હવે કોઈ મતદાન કેન્દ્ર પર 1200થી વધુ મતદાર નહીં હોય એવો જે નિર્ણય ચૂંટણીપંચે લીધો છે, તે લોકતંત્રનાં મૂળિયાં વધુ શક્તિશાળી અને સુલભ
બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે મતદારોની સુવિધાની
દૃષ્ટિએ પણ આવકારપાત્ર છે. ભારત જેવા વિશાળ અને વિવિધતાપૂર્ણ દેશમાં ચૂંટણી કરાવવી
એક ભગીરથ કામ છે. મતદારોની લાંબી કતારો, સીમિત સંસાધન અને સમયનો
અભાવ મતદાનની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે, જેનાથી મતદારો હતોત્સાહિત
પણ થઈ શકે છે. કોઈ પણ મતદાન કેન્દ્ર પર 1200થી વધુ મતદાર નહીં હોવાનો નિર્ણય દૂરદર્શી છે. ઓછી આવકવાળા લોકો, ખાસ કરીને રોજિંદા શ્રમિકો, રિક્ષાચાલક, ડ્રાઇવર, નાના દુકાનદાર
વગેરે જે મતદાન માટે આખા દિવસની પ્રતીક્ષા નથી કરી શકતા, એમના
મતાધિકારની રક્ષા કરે છે. આ નિર્ણયનું એક મહત્ત્વનું પાસું છે કે, હવે મતદાન કેન્દ્રોની સંખ્યા વધશે, જેનાથી દૂર-દૂરના
વિસ્તારોમાં રહેતા નાગરિકોને મતદાન કેન્દ્ર પર પહોંચવું સુગમ બનશે. મતદાનની ટકાવારી
વધશે અને લોકતંત્રનાં મૂળિયાં ઊંડાં જશે. જો કે, નવાં મતદાન કેન્દ્રોની
સ્થાપનામાં સંસાધનોની ઉપલબ્ધતા અને ચૂંટણી કર્મચારીઓની સમયબદ્ધતા અને પારદર્શી રીતથી
નિયુક્તિ સંબંધી શાસકીય પડકારો જરૂર હશે. પદ ગ્રહણ કર્યા પછી એક મહિનાથી જ ઓછા સમયમાં
ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દશકાઓના પેન્ડિંગ પડકારોને દૂર કરવા માટે જે નિર્ણાયક
પગલાં લેવાનું શરૂ કર્યું છે, તે ચૂંટણી
પ્રક્રિયામાં પારદર્શિતા, સમાવેશકતા અને દક્ષતા વધારવાની દૃષ્ટિએ
મહત્ત્વના સાબિત થઈ શકે છે. ચૂંટણીપંચે 31 માર્ચ પહેલાં ચૂંટણી રજિસ્ટર્ડ અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીઓના
સ્તર પર સર્વપક્ષીય બેઠક આયોજિત કરવાનો જે નિર્ણય લીધો છે, તેમાં
ચૂંટણી વ્યવસ્થાના દરેક સ્તર પર રાજકીય પક્ષો સાથે સીધા સંવાદનો રસ્તો ખૂલશે અને તેમની
ચિંતા અને સૂચનોને સાંભળવામાં આવશે. ચૂંટણીપંચે બધા રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત
પક્ષોને 30 એપ્રિલ-2025 સુધી એક કાયદાકીય માળખાં અંતર્ગત
અધિકૃત રીતે સૂચનો મોકલવા જણાવાયું છે, જે બે કારણથી મહત્ત્વપૂર્ણ છે. એક, આવું પગલું ચૂંટણીપંચે
દશકાઓ પછી પ્રથમ વેળા લીધું છે. બીજું, આ ચૂંટણી પ્રક્રિયાને
અધીક સમાવેશી, પારદર્શી અને હિતધારકો પ્રતિ ઉત્તરદાયિત્વ બનાવવાની
પ્રતિબદ્ધતા પણ દાખવે છે. આવો જ એક અન્ય નિર્ણય મતદારકાર્ડને આધારકાર્ડ સાથે લીન્ક
કરવાનો પણ ચૂંટણીપંચે લીધો છે. પંચના કહેવા મુજબ આ કામ હાલના કાયદા અને સુપ્રીમ કોર્ટના
નિર્દેશ મુજબ જ થશે. જો કે, આથી પહેલાં 2015માં આવો પ્રયત્ન થયો હતો, પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્થગિત કરી દેવાયો
હતો. હવે જલ્દી આ માટે નિષ્ણાતોની બેઠક પણ યોજાશે. એક સમાવેશી અને સશક્ત લોકતંત્રનો
પાયો નાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયોથી જ તૈયાર થતો હોય છે. આવામાં આશા રાખવી જોઇએ કે,
ચૂંટણીપંચના નિર્ણયોથી મતદાન પ્રક્રિયા સરળ બનશે અને મતદારોનો વિશ્વાસ
વધશે.