બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે વિપક્ષના એલાયન્સમાં સક્રિય નહીં રહેવા બદલ કોંગ્રેસના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. `જેઓ દેશનો ઈતિહાસ બદલી રહ્યા છે તેઓને હટાવવા માટે અમે ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ આમાં હાલ કામ નથી થઈ રહ્યું. પાંચ રાજ્યમાં ચૂંટણીમાં જ કોંગ્રેસ વ્યસ્ત છે. તેને કોઈની પડી નથી.' ડાબેરી પક્ષોની રેલીને સંબોધતાં નીતીશે કોંગ્રેસની ટીકા જાહેરમાં કરતાં કહ્યું, `અમે તો કોંગ્રેસની આગેવાની માટે એક થઈ કામ કરી રહ્યા હતા, પરંતુ તેને કોઈ પરવા નથી. પાંચ રાજ્યની ચૂંટણી પછી કોંગ્રેસ ખૂદ જ અમને બોલાવશે. નીતીશના આ નિવેદનને `ઈન્ડિયા' ગઠબંધન માટે પ્રાદેશિક પક્ષોમાં કોંગ્રેસને લઈ વધતા અસંતોષ તરીકે જોવામાં આવે છે. કોંગ્રેસથી ફક્ત નીતીશ જ નહીં, પરંતુ બીજા પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ નારાજ છે.' ગઠબંધનની બેઠક હવે વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી જ થશે ત્યારે ગઠબંધન પર પરિણામોની અસર અવશ્ય જોવા મળશે.નીતીશ ઈચ્છતા હતા કે, વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે અને ગઠબંધનનો સંયોજક નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસે વિધિસર ઈનકાર નથી કર્યો, પણ ગઠબંધનની ચોથી બેઠક સતત ટાળવામાં આવી છે. ત્રીજી બેઠકમાં બનેલી સમન્વય સમિતિની હજી સુધી બીજી બેઠક પણ થઈ નથી શકી. કોંગ્રેસને લાગે છે કે, વિધાનસભા ચૂંટણી પરિણામ તેની તરફેણમાં આવે તો ગઠબંધનમાં વધેલી શક્તિ સાથે વાત કરી શકશે. આ જ કારણે મુંબઈમાં 31 ઓગસ્ટે થયેલા ગઠબંધન અને 14 સપ્ટેમ્બરે સમન્વય સમિતિની પ્રથમ બેઠક પછી કોઈ બેઠક નથી થઈ શકી. નીતીશકુમારે કોંગ્રેસ અંગે જે રીતે નારાજગી વ્યક્ત કરી છે, તેનાથી જણાય છે કે, વિધાનસભા ચૂંટણીઓમાં આ ગઠબંધનના ઘટકોમાં સમજૂતીની શક્યતા ઓછી છે. નીતીશ ગઠબંધનના સૂત્રધાર છે. હવે તેઓ ખુદ જ જો કોંગ્રેસથી નારાજ હોય તો એનો અર્થ એ થયો કે `ઈન્ડિયા'માં તાલમેલ જ નથી.આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા પણ કહી ચૂક્યા છે કે, ગઠબંધનમાં બધું આલબેલ નથી. તેઓ મધ્યપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા જોરદાર શાબ્દિક પ્રહારો બાબત પ્રત્યાઘાત વ્યક્ત કરી રહ્યા હતા. સમાજવાદી પક્ષનો આક્ષેપ છે કે, કોંગ્રેસે બેઠકોની વહેંચણી માટે વાતચીત કરવા અમારા નેતાઓને બોલાવ્યા. મોડી રાત સુધી વાટાઘાટ અને સમજૂતી કરી અને છેલ્લે અંગૂઠો દાખવી દીધો. અખિલેશ યાદવે પણ કોંગ્રેસના વલણ સામે સૌપ્રથમ નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પણ કહી ચૂક્યા છે કે, પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓમાં બેઠકોની ફાળવણી બાબત `ઈન્ડિયા'ના ઘટકોમાં મતભેદ છે. `આપ'એ તો ગઠબંધનની પરવા નહીં કરતાં વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોમાં પોતાના ઉમેદવારો ઉતારવાનું શરૂ કરી દીધું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી `ઈન્ડિયા'ના ઘટકો સાથે મળીને નથી લડવા માગતી. કોંગ્રેસ `તારું મારું સહિયારું, મારું મારા બાપનું' જેવો ઘાટ ઘડી રહી છે. આનાં પગલે જો લોકસભા ચૂંટણીમાં પણ `ઈન્ડિયા'ના ઘટકોમાં ખટપટ જોવા મળે અને તેનાં પગલે કોઈ તાલમેલ થાય તો જ નવાઈ.