• રવિવાર, 20 જુલાઈ, 2025

પરિવર્તનનો પડકાર ઝીલવાની સાથે કચ્છીયતનાં જતનનો કોલ

20મી જુલાઇ 2025ના રોજ કચ્છમિત્ર 79મી વર્ષગાંઠ ઊજવે એ ન માત્ર કચ્છ બલ્કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને અખબારી જગત માટે ગૌરવપૂર્ણ ઘટના છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી... જનની અને જન્મભૂમિ સ્વર્ગથીયે મહાન છે એ મુદ્રાલેખ સાથે જન્મભૂમિ જૂથનાં અખબારો લોકકલ્યાણની નીતિને વરેલાં છે. કચ્છમિત્ર એ મૂળભૂત મંત્રની સાથે કચ્છ અને કચ્છીઓનું રાહબર બનીને શતાબ્દી ભણી કૂચ કરી રહ્યું છે. `પત્ર નહીં મિત્ર' એ સૂત્રને ચરિતાર્થ કરતાં કચ્છમિત્રએ અત્યારના બદલાવના નાજૂક દોરમાં કચ્છના 360 ડિગ્રી-સર્વાંગી વિકાસનું મિશન ઉપાડયું છે. વિકાસ ચોમેરથી આવી રહ્યો છે... મહાકાય ઉદ્યોગો-ગ્રીન એનર્જી આ સીમાવર્તી જિલ્લાનું ચિત્ર બદલાવી રહ્યા છે. કચ્છ આજે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતો જિલ્લો બન્યો છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટનાં મોટાપાયે કામો થઇ રહ્યાં છે. આ સિનારિયો ઉત્સાહપ્રેરક છે એની ના નહીં, પણ આ એવો નાજૂક સમય છે જેમાં સંભાળ રાખવી જરૂરી છે. વિકાસના વાયરાથી અત્યાર સુધી વંચિત રહી ગયેલા વિસ્તારો સુધી એ ડેવલપમેન્ટ પહોંચવું જોઇએ. સાથે આ પ્રક્રિયામાં કચ્છનું નૈસર્ગિકપણું, સંસ્કૃતિ, વારસો જળવાઇ રહે એ પણ અતિ અગત્યનું છે. છેલ્લા અઢી વર્ષથી કચ્છમિત્ર લગાતાર કાર્યક્રમો અને જુદા-જુદા પ્રોજેક્ટ સાથે અતિ સક્રિય રહ્યું છે, એની પાછળનો મૂળભૂત ઉદ્દેશ અને ચિંતા એ જ છે. સર્વે કચ્છવાસીઓને અને દેશ-દેશાવરમાં વસતા કચ્છીઓને આ તકે ખાતરી આપીએ છીએ કે, કચ્છહિતના પત્રકારત્વ અને સાચી મિત્રતા નિભાવવાના સંકલ્પમાં કચ્છમિત્ર કદી ચલિત નહીં થાય... - પ્રો-એક્ટિવ પત્રકારત્વ : જન્મભૂમિ અખબાર ગ્રુપ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ અને લોકકલ્યાણની ભાવનાને વરેલું છે. 78 વર્ષની સફર દરમ્યાન આ બાબતનો ખ્યાલ રાખીને વાચકોનો જબ્બર વિશ્વાસ હાંસલ કર્યો છે. કચ્છ સમૃદ્ધ બને, સાથે કચ્છીયત અને પર્યાવરણનું સદૈવ જતન થાય એ કચ્છમિત્રની પ્રથમ ચિંતા છે. જિલ્લા કક્ષાનું પ્રાદેશિક અખબાર હોવા છતાં કચ્છમિત્રનું વજન અને વલણ રાષ્ટ્રીય ગજાના અખબાર જેવું છે એ કહેવાની ભાગ્યે જ જરૂર. કચ્છમિત્રનાં સમાચાર કે તસવીર છપાય કે તુરત જ એ પ્રશ્નનો નીવેડો આવી જાય અથવા તો કલેક્ટર કચેરીથી  લઇને ગાંધીનગર સુધી તત્કાળ ગતિશીલતા આવી હોય એવા અસંખ્ય દૃષ્ટાંત છે. વાચકોની ચબરાક નજરમાં કશું અછાનું નથી. કચ્છમાં અખબારો તો ઘણાં પ્રસિદ્ધ થાય છે, પરંતુ કચ્છીઓ અને કચ્છના વતનીઓ આજે પણ કહે છે... કચ્છમિત્ર મેં ડિસજે તડેં સચો... આ પ્રતિષ્ઠા અને શ્રદ્ધાને દિલ્હી અને ગાંધીનગરની અનુમોદના મળતી રહી છે. આ વાતનું પ્રમાણ આપતાં તાજેતરનાં દૃષ્ટાંતો જોઇએ... ગ્લોબલ કચ્છ-કચ્છમિત્ર અને ડીપીટી દ્વારા ભૂખી નદીને પુનર્જીવિત કરવાના પ્રકલ્પ સંબંધિત કાર્યક્રમમાં કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે કહ્યું હતું, `હું દેશભરમાં ફર્યો છું... એક છાપું પ્રકૃતિને, સમાજને કંઇક આપવાનું કામ આટલા મોટાપાયે કરતું હોય એવું ક્યાંય જોયું નથી. દેશના મીડિયાજગત માટે કચ્છમિત્રનું કાર્ય બોધપાઠ છે.' - ગત જુલાઇમાં કચ્છમિત્ર ભવનની મુલાકાત વખતે અને હાલમાં કુરન ખાતે કચ્છમિત્ર જુનિયરના અંકોનું બાળકોને વિતરણ કરતી વખતે લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છમિત્રની નીતિ-રીતિને વખાણી હતી. - ગુજરાતના ગવર્નર દેવવ્રત આચાર્યજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ અને ગુજરાતના વરિષ્ઠ મંત્રીઓ સમયાંતરે કચ્છમિત્રની પીઠ થાબડતા રહ્યા છે. - રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે, કચ્છમિત્ર ન માત્ર જનભાવનાઓને વ્યક્ત કરે છે, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રમાં પણ રચનાત્મક ભૂમિકા નિભાવી છે. આ સફળતાનું શ્રેય કચ્છમિત્રના વાચકોને, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સંચાલકોને જાય છે. મુ. પ્રવીણચંદ્ર ગાંધી અને દામજીભાઇ એન્કરવાલા જેવા દિગ્ગજોએ કચ્છમિત્રના વિકાસનો રાજમાર્ગ કંડાર્યો... ને નવા જમાના મુજબ ગળાકાપ સ્પર્ધા, સોશિયલ મીડિયાના પડકાર વચ્ચે યુવા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને ટ્રસ્ટી મંડળે વાચકો તથા સમાજ સાથે મિત્રતાનો, સહયાત્રાનો મજબૂત સેતુ સ્થાપિત કર્યો છે અને ટીમ કચ્છમિત્ર જોમ-જુસ્સા સાથે આગળ વધી રહી છે. આ તકે સર્વે વાચકમિત્રોને કહેવું છે કે, મહાનુભાવો કચ્છમિત્રના પત્રકારત્વને બિરદાવે એ નોંધનીય કહેવાય, પણ ટીમ કચ્છમિત્રને ત્યારે જ સાચો પોરસ ચડે છે, જ્યારે  નાના અહેવાલથી કોઇ પેન્શનરનો પ્રશ્ન ઉકેલાય, વિકલાંગને જરૂરી મદદ મળી જાય, મહિલાને ન્યાય મળે, કોઇ પરિવારોનો વિખવાદ દૂર થાય કે સફાઇ કામદારોને તેમના અટકી ગયેલાં ચૂકવણાં થઇ જાય... કારણ કે, કચ્છમિત્ર લોકોનું પોતીકું અખબાર છે. - બદલાતું કચ્છ : 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય પૂર્ણ કરવાના નિર્ધાર સાથે દેશમાં પરિવર્તનની યાત્રા શરૂ થઇ છે. ગુજરાતે પ્રગતિના પંથે છે. દાયકાઓ સુધી પછાતપણાની મુશ્કેલી વેઠનાર કચ્છ ગુજરાતના ગ્રોથ એન્જિનની ભૂમિકામાં આવે એ વાત મહત્ત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી મુલાકાત વખતે ભુજની ધરતી પરથી કહ્યું હતું કે... `સત્તા સાથે લેવાદેવા નહોતી ત્યારથી કચ્છ આવું છું... જૂની પેઢીએ સહન કરેલી તકલીફોની  

Panchang

dd