ભુજ, તા. 19 : ઇલેક્ટ્રિક
ચીજવસ્તુઓની ખરીદી કરી આપેલા ચેક બાઉન્સ કરાવી છેતરવામાં પાવરધો એવો ઇમરાન ઓસમાણ બાદી
(મુંદરા) મુંદરા પોલીસના છેતરપિંડીના કેસમાં નાસતો-ફરતો હતો. ઠગાઇના અલગ-અલગ ગુનાનો
નાસતો ઇમરાન વેશપલટો કરી બુરખો પહેરી નાસવાની
ફિરાકમાં હતો ત્યારે જ મુંદરા પોલીસે તેના ઘરે દરોડો પાડતાં બુરખા પહેરેલી હાલતમાં
જ તે પોલીસને જોઇ ભાગવા લાગ્યો પણ પોલીસે તેને દબોચી લીધો હતો. આજના ઘટનાક્રમ પૂર્વે
આ આરોપી ઇમરાન ઉપર વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઇના ગુના ઉપરથી તેની મોડસ ઓપરેન્ડી
સામે આવી છે, જે રસપ્રદ છે. કન્સ્ટ્રક્શનનો ધંધો બતાવતો ઇમરાન ઇલેક્ટ્રિક
વ્યવસાયના વેપારીઓ પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ એ.સી., એલ.ઇ.ડી., પંખા,
ગીઝર આ ઉપરાંત અન્ય વેપારીઓ પાસેથી જથ્થાબંધમાં લસણ અને પાઇપની ખરીદી
કરી તેના બદલામાં ચેક આપતો કે ઉધાર રખાવતો. આ બાદ ચેક બાઉન્સ કરાવી નાણાં ઓળવી જતો
હતો. મુંદરા, વઢવાણ, ખેડોઇ, અંજાર, ભાણવડ, રાધનપુર,
ભુજ, ગાંધીધામ જેવા શહેરોમાં આ રીતે તે પોત પ્રકાશી
ચૂક્યો છે. રાજ્યના અલગ-અલગ જિલ્લામાં વિવિધ રીતે 20 જેટલા લોકો સાથે કુલ મળીને રૂા. 47,04,991ની છેતરપિંડી કરી છે. આ ઇમરાન વિરુદ્ધ ઇકો ગાડી ભાડે
લગાડવાનું કહી બાદમાં ગાડી કે ભાડું ન આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ બે માસ પૂર્વે
મુંદરા પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ અગાઉ પણ આ ચબરાક ઇમરાન સામે વિવિધ ઠગાઇના ગુના નોંધાઇ
ચૂક્યા હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ મુંદરાના પી.આઇ. આર. જે. ઠુમ્મરે
સૂચના આપતાં મુંદરાના હે.કો. દર્શનભાઇ રાવલ તથા પૃથ્વીરાજ ગઢવીને સચોટ બાતમી મળી કે, આરોપી ઇમરાન વેશ પલટી બુરખો પહેરી થોડા સમય માટે પોતાનાં ઘરે આવવાનો છે અને
બાદમાં નીકળી જશે. આ બાતમીનાં પગલે મુંદરા પોલીસે ઇમરાનનાં ઘરે જઇ દરોડો પાડતાં પોલીસને
જોઇ બુરખા વેશમાં જ ભાગવા લાગતાં પોલીસે તેને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી આદરી છે.
આ કામગીરીમાં પી.આઇ. શ્રી ઠુમ્મર, પી.એસ.આઇ. એન.પી. ગોસ્વામી,
હે.કો. દર્શનભાઇ, પૃથ્વીરાજ ઉપરાંત સૂરજદાન ગઢવી,
રોહિતગિરિ ગોસાઇ, ભરતભાઇ ચૌધરી, કોન્સ. આલાભાઇ ગઢવી અને ગાગલભાઇ દેસાઇ જોડાયા હતા.