હીરા હૈ સદા કે લિયે... એવું એક જાહેરાતનું જિંગલ હીરા કરતા
વધારે સોનાંને બંધ બેસે છે. હીરો આજીવન રહે છે, પણ સોનાંની જેમ આજીવન વળતર નથી આપી શકતો. ચળકતી ધાતુ સોનાંએ વારંવાર સાબિત
કર્યું છે એટલા માટે ભારત જ નહીં વિશ્વભરના લોકો અને જે-તે દેશની મધ્યસ્થ બેંકો હીરામાં
રોકાણ નથી કરતી, સોનાંમાં જ પૈસા રોકે છે. સોનું સલામત રોકાણનું
ઉત્તમ સાધન છે. છેલ્લાં દસ વર્ષથી સોનાંમાં તેજીની દોડ શરૂ થઇ છે. 2025નું વર્ષ એની ચરમસીમાએ છે.
સોનું 2015નાં વર્ષમાં પ્રતિ ઔંસ 1300 ડોલર હતું. 2025માં 3000 ડોલરને અડી ગયું છે. 3000 ડોલરનો ભાવ દુનિયાએ ક્યારેય
જોયો ન હતો. નવો રેકોર્ડ સોનાંમાં બન્યો છે. લગભગ 130 ટકાનું વળતર અને નાણાંની સલામતી સોનાંએ દસ વર્ષમાં આપ્યાં છે.
એક વર્ષમાં 38 ટકા કમાણી સોનું આપી શક્યું
છે. આટલી સ્થિર કમાણી અનિશ્ચિતતાથી ભરેલા સમયમાં ક્યાંય છે ? 3000 ડોલરવાળું
સોનું 2025માં 3100, 3200 ડોલર કે 3500 ડોલર થવાની આગાહીઓ છે. આગાહીઓ
થતી રહેશે, પણ સોનું ખરીદનાર કોઇ દિવસ
ખોટમાં નથી રહ્યા એની ગેરંટી છે. કોઇ વ્યક્તિ આર્થિક કટોકટીભર્યા સમયમાં હોય તો પ્રથમ
સોનું વેચવાનું યાદ કરે છે. કોઇ રાષ્ટ્ર પર કટોકટી આવે તો તેની સરકારને સોનું સલામત
લાગે છે. અનેક દાખલા એવા છે કે, જ્યારે કટોકટીમાં કોઇ વ્યક્તિ
કે દેશ દ્વારા સોનાંની અનામતો વેચીને દેવું ભરાયું હોય. પાછલાં દસ વર્ષમાં અનેક કટોકટીનો
સામનો વિશ્વએ કર્યો છે. દરેક વખતે સોનું જ સાથી બની રહ્યું છે. ભારતમાં નોટબંધી હોય
કે અમેરિકાની મંદી, કોરોનાનો કપરો કાળ, યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ હોય કે પછી ટ્રમ્પની ટેરિફ વોરથી સર્જાયેલી અરાજકતા...
પાછલાં દસ વર્ષના આ બધા જ સંજોગમાં સોનું જ ખરીદાયું છે. સોનું છે તો સલામતી છે એવું
બધા સ્વીકારે છે. અત્યારે તો વળી ડિડોલરાઇઝેશન થઇ રહ્યું છે. ડોલરનું વર્ચસ્વ ઘટાડવા
માટેનો છાનો સંઘર્ષ ચાલે છે, એ રીતે સોનું કરન્સી બન્યું છે.
ચીનની મધ્યસ્થ બેંક સોનું ખૂબ ખરીદે છે. લંડન દ્વારા બુલિયન એક્સચેંજમાંથી વિમાનો ભરીને
સોનું અમેરિકામાં ઠલવાય છે. ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે સોનું ખરીદે છે. સોનું ખરેખર
ઊંચેરુ મૂલ્ય ધરાવે છે. સોનું વેચો એટલે હાથમાં પૈસા અને પૈસાનો સીધો ઉપયોગ એટલી તરલતા
સોનું જ આપી શકે. સોનાંમાં તેજીનો અતિરેક જરૂર થયો છે. અતિની ગતિ ન હોય એ ન્યાયે સોનું
કદાચ થોડું ફિક્કું પડશે, પણ એ ઝાઝા નફામાં થોડીક નુકસાની જ હશે.
ભારતના લોકો મોટાભાગે સોનું એક વખત તિજોરીમાં મૂકેય એ પછી ભાગ્યે જ વેચાણ માટે ફરીથી
આપે છે એટલે તેજી-મંદીની બહુ ચિંતા હોતી નથી.