• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

નોરતાં પહેલાં શક્તિપૂજા

નારીશક્તિને મહત્ત્વ આપવાની વાત વચનો, પ્રવચનોમાંથી હવે કાનૂની સ્વરૂપે નિર્ધારિત થઈ ચૂકી છે. શક્તિપૂજા માટેનું પર્વ નવરાત્રિ તો હજી 27 દિવસ પછી શરૂ થશે, પરંતુ ભારતની સંસદે-સરકારે 19 સપ્ટેમ્બર, 2023ના દિવસને ઐતિહાસિક બનાવતો મહિલા અનામત ખરડો પસાર-રજૂ થયો છે. ત્રીઓનું પ્રતિનિધિત્વ શાસકીય વ્યવસ્થામાં વધશે તે બાબત તેનાં સ્થાને છે જ, પરંતુ અગત્યનું તો એ છે કે, ત્રીની પોતાની ગરિમા, તેની અસ્મિતાની તેને પ્રતીતિ થશે. આ નારીનાં આત્મસન્માનનું ગૌરવ છે. સરકારે નારીશક્તિ વંદન અધિનિયમ એવું આપેલું નામ પણ સુસંગત છે. હા, તેના અમલમાં હજી ખાસ્સો સમય લાગી જશે, પરંતુ શરૂઆત તો થઈ છે. વડાપ્રધાને જૂનાં સંસદ ભવનમાં છેલ્લું વક્તવ્ય આપ્યું તેમાં જ કહ્યું હતું કે, સંસદનું અધિવેશન નાનું, પરંતુ ઐતિહાસિક બની રહેશે એવું થયું. ચૂંટાયેલી પાંખમાં મહિલાઓ માટે 33 ટકા અનામત રાખવાનું વિધેયક રજૂ થયું અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ તેને અનુમોદન આપ્યું છે. ગુનાખોરી ઘટવાથી લઈને નારીના અધિકારો માટેની લડાઈ સહિતની બાબતો પર તેની અસર પડશે. આ બિલની ઉલ્લેખનીય બાબત એ છે કે, દાયકાઓથી આપણે ત્યાં વિવિધ અનામત કાયદાઓ છે, જે કાળક્રમે વિવાદનું નિમિત્ત બની જાય છે, આ કાયદાનો અમલ શરૂ થયા પછી તેનું અસ્તિત્વ પહેલાં 15 વર્ષ રહેશે પછી તેની સમીક્ષા થશે. જો કે, નારીશક્તિ વંદન અધિનિયમનો અમલ 2029ની લોકસભા ચૂંટણી આસપાસ થાય તેવી શક્યતા છે. સહજ પ્રશ્ન થાય કે આવું કેમ? પરંતુ તેની પાછળ નક્કર અને યોગ્ય કારણ છે. 2021માં વસતી ગણતરી કોરોનાને લીધે થઈ નહોતી. મહિલા અનામતનો અમલ નવાં સીમાંકન બાદ જ કરી શકાય અને સીમાંકન માટે વસતી ગણતરી પણ થવી જોઈએ. 2026માં વસતી ગણતરી થાય તેવી સંભાવના છે. 2027માં તેનાં તારણ-પરિણામ બહાર આવે. અત્યારની સ્થિતિ મુજબ લોકસભાની 543 બેઠક પૈકી 181 બેઠક પર મહિલા સાંસદ હોય-જો 33 ટકા અનામતનો અમલ થાય તો. અત્યારે તે સંખ્યા 82 છે. જો કે, એ વાત અલગ છે કે, ભાજપ કોંગ્રેસ બન્ને આ અનામતના ખરડા બાબતે એકમત છે, પરંતુ ચૂંટણી વખતે એટલા મહિલા ઉમેદવારને ટિકિટ આપતા નથી. અત્યારે સરેરાશ 12 ટકા મહિલા જન પ્રતિનિધિ છે. વર્ષોથી આ ખરડો પસાર થવાની પ્રતીક્ષા હતી. નરસિંહારાવના સમયમાં આ ખરડો મુકાયો હતો. એચ.ડી. દેવેગૌડાના સમયમાં પણ બિલ આવ્યું, પરંતુ પસાર થઈ શક્યું નહીં. 1998માં એનડીએ સરકારે પણ આ ખરડો પસાર કરવા પ્રયાસ કર્યો હતો. યુપીએની સરકારે 2006 થી 2008માં ત્રણ વાર ખરડ મૂક્યો. ભાજપે તેને સમર્થન પણ આપ્યું, પરંતુ લોકસભામાં તે શક્ય ન બન્યું. સમાજવાદી પાર્ટી સહિતની કેટલીક પાર્ટીઓ સંમત નહોતી. આખરે આજે આ વર્ષો જૂની કાર્યવાહી સંપન્ન થઈ છે. વડાપ્રધાને સ્વયં કહ્યું કે, 27 વર્ષથી પડતર એવો આ ખરડો પસાર કરવાનું મારા ભાગે આવ્યું છે. આ ખરડાથી દેશમાં ત્રીની સામાજિક સ્થિતિ સુધરશે તેવી આશા બંધાઈ છે. આશા ફળે તેવું ઈચ્છીએ.

Janmadin Vishesh Purti

Panchang