ ભોકતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 17/5ના ગાંધીધામ રેલવે મથકની ટિકિટબારીએ ટિકિટ લેવા તેઓ તથા તેમના મિત્ર લાઇનમાં ઊભા હતા, ત્યારે ત્યાં એક અજાણ્યો શખ્સ આવી પૂછયું કે, ક્યાં જવું છે ? ગરબા એક્સપ્રેસમાં ગયા જવાનું કહેતાં તેણે જણાવ્યું કે, ટ્રેનમાં ખૂબ ભીડ હશે, જગ્યા પણ નહીં મળે... સૂતા-સૂતા જવું હોય તો મારા મામા રેલવેમાં ટી.ટી. છે. રિઝર્વેશનવાળી ટિકિટ કરાવી આપશે. ટિકિટ જોઇતી હોય તો મારી સાથે ચાલો... અને એસબીઆઇ બેંક પાસે લઇ જઇ ત્યાં બે અજાણ્યા માણસ મળ્યા, જેમાં એકની મામા તરીકે ઓળખાણ કરાવી હતી અને એટીએમ કાર્ડ તેના પીન નંબર અને મોબાઇલ લઇ જણાવ્યું કે, અમે ટિકિટ તૈયાર કરાવી રાખીએ છીએ, તમારા મિત્રને અહીં લઇ આવો. આ બાદ ફરિયાદી મિત્ર સાથે ત્યાં પહોંચતાં આરોપીઓ રફુચક્કર થઇ ગયા હતા. 10 હજારના મોબાઇલ અને એટીએમમાંથી ચાર હજાર ઉપાડી આરોપીઓએ 14 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ લખાવી છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે પણ મૂળ ઝારખંડના બનારસ જવા માગતા શખ્સ સાથે આ જ રીતે ત્રણ શખ્સે છેતરપિંડી કર્યાની રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત આઠ-10 દિવસ પૂર્વે પણ આ જ રીતની મોડસ ઓપરેન્ડી અપનાવી ત્રણ ઠગબાજે છેતરપિંડી કર્યાનો બનાવ પણ ત્યાં નોંધાઇ ચૂક્યો છે. આમ, આ રીતના ત્રણ બનાવની ફરિયાદ નોંધાયા છતાં તેના આરોપીઓ પોલીસ `પકડ'થી દૂર રહેતાં પોલીસની `ભૂમિકા' પણ શંકાના દાયરામાં હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. રેલવે મથક આસપાસ સીસીટીવી કેમેરા લાગેલા હોય જ છે. જો `ઇચ્છા' હોય તો આરોપી પોલીસના સકંજામાં આવી શકે છે, તેવું પણ જાણકાર જાગૃતો જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd