ભુજ,
તા. 9 : ગઇકાલ રાત્રે મુંદરાના મોખા ટોલનાકા પાસે બાઇકસવાર ત્રણ યુવાનને યુટીલીટી
સાથે ટક્કર થતાં આ અકસ્માતમાં મોટી ખાખરના
26 વર્ષિય યુવાન ભટ્ટી સિકંદર
નૂરમામદ અને ભુજપુરના 28 વર્ષિય યુવાન બાફણ હુસેન સુલેમાન (સલા)નું ગંભીર ઇજાઓનાં પગલે કમકમાટીભર્યું
મોત થયું હતું, જ્યારે વાંકીના યુવાન ઇકબાલ મીઠુની
હાલત નાજૂક બતાવાઇ રહી છે. કરુણ દુર્ઘટના અંગે સંબંધિત સૂત્રો અને એમએલસી પરથી પ્રાપ્ત
વિગતો મુજબ ગઇકાલે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં મુંદરાના મોખા ટોલનાકા પાસે અશોક લેલેન્ડ
કંપની સામે રતાડિયા નજીક માર્ગ પર બાઇક ઉપર સવાર ત્રણ યુવાનની મોટરસાઇકલનો અકસ્માત
યુટીલીટી સાથે થયો હતો. ઘાયલ ત્રણેય યુવાનને પ્રથમ મુંદરા અને બાદમાં ગાંધીધામ ખાનગી
હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં મોટી ખાખરના ભટ્ટી સિકંદર અને ભુજપુરના બાફણ
હુસેનનું કમકમાટીભર્યું દુ:ખદ અવસાન થયું છે, જ્યારે વાંકીના
ઇકબાલને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જેની પણ સ્થિતિ નાજૂક
હોવાની વિગતો મળી છે. વાંકીના સરપંચ ભરતસિંહ જાડેજાને આ દુર્ઘટના અંગે ફોન આવતા તુરંત
અકસ્માતગ્રસ્ત યુવાનોની મદદે પહોંચ્યા હતા. આ અકસ્માત અંગે પ્રાગપર પોલીસ મથકનો સંપર્ક
કરતાં તેમની પાસે બનાવ અંગેની એમએલસી આવી હોવાનું જણાવ્યું હતું.