• સોમવાર, 20 મે, 2024

ઉદ્યોગગૃહમાં જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાના વહારે આવી 181ની ટીમ

ગાંધીધામ, તા. 9 : અંજાર-ગળપાદર ધોરીમાર્ગ પાસે આવેલી એક મોટી કંપનીમાં એક મહિલા કર્મચારીને રજાના દિવસે કામ માટે બોલાવી બાદમાં તેની છેડતી કરાતાં 181 અભયમનો સહારો લેવાયો હતો. અંજાર-ગળપાદર માર્ગ નજીક આવેલી એક મોટી કંપનીમાં એક મહિલા થોડા સમયથી જોડાયાં છે. કંપનીમાં કામ કરનાર મહિલાને રવિવારે રજાના દિવસે પણ આવવા કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. મહિલા પોતાના દરરોજના સમય પ્રમાણે નોકરીએ ગયાં હતાં ત્યારે અન્ય કોઈ કર્મચારી હાજર નહોતા. તેવામાં અધિકારીનું કામ કરનાર શખ્સ ત્યાં આવી મહિલાકર્મીને નગ્ન વીડિયો બતાવી સાહેબ સાથે શારીરિક સંબંધે વાત કરતાં મહિલાકર્મી ગભરાઈ ગયાં હતાં. બાદમાં સાહેબે ફાઈલ સરખી કરવાના બહાને પોતાની ઓફિસમાં બોલાવી હતી. મહિલા કામ કરી રહ્યાં હતાં ત્યારે સાહેબે મહિલાને પકડી તેમની છેડતી કરવા લાગતાં મહિલાકર્મી ત્યાંથી નીકળી અને દોડી ગયાં હતાં. આવા બનાવથી મહિલાને આઘાત લાગતાં આત્મહત્યા કરવાના વિચાર આવતા હોવાનું તેમણે 181ની અભયમની ટીમને જણાવ્યું હતું. અભયમની ટીમે મહિલાને સાંત્વના, આશ્વાસન આપી બનાવ અંગે કાયદાકીય સૂચન કર્યું હતું અને મહિલા જે કંપનીમાં કામ કરતા હતાં ત્યાં ટીમ  ગઈ હતી. જ્યાં અધિકારીનો સંપર્ક કરાતાં તે પોતાના ધારાશાત્રી સાથે ત્યાં આવી મહિલાકર્મી ખોટું બોલતાં  હોવાનું જણાવ્યું હતું. કંપનીમાં અન્ય જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા છે તથા અધિકારીની કેબિનમાં હોવાનું બહાર આવ્યું હતું. જાતીય સતામણીના બનાવની આગળની કાર્યવાહી માટે મહિલાને અંજાર પોલીસ મથકે લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang