• સોમવાર, 12 મે, 2025

ગાંધીધામમાં 2.15 લાખનો દારૂ ઝડપાયો : એકની અટક

ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છ એલ.સી.બી.એ શહેરના એ-ડિવિઝન પોલીસ મથક નજીક તથા સુંદરપુરીમાં દારૂ અંગેની બે કાર્યવાહી કરીને રૂા. 2,15,440નો શરાબ જપ્ત કર્યો હતો, જેમાં એક શખ્સની અટક કરવામાં આવી હતી. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક નજીક ગુરુકુળ પાસે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. શહેરના સેક્ટર-7માં રહેતા તરુણ બુધારામ પાતારિયા (મહેશ્વરી) નામનો શખ્સ આદિપુર બાજુથી દારૂ લઈને આ માર્ગથી આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન આ શખ્સ ગાડી નંબર જીજે-39-સીબી-6807 લઈને આવતાં તેને રોકાવી કારની તલાશી લેવામાં આવી હતી. આ કારમાંથી દારૂ મળી આવતાં તરુણની ધરપકડ કરવામાં આવી હતી. આ કારમાંથી મેજીક મોમેન્ટ 180 મિ.લી.ના 431 ક્વાર્ટરિયા કિંમત રૂા. 1,29,300નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે આ દારૂ આદિપુરના જ એ વિસ્તારમાં રહેનારી પૂનમ ઠક્કર નામની મહિલા પાસેથી મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં આવેલી આ મહિલાને પકડી પાડવા આગાળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ એલ.સી.બી.એ શહેરના નવી સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં બીજી કાર્યવાહી કરી હતી. અહીં રહેતા નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણાના કબજાની ઓરડીમાંથી રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગની 42 બોટલ, 180 મિ.લી.ના 34 ક્વાર્ટરિયા તથા બિયરના 97 ટીન એમ કુલ રૂા. 86,140નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો, પરંતુ આ નરેશ વાલજી મકવાણા નામનો શખ્સ હાથમાં આવ્યો ન હતો. એલ.સી.બી.એ શહેરમાં દારૂ અંગેની બે સફળ કાર્યવાહી કરી છે, ત્યારે સ્થાનિક પોલીસને આવા ધંધા નહીં દેખાતા હોય કે પછી અન્ય કાંઈ હશે, તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. આ કાર્યવાહી બાદ કોઈની જવાબદારી બેસાડી કાર્યવાહી કરાશે કે કેમ તે પ્રશ્ન છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd