આજે વિશ્વમાં અમેરિકાએ તેના
ટેરિફનાં પગલાંથી મુક્ત વેપારનાં આર્થિક સમીકરણોને ડામાડોળ કરી નાખ્યાં છે, ત્યારે ભારતે નવા મુક્ત
વેપાર કરાર (એફટીએ) દ્વારા દુનિયાના દેશોની સાથે આર્થિક સહકાર વધારવાની યોજનાને
વેગ આપ્યો છે. આમે પણ દુનિયાના દેશોમાં ભારતનાં અર્થતંત્ર અંગે ભારે વિશ્વાસ અને
આકર્ષણ છે તેવા સમયે આવા નવા કરાર વેપારી સંબંધોને મજબૂત કરવામાં ચાવીરૂપ બની
રહેશે. પેહેલી ઓક્ટોબરે ભારત ચાર યુરોપિયન દેશ નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ,
આઈસલેન્ડ અને લિસ્ટેંસ્ટિનના બનેલા યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસીએશન
(એફ્ટા) સાથે એફટીએનો અમલ થઈ ગયો છે. આ કરાર પર ગયા વર્ષે સહી થઈ હતી. એફટીએ એવો
કરાર છે જેનો અમલ કરનારા દેશો પરસ્પરના વેપારમાં અમુક વસ્તુઓ પર કસ્ટમ ડયૂટી ઘટાડે
છે અથવા તે સાવ દૂર કરે છે. એફ્ટા સાથે જે કરાર અમલમાં આવ્યો છે તેવા એફટીએ ભારતે અન્ય દેશો સાથે કરી લીધા છે. અત્યાર સુધી આવા 14 કરાર
ભારતે કરેલા છે. હાલની એનડીએ સરકારે અવા પાંચ કરાર પર સહી કરી છે. આ અગાઉ ભારતે
બ્રિટન, ઓસ્ટ્રેલિયા,
મોરેશિયસ, સંયુક્ત આરબ અમિરાત સાથે પણ આવા
એફટીએ અમલી કર્યા છે. યુરોપમાં એફ્ટા સમૂહ મહત્ત્વનું આર્થિક જૂથ છે. તેની સાથે
એફટીએ અમલી થવાથી ભારતને વિદેશ વેપારમાં નવી તકો મળી શકશે. આ કરાર હેઠળ ભારતે
એફ્ટા દેશોની સાથે 80થી 8પ ટકા
વસ્તુઓ પર ડયૂટી શૂન્ય કરી છે. તેના બદલમાં ભારતને આ દેશોમાંથી થતી આયાતની 99 ટકા
વસ્તુઓ પરની આયાત ડયૂટીમુક્ત થઈ ગઈ છે. જો કે, કૃષિ, ડેરી, સોયા અને કોલસાના ક્ષેત્રોને આ કરારથી બાકાત રખાયા છે. સાથોસાથ ઉત્પાદન
આધારિત પ્રોત્સાહન યોજનાનો પણ તેમાં સમાવેશ કરાયો નથી. આમ ભારતે પોતાના ચાવીરૂપ
ક્ષેત્રો અને એકમોનાં હિતો પર પણ ધ્યાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, એફ્ટા દેશ ભારતમાં પવન અને હરિત ઊર્જા, ફૂડ
પ્રોસેસિંગ રસાયણ સહિતનાં ક્ષેત્રમાં રોકાણ કરશે. આ સમૂહ સાથે એફએટીએનો સૌથી મોટો
ફાયદો ભારતમાં તેમનાં રોકાણનો બની રહેશે. મળતી માહિતી મુજબ આ કરાર હેઠળ એફ્ટા દેશો
ભારતમાં આગામી 1પ વર્ષ દરમ્યાન 100 અબજ
ડોલરનું રોકાણ કરશે. આનાથી દેશમાં દસ લાખ નોકરીની તક વધે એવો અંદાજ બંધાઈ રહ્યો
છે. ખાસ તો આ દેશો સાથે ભારતના હાલના વેપારનું કદ સારું એવું છે. ગયાં વર્ષે ભારતે એફ્ટા દેશોની પાસેથી 22.44 અબજ
ડોલરની આયાત અને 1.97 અબજ ડોલરની નિકાસ કરી હતી. આ કરારથી
ભારતની આયાતો વેરામુક્ત થઈ જશે અને ભારતીય અર્થતંત્રને ફાયદો થશે. ભારતની નિકાસને
પણ આ કરારથી હવે વેગ મળી શકે છે. આગામી દિવસોમાં ભારતે યુરોપિયન યુનિયનની સાથે પણ
આવો કરાર અમલી બને એવી પૂરી શક્યતા છે. અમેરિકાએ પ0 ટકા
ટેરિફ લાદ્યો તેનાં પગલે ઊભા થયેલા પડકાર સામે ઝૂક્યા વગર ભારતે પોતાનાં
અર્થતંત્રને મજબૂત કરવા પર અન્ય વિકલ્પો પર ધ્યાન આપવું શરૂ કર્યું છે. ભારતે
રશિયા અને ચીનની સાથે વેપાર વધારવાની સાથોસાથ અન્ય દેશોની સાથે આર્થિક સહયોગ
વધરવાનાં પગલાં લીધાં છે. આવા પગલાંની તત્કાળ અસર પણ નોંધાઈ છે. આ સંદર્ભમાં
અમેરિકાને બાદ કરતાં અન્ય દેશોની સાથે ભારતની નિકાસમાં ઓગસ્ટ અને સ્પટેમ્બર મહિનામાં
વધારો થયો છે. અમેરિકાને પણ પોતાની ભૂલ સમજાવા લાગી હોય તેમ તેણે પણ ભારતની સાથે
એફટીએ કરાર કરવાના સંકેત આપ્યા છે. ભારતની આ પહેલ વિશ્વમાં મુક્ત વેપારની નવી લહેર
માટે પથદર્શક બની શકશે.