• રવિવાર, 20 જુલાઈ, 2025

મતદારયાદીની સુધારણા સમયોચિત નિર્ણય

બિહાર વિધાનસભાની ચૂંટણીનાં રાજકીય પાસાં અનેક દૃષ્ટિથી ચર્ચાઈ રહ્યાં છે. કેન્દ્રમાં મોદી સરકારને નીતીશકુમારે સમર્થન આપ્યા પછી બિહારમાં પ્રથમ પ્રતિષ્ઠાની પરાકાષ્ટા સમાન ચૂંટણી છે. તેથી તેના પર સૌ કોઈ બિલ્લોરી કાચ રાખીને બેઠા છે, પરંતુ લોકતંત્ર માટે અત્યંત અગત્યની, સંવૈધાનિક દૃષ્ટિએ મહત્ત્વની બાબત છે મતદારયાદીની ખરાઈ. બિહારમાં મતદારયાદીની જે ક્ષતિ કે મર્યાદા બહાર આવી તે પછી ચૂંટણીપંચ સતર્ક અને સક્રિય થયું છે. આ બાબતની ગંભીરતા એટલી બધી છે કે, આખા દેશમાં આ પુન: નિરીક્ષણ કરાવવાનો નિર્ણય પંચે લીધો છે. રાજ્યોમાં 2025ના અંત, 26ની શરૂઆતમાં ચૂંટણીઓની શૃંખલા આવી રહી છે, ત્યારે આ નિર્ણય અગત્યનો સાબિત થશે. નવેમ્બર 2025માં બિહાર વિધાનસભાની ચૂંટણી છે. ચૂંટણીપંચ ત્યાં મતદારયાદીનું પુન: નિરીક્ષણ - ખરાઈ કરાવી રહ્યું છે. કેટલાક પક્ષોએ તે અટકાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તેને તો ગત સપ્તાહે જ નકારી કાઢવામાં આવી. સર્વોચ્ચ ન્યાયાલયે તો એવું પણ પૂછ્યું કે, આધારકાર્ડને મતદાર ઓળખના દસ્તાવેજમાંથી શા માટે બહાર રાખ્યું? આ અરજી કરનારા વર્ગના વકીલ કપિલ સિબ્બલની દલીલોનો જવાબ પંચે અદાલતમાં આપ્યો હતો. પંચે ત્યાં સુધી કહ્યું કે, સમગ્ર કાર્યવાહીમાં નિયમોનું પાલન થશે. સુનાવણીની તક વગર કોઈને મતદારયાદીમાંથી બહાર કરવામાં નહીં આવે. પંચ સંવૈધાનિક સંસ્થા છે, મતદાર સાથે સીધી જોડાયેલી છે. જો કે, બિહારની મતદારયાદીમાં કેટલીક ગંભીર બાબતો ધ્યાનમાં આવી છે. બાંગલાદેશ, મ્યાંમાર તથા નેપાળના લોકોનો સમાવેશ ત્યાંની મતદારયાદીમાં થયો છે. ઘરે ઘરે જઈને જ્યારે મતદારો અંગે તપાસ થઈ ત્યારે એવું બહાર આવ્યું કે, મોટાપાયે ત્યાં આ અન્ય દેશોના નાગરિકોનાં નામ છે. વિપક્ષ એક તરફ વોટર વેરિફિકેશન અંગે વાંધો ઉઠાવે છે, બીજી બાજુ આવી ક્ષતિઓ બહાર આવી રહી છે. ચૂંટણીપંચે કહ્યું છે કે, 30મી સપ્ટેમ્બરે જે અંતિમ યાદી જાહેર થશે તેમાં ગેરકાયદે વસતા લોકોનાં નામ સમાવવામાં નહીં આવે. જન્મસ્થળની તપાસ કરાયા બાદ મતદારયાદીની સમીક્ષા કરીને તે નામો હટાવવામાં આવશે. બિહારની આ સ્થિતિનાં પગલે હવે તો આ મતદારયાદી પુન: નિરીક્ષણ દેશવ્યાપી મુદ્દો બની ગયો છે.  બિહાર જેવું અન્ય રાજ્યોમાં તો નથી ને? તે જાણવું જરૂરી છે. આગામી માસથી આખા ભારતમાં મતદારયાદીની પુન: ચકાસણી થશે. બિહાર જેવો જ આ સુધારો હશે. 28 જુલાઈએ બિહારની મતદારયાદી માટે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થાય તે પછી આ દેશવ્યાપી કાર્યવાહીનો સમય નક્કી થશે. વર્ષાંતે બિહારમાં અને આગામી વર્ષે આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે. બિહારની મતદારયાદીમાં પરદેશી લોકોનાં નામ ખૂલ્યાં છે, ત્યારે પુન: નિરીક્ષણનો નિર્ણય આ બધી ચૂંટણીઓ સંદર્ભે અગત્યનો છે. કચ્છને લીધે ગુજરાત અને બીજું રાજસ્થાન પણ સરહદી રાજ્યો છે. ત્યાં પણ આ ચકાસણી થઈ જવી જરૂરી છે. 

Panchang

dd