• રવિવાર, 20 જુલાઈ, 2025

શુભાંશુ શુક્લા ભાવિ અંતરિક્ષ મિશનો માટે શુભ

ભારતના નાગરિકો અને વૈજ્ઞાનિકો માટે અવકાશને સર કરવાની મહેચ્છા દાયકાઓથી રહી છે.ભારતીય અંતિરક્ષ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ ઉપગ્રહને અવકાશમાં મોકલવામાં વિશ્વભરમાં નામના મેળવી છે. હવે ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા તેમની 18 દિવસની અંતરિક્ષયાત્રા સફળતા સાથે આટોપીને ધરતી પર પરત આવ્યા છે. તેમની આ અવકાશી સફળતાએ ભારતના સમાનવ અંતરિક્ષ મિશનોની માટે મજબૂત તખતો તૈયાર કર્યો છે. ભારત પોતાનું આગવું અંતરિક્ષ સ્ટેશન તૈયાર કરવાની યોજના ઘડી રહ્યંy છે. આવામાં શભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએસએસ)માં રહીને ત્યાંનો જે અનુભવ મેળવી આવ્યા છે તેનાથી ભારતીય યોજનામાં ભારે મદદ મળશે એ વાત નક્કી છે. ઈસરો અવકાશમાં ભારતનો દબદબો વધારવાના સંખ્યાબંધ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યંy છે.  આમાં 2027માં સ્વદેશી રોકેટ અને ક્રૂ કેપ્સ્યૂલ સાથે સમાનવ ગગનયાનને અવકાશમાં મોકલવાનો ભારતનો ઈરાદો છે. શુક્લાનો આ સફળ અંતરિક્ષ પ્રવાસ આ ગગનયાન યોજના માટે ચાવીરૂપ બની રહેશે. ગગનયાનની સાથોસાથ ભારત 2028 સુધી પોતાના આગવા અંતરિક્ષ મથકના પ્રથમ મોડયુલને અવકાશમાં મોકલવા ધારે છે. 203પ સુધી ભારતની  પોતાની અંતરિક્ષ પ્રયેગશાળા તૈયાર થઈ જાય તેમ છે. એક્સઓમ 4 વાટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ગયેલા શુક્લા સહિતના અંતરિક્ષયાત્રીઓએ 60 જેટલા પ્રયોગ કર્યા, આમાંથી સાત પ્રયોગ ઈસરોએ ભારતીય સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓને સાથે રાખીને તૈયાર કર્યા હતા. આ પ્રયોગોએ અંતરિક્ષમાં કૃષિ ઉપરાંત આરોગ્ય, પદાર્થ વિજ્ઞાન અને એઆઈ સંદર્ભિત નવતર વાતોથી  આપણા વૈજ્ઞાનિકોને માહિતગાર કર્યા છે. આ અનુભવો પરથી આપણને અંતરિક્ષયાત્રીઓની તાલીમ અને ભાવિ આયોજન અંગે નવી દ્રષ્ટિ મળશે. સાથોસાથ અંતરિક્ષમાં રહીને પૃથ્વી સાથેના સંપર્ક અને સંકલનની બારીકાઈભરી બાબતોની માહિતી ઈસરોને મળી શકશે.  2040 સુધી ચંદ્ર પર સમાનવ યાન મોકલવાના ભારતના ઈરાદા વધુ નક્કર બની રહ્યા છે.  શુક્લા આઈએસએસમાંથી પરત આવીને સાથે ખાસ બિયારણના નમૂના સાથે અમૂલ્ય કહી શકાય એવો અનુભવનો ખજાનો પણ લાવ્યા છે. 1984માં પ્રથમ ભારતીય રાકેશ શર્માએ રશિયાના અંતરિક્ષ યાનમાં અવકાશની સફર કરી હતી,પણ આઈએસએસમાં રહીને ચાવીરૂપ પ્રયોગ કરનારા શુક્લા પ્રથમ ભારતીય બન્યા છે. તેમની આ સફળતા ભારતના અંતરિક્ષ સપનાંને સાકાર કરવામાં ચાવીરૂપ બની રહેશે.આવનારા સમયમાં તેમની સક્રિય ભૂમિકા ભારતના આ ભાવિ આયોજનોને સફળ બનાવવામાં ભારે મદદરૂપ બનશે એમાં કોઈ શંકા નથી.  શુક્લાએ ઈસરોની આંતરિક્ષ યોજનાઓનાં તાળાં એકઝાટકે ખોલી નાખ્યા હોય એવી આશાભરી સ્થિતિ સર્જાઈ છે.   

Panchang

dd