તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : કચ્છના શૈક્ષણિક અને સામાજિક
ભવિષ્યને અસર કરે એવો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 38 મહિના પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
પટેલે 18મી જાન્યુઆરી, 2022ના રોજ કચ્છને
નર્મદાનાં દસ લાખ એકરફીટ વધારાનાં પાણીની યોજનાને વહીવટી મંજૂરીનું એલાન કર્યું હતું.
એ પછી સોમવારે શિક્ષકોની ઘટનો પેચીદો પ્રશ્ન હંમેશ માટે ઉકેલાઇ જાય એવા પગલાંની જાહેરાત
થઇ છે. ગાંધીનગર ખાતે કચ્છના ધારાસભ્યો સાથેની ચર્ચામાં શિક્ષક ઘટનો મુદ્દો ગંભીરતાથી
હાથ પર લેવાયો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભરતી થયા બાદ શિક્ષકો જિલ્લાફેર બદલી કરાવી લે એ પ્રશ્ન દાયકાઓથી જિલ્લાને
કનડી રહ્યો છે. એક તો વિશાળ પંથકમાં ફેલાયેલો દુર્ગમ જિલ્લો, એમાંય માંડ માંડ ભરતી થયા પછી મહદ્અંશે શિક્ષકો
લાગ મળે એટલે પોતાના વતન તરફ ઉચાડા ભરી જવાની પેરવીમાં જ રહે... પરિણામ સ્વરૂપ શિક્ષણની
ગુણવત્તાને અસર પહોંચે અને માંડ ભરતી થયેલા શિક્ષકો બદલી જાય એટલે સેંકડો જગ્યા ખાલી
પડી રહી. આ અંગે વિવિધ સ્તરે રજૂઆત થતી રહી છે. કચ્છમિત્ર દ્વારા આ મુદ્દો અસરકારક
રીતે ઉઠાવાતો રહ્યો છે. ગત ડિસેમ્બરનાં જ કચ્છમિત્રના હેવાલને જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીના
ધ્યાને મૂકતાં સરકાર હરકતમાં આવી હતી. કચ્છ માટે ખાસ કિસ્સામાં સ્થાનિક ભરતીનો નિર્ણય
લેવાતાં આગ્રહને અંતે ગ્રાહ્ય રખાતાં શિક્ષણ આલમમાં આનંદ વ્યાપ્યો છે. મુખ્યમંત્રીએ
લીધેલા નિર્ણય મુજબ કચ્છમાં સ્થાનિક કક્ષાએથી 4100 જેટલા શિક્ષકોની ભરતી થશે, જેમાં ધો. 1થી પાંચ માટે 2500, ધો. 6થી 8 માટે 1600 શિક્ષકની
સ્થાનિક સ્તરેથી ભરતી કરવામાં આવશે અને તેમણે નિવૃત્તિ સુધી કચ્છમાં જ ફરજ બજાવવાની
રહેશે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું કે જળક્રાંતિ પછી કચ્છ માટે આ શિક્ષણ
ક્રાંતિ સમો નિર્ણય છે. એનાથી કચ્છના હજારો-લાખો છાત્રોનું ભાવિ સુધરશે. પ્રાથમિક શિક્ષણ
પાયાનાં સ્તરેથી છાત્રનું ઘડતર કરે છે. પાયો નબળો પડે તો વિદ્યાર્થીની કારકિર્દી દિશાહિન
બનવાનું જોખમ હોય છે. કચ્છ જેવા છેવાડાના જિલ્લા અને દુર્ગમ ગામડાંમાં પથરાયેલા પ્રદેશમાં
શાળાઓ મહદઅંશે શિક્ષક ઘટની ગંભીર સમસ્યા ભોગવતી આવી છે. ભરતી થાય ત્યારે નવી નિમણૂકો
આવે અને થોડા સમયમાં બદલી કરાવી લે એટલે સ્થિતિ ઠેરની ઠેર. અહીં એ નોંધનીય છે કે, કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ મક્કમ પગલું
લઇને બદલી મળ્યા પછી પણ શિક્ષકોને નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાનો નિર્ણય
લીધો છે. એટલું જ નહીં આ પ્રશ્ને રાજ્ય સરકારમાં પરિણામલક્ષી રજૂઆત થાય એવો આગ્રહ સાંસદ,
ધારાસભ્યોને કર્યો હતો. કચ્છની શિક્ષણ પરિસ્થિતિને અનુરૂપ ભરતીની અલાયદી
વ્યવસ્થાના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાજ્ય સરકારને અભિનંદન આપીએ. એ સાથે તેનો અમલ નવા
શૈક્ષણિક સંત્રથી જ શરૂ થઇ જાય એવી અપેક્ષા રાખીએ. સૈદ્ધાંતિક નિર્ણય પછી વહીવટી નિર્ણય
ત્વરાએ લેવાવો જોઇએ. શિક્ષકોની ઘટને લઇને શાળાઓની બદહાલતના અહેવાલો નિરંતર બહાર આવતા
રહે છે. પાવરપટ્ટીના ઝુરા નજીક ભખરિયા ગામમાં શાળા અઢી વર્ષથી બંધ રહી અને કચ્છમિત્રમાં
છપાયું એટલે માંડ ચાલુ થઇ. આવા તો અસંખ્ય દૃષ્ટાંત છે. કચ્છમાં આચાર્યોની અને કલાર્ક
સહિતની વહીવટી જગ્યાઓ પણ મોટાપાયે ખાલી છે. અહીં એ નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારે થોડા મહિનાઓ પૂર્વે ગુજરાતમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવાની
જાહેરાત કરી હતી. તાજેતરના બજેટમાં શિક્ષણ માટે 60 હજાર કરોડની જોગવાઇ રાખવામાં આવી છે. કચ્છને તેનો ફાયદો પહોંચે
એ જરૂરી છે. સમયનું ચક્ર 22 વર્ષ પાછું
ફેરવીને શિક્ષણમાં ડોકિયું કરીએ તો તત્કાલીન શિક્ષણપ્રધાન આનંદીબેન પટેલે કચ્છના પ્રવાસ
દરમ્યાન દેશલપર-વાંઢાયમાં જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા ધો. 12 પાસ સ્થાનિક ઉમેદવારોની ભરતીની
જાહેરાત કરી હતી, પરંતુ બીજા
જિલ્લાઓમાં પણ આવી વિશેષ છૂટછાટની માગણી ઊઠતાં વાત અમલના સ્તરે પહોંચી નહોતી. એટલે
જ ભૂપેન્દ્રભાઇ સરકાર કચ્છ માટે ખાસ ભરતીના નિર્ણયનો તત્કાળ અમલ કરાવે તે માટે જનપ્રતિનિધિઓએ
સજાગ રહેવું પડશે.ભૂપેન્દ્ર પટેલ સરકારે કચ્છ તરફ અમીદૃષ્ટિ કરી જ છે તો ટેટ-ટાટવાળો
મુદ્દોએ ધ્યાને લેવાની જરૂર છે. પ્રાથમિક શિક્ષક ભરતીમાં ટેટ પાસને અને માધ્યમિક-ઉચ્ચતર
માધ્યમિક ટાટ પાસનો આગ્રહ રખાય છે. વાસ્તવિકતા એ છે કે, 2018 પછી ટેટ પરીક્ષા જ નથી લેવાઇ. બીજી તરફ ટાટ પાસ કર્યા પછી
પણ નોકરી ન મેળવી શકેલા ઉમેદવારો મોટી સંખ્યામાં છે. રાજ્ય સરકારે કચ્છમાં ભરતી વખતે
ટેટ-ટાટનું પ્રાવધાન નજરઅંદાજ કરવું જોઇએ અને પીટીસી કે બી.એડ. એવી નિયમાનુસાર લાયકાત માન્ય રાખવી જોઇએ. આવું કરાશે
તો કચ્છના હજારો લાયક યુવક-યુવતીઓને ફાયદો
થશે. અને છેલ્લે પ્રાથમિક શિક્ષણ માટે સકારાત્મકતા દર્શાવાઇ એ જ પદ્ધતિએ માધ્યમિક-ઉચ્ચતર
માધ્યમિક વિભાગ માટે પણ ઉદાર નિર્ણય લઇને કચ્છમાં સ્થાનિક ભરતીની છૂટછાટ જાહેર થાય
એવી અપેક્ષા અસ્થાને નથી. આવું બન્યું તો કચ્છના શિક્ષણ જગતમાં સોનાનો સૂરજ ઊગશે.