સરકારી ઇમારતોને શું થઈ રહ્યું છે? ક્યાંક આગ લાગી રહી છે, ક્યાંક બિલ્ડિંગ પડી રહ્યું છે? જયપુરની સવાઈ માનાસિંહ
(એસએમએસ) હોસ્પિટલના ન્યૂરો આઈસીયુમાં શોર્ટસર્કિટને કારણે લાગેલી આગ મામલે રાજસ્થાન
હાઈકોર્ટે કરેલી આ ટિપ્પણીમાં ગત જુલાઈ મહિનામાં ઝાલાવાડ ગામમાં સરકારી શાળાનું મકાન
ધરાશાયી થતાં સાત વિદ્યાર્થીનાં મોત થયાં હતાં એ ઘટનાને પણ યાદ કરાઈ હતી. હજી ગયાં
વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં
લાગેલી આગમાં 11 નવજાત બાળકો
કાળનો કોળિયો બની ગયાં હતાં. હોસ્પિટલમાં બનતી આવી ઘટનાઓ છતાં નીંભર તંત્રની આંખ ઊઘડતી
નથી. ઝાંસીની હોસ્પિટલમાં નીઓનેટલ આઈસીયુમાં, તો એસએમએસ હોસ્પિટલના ન્યૂરો આઈસીયુમાં આગ લાગી હતી. એક જગ્યાએ નવજાત બાળકો
તો બીજી જગ્યાએ એવા ગંભીર દરદીઓ હતા, આ બંને પોતાની મેળે હલનચલન
કરી શકે એવી સ્થિતિમાં નહોતાં. બંને સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અને મૂળભૂત તકેદારી
તથા વ્યવસ્થાનો અભાવ બંને ઘટનામાં ઊડીને આંખે વળગે એવી બાબતો હતી. એસએમએસ હોસ્પિટલમાં આગની ઘટના બાદ જે કંઈ થયું એના
ભયાનક અહેવાલો સામે આવી રહ્યા છે, જે વિચલિત કરનારા છે. હોસ્પિટલના
સ્ટાફને આગ લાગ્યાની જાણકારી મળી છતાં ઝડપી પગલાં લીધાં નહીં અને આગ ફેલાયા બાદ દર્દીઓને
બચાવવાની દરકાર પણ કોઈએ લીધી નહોતી. અહેવાલો તો એવા પણ છે કે, છ વર્ષ પહેલાં પણ અહીં આવી જ આગ લાગી હતી. જો કે, એ વખતે
સદનસીબે જાનહાનિ થઈ નહોતી. વળી, છેલ્લા એક દાયકામાં અહીં મોકડ્રીલ
પણ હાથ ધરાઈ નહોતી. સરકારે હવે છ સભ્યની સમિતિ આગ પાછળનાં કારણોની તપાસ કરવા માટે નીમી
છે, કેટલાક કર્મચારીઓને નિલંબિત કરાયા છે, કોઈકને કાઢી મુકાયા છે અને ફાયર સેફ્ટી માટે જવાબદાર એજન્સીનું લાયસન્સ પણ
રદ કરાયું છે. મૃતકોના સંબંધીઓને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરાઈ છે. સરકાર પોતાનું કાર્ય કર્યાનો
સંતોષ લેશે, તપાસ સમિતિનો અહેવાલ આવશે
અને કેટલાક લોકોની નોકરી જશે, બસ વાત પૂરી. દુ:ખદ બાબત એ છે કે,
છેલ્લાં કેટલાંય વર્ષોથી આ એક પેટર્ન બની ગઈ છે. નિર્દોષોના જીવ જાય
છે અને સરકાર તપાસનો આદેશ આપી, વળતર જાહેર કરી સંતોષ માની લે
છે. જવાબદાર નક્કી કરવા કરતાં જવાબદારી તય કરી, ઉદાહરણ બેસે એવાં
પગલાં લેવાની સાથે સરકારી હોસ્પિટલોના કારભારમાં માનવતા-સંવેદના ભળે એ સમયની માંગ છે.
મૃતકોના પરિવારોને સાંત્વના કે વળતરની રકમ કરતાં જવાબદાર વ્યક્તિને યોગ્ય સજા અને ભવિષ્યમાં
આવી ઘટનાઓ ન બને એ માટેનાં પગલાં લેવાય એ સરકારની ફરજ છે.