ભુજ/ગાંધીધામ, તા. 11 : આજે સવારે અબડાસા તાલુકાના કોઠારા અને વરાડિયા વચ્ચે બોલેરો પીકઅપે એક્ટિવાને
હડફેટે લેતાં એક્ટિવાચાલક પ્રૌઢ ઇશા ઇશાકભાઇ મંધરા (રહે. વરાડિયા)નું ગંભીર ઇજાના પગલે
કરુણ મોત નીપજ્યું હતું. બીજીબાજુ ભચાઉના ખેંગારપર નજીક બોલેરોએ બાઇકને ઝપટમાં લેતાં
બાઇચાલક સામતા સવા કોળી (ઉ.વ. 60)નું
મોત થયું હતું તેમજ અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. કોઠારા પોલીસ મથકે 28 વર્ષીય આદિલ ઇશાભાઇ મંધરા (રહે. વરાડિયા)એ નોંધાવેલી
ફરિયાદ મુજબ આજે સવારે 10.15 વાગ્યાના
અરસામાં કોઠારા અને વરાડિયા વચ્ચે ગનીભાઇ મંધરાની વાડી પાસે માર્ગેથી તેમના પિતા ઇશાભાઇ
એક્ટિવા નં. જી.જે. 12-ઇ.એફ.
2641 વાળીથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બોલેરો પીકઅપ
નં. જી.જે. 12-બી.વાય. 0525 વાળાના ચાલકે વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી
તેના પિતાની એક્ટિવાને અડફેટે લેતાં શરીરે ગંભીર ઇજા પહોંચાડતાં મોત નીપજ્યું હતું.
કોઠારા પોલીસે બોલેરો પીકઅપચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીબાજુ
ભચાઉના ખેંગારપરથી રામવાવની વચ્ચે માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. તા. 9/5ના સામતાભાઇ તથા અરવિંદ બાબુ કોળી (ઉ.વ. 17) અને રોહિત ભચુ કોળી (ઉ.વ. 10) ત્રણેય લોકો કાંતાબેનના લગ્નની કંકોત્રી આપવા
ખારોઇ જઇ રહ્યા હતા. આ ત્રણેય બાઇક નંબર જી.જે. 24-બી.એ. 9547 લઇને જઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો નંબર જી.જે. 12-વી. 8704એ આ બાઇકને હડફેટમાં લીધી હતી જેમાં સામતાભાઇ નામના વૃદ્ધને ગંભીર પ્રકારની
ઇજાઓ પહોંચી હતી. ત્રણેયને સારવાર અર્થે લઇ જવાતાં વૃદ્ધને મૃત જાહેર કરાયા હતા. જ્યારે
અરવિંદ અને રોહિતને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં સારવાર હેઠળ રખાયા હતા. બોલેરોચાલક વિરુદ્ધ
ધરમશી સામતાભાઇ કોળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.