મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ
ઠાકરે વિધાન ભવનમાં બંધ બારણે `મૈત્રીભાવે' મળી રહ્યા હતા ત્યારે વિધાન ભવનની લૉબીમાં એનસીપી
(શરદ પવાર)ના નેતા આવ્હાડ અને ભાજપના ગોપીચંદ પડાલકરના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી
થઈ રહી હતી. આ દૃશ્યો ટીવીની ચૅનલો ઉપર `લાઇવ' જોવામાં
આવ્યાં. મુંબઈમાં ભાષાના મામલે દૃશ્યો જોવા મળે છે, પણ વિધાન
ભવનની અંદર (ગૃહમાં નહીં) આવી મારામારી થાય ત્યારે તમામ રાજકીય પક્ષોના કાર્યકરોને
કેવી `પ્રેરણા'
મળે છે તેની કલ્પના કરવી રહી! પણ નેતાઓને જરાપણ ચિંતા કે પરવા છે કે
એમની વર્તણૂકથી સમસ્ત મહારાષ્ટ્રના સભ્ય સમાજનું નામ વગોવાય છે? રાજકીય નેતાઓ વચ્ચે ગમે તેટલા મતભેદ હોય - કાર્યકરોએ મારામારી ઉપર ઉતરવાની
જરૂર નથી એમ સમજાવવું જોઇએ, તાકીદ કરવી જોઇએ. આથી વિપરીત ઉશ્કેરણી
થઈ રહી છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની બંધ બારણે થયેલી બેઠક રાજકીય
વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. આગલા દિવસે વિધાન પરિષદમાં મુખ્ય પ્રધાને ઉદ્ધવ ઠાકરેને
કહ્યું કે, `હજુ અવકાશ
- (સમય - સ્થાન નહીં) છે. આવી જાવ' તે મજાક હતી કે આમંત્રણ? બે દિવસમાં જ ઉદ્ધવ ઠાકરે મળવા
ગયા ત્યારે શું ચર્ચા થઈ હશે? - જનતાની જાણ ખાતર તો કહેવાયું
કે - મહારાષ્ટ્રમાં હિન્દીની જરૂર શું છે? આ વિષયમાં મરાઠી અખબારોના
તંત્રીલેખોનું સંકલન થયું છે તેની નકલ આપવા ગયા હતા, પણ આ તો
એક અવસર હતો - ચર્ચા હિન્દી ભાષા અંગે કરવાનો પ્રસંગ નહતો. પણ શક્ય છે કે મુંબઈ સુધરાઈની
ચૂંટણી અને ફરીથી હાથ મિલાવવાની શક્યતા ચર્ચાઈ હોય પણ આ તો શરૂઆત છે. હવે વાતચીત આગળ
કેટલી વધે છે તે જોવાનું છે. ઠાકરેબંધુઓની જાહેરસભા થઈ પણ તે પછી એકતા - એકીકરણની દિશામાં
આગળ વધ્યા નથી તેથી ચૂંટણીના સંબંધી અનિશ્ચિત છે. ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસને ગર્ભિત સંદેશ
આપ્યો કે ઇન્ડિ-મોરચાની એક પણ બેઠક મળી નથી. આ પછી કૉંગ્રેસ હાઈ કમાન્ડે શનિવાર (આજે)
બેઠક બોલાવી છે. ઉદ્ધવ અને અન્ય ભાગીદાર પક્ષોને ખાતરી આપવા કે - ટાઇગર અભી જિંદા હૈ!
મહારાષ્ટ્રમાં `વાઘ' માટે પણ આ ખાતરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં
જાહેર સલામતી અંગેનો ખરડો પસાર થઈ ગયો ત્યારે કૉંગ્રેસી સભ્યો શું કરતા હતા?
ચૂપ કેમ રહ્યા? એનો ખુલાસો માગ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ
વિરોધ કર્યો હતો તેથી હાઇ કમાન્ડ એમની સાથે છે એવી આડકતરી ખાતરી અપાઈ છે. આ બધા નિર્દેશ
મહારાષ્ટ્રમાં રાજકીય સંબંધ અને સંજોગો માટે છે. કૉંગ્રેસ `હાઈ કમાન્ડ' મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસની નેતાગીરીથી નારાજ
અને નિરાશ છે. તાજેતરમાં વિધાનસભામાં જાહેર સલામતી અંગેનો વિશેષ ખરડો પસાર થયો ત્યારે
વિરોધ કરવા એક પણ કૉંગ્રેસી સભ્ય ઊભા થયા નહીં તે બાબતે પ્રદેશપ્રમુખ પાસે ખુલાસો માગવામાં
આવ્યો છે. હાઈ કમાન્ડની સૂચના મુજબ પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાલે વિધાનસભામાં કૉંગ્રેસના
નેતા વિજય વડેટ્ટીવારને પત્ર લખીને ખુલાસો માગ્યો છે. કૉંગ્રેસના વિરોધ વિના ખરડો કેમ
પસાર થયો તેનો ખુલાસો આપો.