• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ઘટતી બચત અર્થતંત્ર માટે ચિંતાની બાબત

અર્થતંત્રને વિકાસની રાહે સતત અગ્રેસર રાખવા સરકાર સતત મથી રહી છે, પણ આર્થિક વિકાસના આ પડકારમાં એક સાંધતાં તેર તૂટે એવી કપરી સ્થિતિ સતત સામે આવતી રહી છે. આ વખતે દેશમાં રાષ્ટ્રીય બચતદર સતત ઘટી રહ્યો હોવાની નવી આફત ઊભી થઇ છે. કોઇપણ અર્થતંત્રના માપદંડમાં સંખ્યાબંધ બાબતો ધ્યાને લેવાય છે. આમાં ઘરેલુ બચત, માથાદીઠ આવક અને ખર્ચશક્તિ પણ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. આપણે ત્યાં ઘરેલુ બચતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલત એવી છે કે, હાલના નાણાંકીય વર્ષમાં છેલ્લા પાંચ દાયકા દરમ્યાનનો બચતદર સૌથી ઓછો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 દરમ્યાન બચતનો દર જીડીપીના 11.5 ટકા જેટલો હતો. કોરોનાનાં સંક્રમણની પહેલાં આ દર 7.6 ટકા રહ્યો હતો. આ બાબત આમ તો નાણાં મંત્રાલયનાં ધ્યાન પર છે. મંત્રાલયે ઘરેલુ બચતમાં ઘટાડા માટે સ્પષ્ટતા પણ કરી છે કે, લોકો હવે મકાન અને વાહન જેવી સુવિધા અને સંપત્તિ માટે વધુ રોકાણ કરતા થયા છે. આની સીધી અસર ઘરેલુ બચત પર વર્તાઇ રહી છે. મંત્રાલયે જો કે, હૈયાધારણ પણ આપી છે કે, આ કોઇ કટોકટીની સ્થિતિ નથી. સરકારે એમ પણ કહ્યંy છે કે, છેલ્લાં બે વર્ષમાં પરિવારોને અપાયેલાં છુટક ધિરાણનો 55 ટકા હિસ્સો મકાન, વાહન અને શિક્ષણ પાછળ ખર્ચાયો છે. આંકડાકીય રીતે સ્થિતિ ચિંતાજનક જણાય છે. પરિવારોએ વર્ષ 2020માં 22.8 લાખ કરોડની રોકડ સંપત્તિ એટલે કે, બચત કરી હતી. જે 2021માં ઘટીને 17 લાખ કરોડ થઇ હતી. 2022માં 13.8 લાખ કરોડની બચત થઇ હતી. આમ, સરવાળે આ આંકડો સતત ઘટી રહ્યો છે. સરકાર તરફથી એવી સ્પષ્ટતા થઇ રહી છે કે, બચત ઘટવા પાછળનું મુખ્ય કારણ લોન લઇને ભૌતિક સંપત્તિ ખરીદવાનું વધેલું ચલણ છે. આંકડા મુજબ છેલ્લાં બે વર્ષમાં મકાન અને વાહન માટે ધિરાણની ટકાવારીમાં બે આંકડાનો વધારો નોંધાયો છે. જો કે, અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે, બચત ખાતાંઓમાં વ્યાજની આવક એટલી આકર્ષક જણાતી નથી. આને લીધે લોકો હવે શેર અને સિક્યુરિટીમાં વધુ રોકાણ કરતા થયા છે. પરિણામે  ઘરેલુ બચત સતત ઘટી રહી છે. આમ, સરકારના દાવા કરતાં અલગ કારણ સામે આવી રહ્યંy છે. ખરેખર તો સરકારે સમજવું જોઇએ કે, ઘરેલુ બચતમાં સતત ઘટાડો અર્થતંત્ર માટે કોઇપણ રીતે સારો ગણી શકાય નહીં. દેશની કુલ બચતમાં મોટો હિસ્સો ધરાવતી ઘરેલુ  બચતનો આ ઘટાડો ખરા અર્થમાં તમામ સ્તરે ચિંતાની બાબત બની રહ્યો છે. ખરેખર તો દેશને મંદીના ઓછાયા સામે સલામત રાખવા માટે સરકારે રાષ્ટ્રીય બચતદરને સુધારવા પર ધ્યાન આપવાની જરૂરત છે. સૌ જાણે છે કે, 2008માં ભારતીયોની ઘરેલુ બચતની તાકાતથી વૈશ્વિક મંદીની અસરો ઓછી વર્તાઇ હતી. બચત ઓછી હોય અને મંદીનો ઓછાયો આવી પડે તો ભલભલાનાં બજેટ ખોરવાઇ જતાં હોય છે. સરકારે આ બાબતને ધ્યાનમાં રાખવા જેવી છે. સરકારે આર્થિક અને સામાજિક સુરક્ષાની જરૂરતોને ધ્યાનમાં લઇને વ્યાજના દરોમાં વધારો કરવો જોઇએ. સૌ સમજે છે કે, વ્યાજના દર આકર્ષક હશે તો બચત વધશે અને બચત વધશે તો અર્થતંત્રને બળ મળશે.

Janmadin Vishesh Purti

Panchang