• મંગળવાર, 17 જૂન, 2025

કેનેડાએ નાક બચાવ્યું!

કોંગ્રેસના નેતાઓ ભારતની વિદેશનીતિ નિષ્ફળ ગઈ હોવાના નગારાં પીટે છે, ત્યારે મોદીની સફળતાનાં ગુણગાન વિદેશોમાં પણ સંભળાઈ રહ્યાં છે. કેનેડામાં ગ્રુપ-સેવનના વિકસિત રાષ્ટ્રોના વડાઓની શિખર પરિષદ મળી રહી છે, તેમાં હાજરી આપવા વિશેષ અતિથિ તરીકે વડાપ્રધાનને આમંત્રણ આપીને કેનેડાના વડાપ્રધાન કાર્નીએ નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર વાત કરીને આગ્રહ કર્યો છે. મોદીએ આમંત્રણ સ્વીકારીને બંને દેશ વચ્ચેના મૈત્રીભર્યા સંબંધ વધુ ગાઢ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેનેડામાં વડાપ્રધાન કાર્નીના વિરોધીઓ મોદીને આમંત્રણ આપવાનો વિરોધ કરી રહ્યા છે. ખાલિસ્તાની નેતાની હત્યાના આક્ષેપની તપાસ થઈ રહી છે તે મુદ્દો આગળ ધરાયો છે, પણ કાર્નીએ સાફ જણાવ્યું કે, હવે વિશ્વમાં પાંચમું મહત્ત્વનું અર્થતંત્ર ભારતનું છે તેથી એમની હાજરી વિના ચર્ચા-વિચારણા થાય જ નહીં. જૂનની 15મીથી ત્રણ દિવસની શિખર પરિષદ કેનેડામાં મળી રહી છે. 2023માં હરદીપસિંઘ નિજ્જરની હત્યા થઈ હતી, તેના આક્ષેપની હજુ તપાસ પૂરી થઈ નથી. ભારતે આક્ષેપને રદિયો આપીને નકાર્યા છે. કાર્નીએ ગ્રુપ-સાતના અન્ય સભ્ય દેશો સાથે ચર્ચા કરીને મોદીને સર્વાનુમતે આમંત્રણ આપ્યું છે. કેનેડામાં વસેલા ખાલિસ્તાનીઓ-અલગ પંજાબની માગણીના ટેકામાં ભારતવિરોધી પ્રચાર અને કેનેડામાં રહેતા હિન્દુઓને આતંકના નિશાન બનાવે છે. ભારતીય એમ્બેસી સામે દેખાવો અને તિરંગાનું અપમાન થતું હતું, ત્યારે તત્કાલીન જસ્ટિન ટ્રુડોની સરકાર નિક્રિય રહીને પ્રોત્સાહન આપતી હતી. કેનેડામાં ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા થઈ, ત્યારે ટ્રુડોએ આક્ષેપ કર્યો કે, ભારતની એજન્સીઓનો હાથ છે. ભારતે આ આક્ષેપનો જોરદાર વિરોધ કરીને રદિયો આપ્યા પછી રાજદ્વારી સંબંધ વધુ વણસ્યા હતા. ચૂંટણી પછી 29મી એપ્રિલે શ્રીમાન કાર્ની વડાપ્રધાન બન્યા ત્યારે સંબંધ સુધરવાની આશા જાગી. પણ ગ્રુપ-સેવન શિખર પરિષદ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ મળવા અંગે અટકળો શરૂ થઈ અને અનિશ્ચિત વાતાવરણમાં ભારતે ઉચ્ચ અધિકારીને જ મોકલવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ આવ્યા હતા. આ દરમિયાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં જોડી-ભેળવી દેવા માટે દબાણ શરૂ કર્યું, જેનો જાહેર વિરોધ અને પડકાર નવા ચૂંટાયેલા વડાપ્રધાને કર્યો છે. આમ બદલાતા સમય-સંજોગોમાં કેનેડાએ ભારત સાથેના સંબંધ સુધારવાની પહેલ કરી છે, જે આપણે આવકારી, સ્વીકારી છે. હવે દ્વિપક્ષી સંબંધનો નવો અધ્યાય શરૂ થશે. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાનાં નિયંત્રણો પછી ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણી વળી રહ્યા છે. નવી સરકાર હવે ખાલિસ્તાનીઓને અંકુશ-નિયંત્રણમાં રાખશે એવી આશા છે. જૂન મહિનામાં 40 વર્ષ અગાઉ 1985માં એર ઇન્ડિયાનું વિમાન કનિષ્ક ખાલિસ્તાનીઓએ તોડી પાડયું હતું અને 2023માં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા થયા પછી સંબંધ વધુ વણસ્યા હતા. હવે જૂન મહિનામાં સુધારાની શરૂઆત થઈ રહી છે તે કેવો યોગાનુયોગ છે! 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd