• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

દિલ્હીમાં વહીવટી ખટરાગ

કેન્દ્ર સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર વચ્ચેનો ગજગ્રાહ વધુ એક ગંભીર સ્તરે પહોંચ્યો છે. આ વખતના વિવાદમાં બન્ને સરકારોની સાથોસાથ સર્વોચ્ચ અદાલત પણ એક પક્ષ તરીકે જોડાઇ રહી છે. દિલ્હી સરકારમાં અધિકારીઓની નિયુક્તિ અને બદલીઓ અંગે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ દ્વારા ચુકાદો અપાયા બાદ એમ જણાતું હતું કે, આ મામલે હવે કાયદાકીય સ્પષ્ટતા થઇ ગઇ છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતની બંધારણ બેંચે અમુક વિભાગોને છોડીને બાકીના મોટાભાગના વિભાગોમાં અધિકારીઓની પસંદગી અને બદલીઓના અધિકાર દિલ્હી સરકારને આપ્યા હતા. આ ચુકાદા બાદ એમ જણાતું હતું કે, આ વિવાદનો હવે અંત આવી જશે. આમ આદમી પાર્ટીએ આ ચુકાદાને તેની મોટી જીત ગણાવીને ઉજવણી શરૂ કરી હતી. પરંતુ ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને મળેલી આ નવી સત્તાની પાંખો કાપી નાખતો વટહુકમ બહાર પાડીને આખાં પ્રકરણને એક નવો વળાંક આપી દીધો છે. કેન્દ્ર દ્વારા બહાર પડાયેલા વટહુકમ હેઠળ હવે રાષ્ટ્રીય રાજધાની લોકસેવા સત્તામંડળની રચના થશે, જે હવેથી અધિકારીઓની તૈનાતી અને બદલીઓ કરી શકશે. જો કે, આ સત્તામંડળનું અધ્યક્ષપદ દિલ્હીના મુખ્યમંત્રીને સોંપાયું છે તથા તેનાં સભ્યપદે દિલ્હીના અગ્રસચિવ અને કેન્દ્રીય ગૃહમંત્રાલયના અગ્રસચિવ રહેશે. નવા વટહુકમ હેઠળ એવો નિયમ કરાયો છે કે, આ સત્તામંડળમાં બહુમતીના આધારે નિર્ણય લેવાશે.  આ આદેશ પરથી સ્પષ્ટ છે કે, નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની તાકાત વધુ રહેશે. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટીને આ વટહુકમથી આંચકો લાગ્યો છે. નાની નાની વાતમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બાંયો ચડાવતા મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ફરી આક્રમક બન્યાં છે. દિલ્હી સરકાર આ વટહુકમને અદાલતમાં પડકારશે. કેજરીવાલના મતે અદાલતમાં આ વટહુકમ એક દિવસ પણ ટકી શકશે નહીં. આમ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચેના વિવાદમાં હવે સર્વોચ્ચ અદાલતનો ઉમેરો થઇ રહ્યો છે.આમ તો કેન્દ્ર સરકારનાં આ વલણ સામે ભારે વિરોધ થઇ રહ્યો છે અને સવાલ ઊભા થઇ રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ ઉપરાજ્યપાલ અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારના અધિકારો અને સત્તાની સ્પષ્ટ વ્યાખ્યા કરી દીધી હતી, પણ કેન્દ્ર સરકારની દલીલ એવી છે કે, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની હોવાથી તેની ગરિમા જાળવવાનું જરૂરી હોય છે. આવામાં દિલ્હી સરકાર તેની મુનસફી મુજબ વહીવટ ચલાવી શકે નહીં.આગામી દિવસોમાં આ વટહુકમના મામલે અદાલતમાં કાયદાકીય જંગ ખેલાશે, પણ હંમેશાં કોઇ રાજકીય તકની રાહ જોતી રહેતી આમ આદમી પાર્ટીને વિરોધનો નવો મુદ્દો મળી ગયો છે. આમે સંખ્યાબંધ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વિપરીત વલણ લઇ રહેલાં ન્યાયતંત્ર દ્વારા આ વટહુકમને રદ કરાશે તો નવો વિવાદ જાગી શકે તેમ છે. આમ, આવનારા દિવસો કડવાશભર્યા બની રહેશે એ નક્કી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang