આગામી
જૂનમાં ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસની પૂર્વ તૈયારી વચ્ચે રોહિત શર્માએ અચાનક ટેસ્ટ
ક્રિકેટને અલવિદા કરી દેતાં તેના ચાહકો અને તમામ ક્રિકેટપ્રેમીઓને આંચકો લાગ્યો છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાંથી હવે હું રજા લઉં છું, તમારા પ્રેમ બદલ આભાર. દેશ માટે હું વન-ડે મેચ રમીશ. એ વાત સાચી જ છે કે,
રોહિત હમણા ફોર્મમાં નહોતો0. કેપ્ટનશિપ જાય તેવી શક્યતા પણ બળવત્તર બની રહી હતી, પરંતુ તે આમ ટેસ્ટમેચની પીચ
ઉપરથી પેવેલિયન ભણી દોટ મૂકે તે થોડું આશ્ચર્યજનક છે. જો કે, તેમણે નિર્ણય લઈને જાહેર પણ કરી દીધા પછી આ ચર્ચાને અવકાશ નથી. એ દરમ્યાન દિગ્ગજ
બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને રામરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી બીસીસીઆઇએ
વિરાટને પુનર્વિચાર માટે અનુરોધ કર્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે થોડા દિવસમાં ટીમની
જાહેરાત થશે ત્યારે વિરાટનો સમાવેશ હશે કે કેમ એ જોવાનું રહેશે. ભારતે ટી-ટ્વેન્ટી
વિશ્વકપ જીત્યો એ પછી ટી-ટ્વેન્ટીમાંથી રોહિત-વિરાટે એકસાથે નિવૃત્તિ લીધી હતી. જાડેજા
પણ તેમની સાથે હતો. વિરાટ અને રોહિતની સ્થિતિ જુદી છે. ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટનમાં
જેમની ગણના કરી શકાય તેવા રોહિતનું વર્તમાન ફોર્મ થોડો ચિંતાનો વિષય હતો. મુંબઈના કિંગ
તરીકે પણ ક્રિકેટપ્રેમીઓ જેમને ઓળખે છે તે રોહિત છેલ્લે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બોર્ડર-ગાવસ્કર
ટ્રોફીમાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લે તો ત્રણ મેચમાં 31 રન જ તે બનાવી શક્યો હતો. ખરાબ પ્રદર્શનનો એ
નાજૂક અને પરાકાષ્ટા સમ તબક્કો હતો. ટીકા એટલી થઈ કે, છેલ્લી ટેસ્ટમાં તો તેણે રમનારા
11 ખેલાડીમાં પણ પોતાનો સમાવેશ કર્યો નહીં. તે
સમયે જ અટકળો વહેતી થઈ હતી કે, રોહિતની ટેસ્ટ કેરિઅર ખતમ થઈ ગઈ. જો કે, તે સમયે તો તેણે એ વાતનો સ્વીકાર કર્યો નહોતો. સૌથી વિચારણીય બાબત એ છે કે,
મોટાભાગની કારકિર્દી તેની સફળ રહી છે. છેલ્લા કેટલાક સમયથી મેદાન ઉપર
તેનો દેખાવ યોગ્ય નહોતો, પરંતુ તેને લીધે આમ અચાનક હિટવિકેટની જેમ વિદાય લે એ આઘાતજનક તો છે જ. રોહિતની
બેટ્સમેન તરીકેની ક્ષમતા સામે કદી કોઇને શંકા ન હોય. ટેસ્ટમેચની કારકિર્દીની શરૂઆત
જ સદીથી કરી હતી. 11 વર્ષની
ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો, આ દરમિયાન રોહિત શર્મા
67 મેચ
રમ્યો જેમાંથી 24માં
એટલે કે પચાસ ટકાથી વધારે મેચમાં તે કેપ્ટન રહ્યો. 12 સેન્ચ્યુરી સહિત 4301 રન તેના ખાતાંમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી ભારતની
ટીમ તેના નેતૃત્વમાં જીતી. ટેસ્ટ મેચમાંથી રોહિત શર્માની અણધારી વિદાય ભારતીય ક્રિકેટના
ઈતિહાસની અગત્યની બાબત ગણાશે. ચુસ્ત, જુસ્સાદાર બેટર તરીકે ચાહકો તેમને યાદ રાખશે. જો કે,
રોહિતે હજુ એકદિવસીય ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું છે. ભારત પાસે
પ્રતિભાઓની કમી નથી. રોહિતનાં સ્થાને ટીમની બાગડોળ કોને સોંપાશે એ જોવાનું રહે છે.
બુમરાહ, કે.એલ. રાહુલ, રિષભ પંત અને શુભમન
ગિલ પણ દાવેદાર મનાય છે. રોહિતનું યોગદાન ભારતીય ક્રિકેટ માટે અતિ મૂલ્યવાન છે.