સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાનાં પ્રકરણે ઘેરાયેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાની સંસદપદેથી હકાલપટ્ટી કરવાની ભલામણ લોકસભાની આચાર સમિતિએ કરી છે. સમિતિએ મોઈત્રાને આકરાંમાં આકરી સજા કરવાની તેમજ પૈસા લેવાનાં પ્રકરણે સરકારની એજન્સી દ્વારા તપાસ કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સોંપવામાં આવશે, પછી તેઓ મોઈત્રા વિરુદ્ધ ક્યાં પગલાં લેવાં તે નક્કી કરશે. લોકસભાની આચાર સમિતિએ દર્શન હિરાનંદાની સાથે પોતાના `લોગઈન ક્રેન્ડેશિયલ' આપવાના કેસમાં મહુઆ મોઈત્રાને દોષી ઠેરવવા માટે અન્ય રાષ્ટ્રોની સાયબર એજન્સીઓ અને પ્રતિનિધિઓ તથા ગેરસરકારી સંગઠનો અને કંપનીઓથી સંકળાયેલા સાયબર ગુનેગારોથી ભારતની સલામતીને ભય હોવાનો હવાલો પણ આપ્યો છે, સાથે જ કહ્યું છે કે, હિરાનંદાની દુબઈના અધિકૃત નિવાસી છે અને તેમના નિકટના કુટુંબીઓ વિદેશી નાગરિક છે. મહુઆએ પોતાનું લોગઈન બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને આપીને બંધારણીય શપથનું ઉલ્લંઘન કર્યું છે. મહુઆનાં આમ કરવાથી મમતા બેનરજીની સાર્વજનિક છબીને પણ ઠેસ પહોંચી છે, છતાં પક્ષે મોઈત્રાને ટેકો આપ્યો છે અને વિપક્ષોએ પણ સંસદની પ્રતિષ્ઠા અને દેશની સલામતીનો વિચાર કર્યા વિના - વિરોધ કર્યો છે. ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને લોકસભા સ્પીકરને પત્ર લખી આક્ષેપ કર્યો હતો કે, મહુઆ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા 61 પ્રશ્નમાંથી 50 પ્રશ્ન અદાણી સમૂહ પર કેન્દ્રિત હતા. હિરાનંદાની અલગ અલગ સ્થળેથી તેમજ અધિક રૂપે દુબઈથી સવાલ પૂછવા માટે મોઈત્રાની `લોગઈન આઈડી'નો ઉપયોગ કરતા હતા. આચાર સમિતિના છેલ્લા અહેવાલથી જણાય છે કે, પેનલ અનૈતિક આચરણના દોષી ઠરેલાં સંસદસભ્ય વિરુદ્ધમાં ગૃહમાંથી બરતરફી, માફી કે ઠપકા જેવાં પગલાંની ભલામણ કરે છે. સમિતિ પાસે સાંસદ પર કેસ ચલાવવાની દંડાત્મક સત્તા નથી. મોઈત્રાની વિરુદ્ધ લોકપાલ પાસેની ફરિયાદ પણ પેન્ડિંગ છે. કોઈ લોકસેવક દ્વારા લાંચ લેવી ગુનાહિત કૃત્ય છે. આ માટે તપાસ સરકારની એજન્સીઓ દ્વારા થવી જોઈએ અને મોઈત્રા દોષી ઠરે તો તેમને બીજા સાંસદોને સબકરૂપ આકરાંમાં આકરી સજા થવી જોઈએ. આપણા સાંસદોએ પોતાનાં પદ અને બંધારણ પ્રતિ નિષ્ઠા અને ગુપ્તતાના શપથની ગરિમા બચાવી રાખવી જોઈએ. સાંસદોએ પોતાનાં જાહેર જીવનમાં શ્રેષ્ઠ આચરણ રાખવું જોઈએ. પૈસા કે ગિફ્ટ લઈને પ્રશ્નો પૂછવાનું મહુઆ મોઈત્રાનું પ્રકરણ ખુલ્લું પડયા પછી સંસદની પ્રતિષ્ઠા અને સલામતી બન્ને બાબતે ગંભીર વિચારણા થવી જોઈએ.