આતંકવાદની આગમાં ચોમેરથી ઘેરાઈ
ગયેલાં પાકિસ્તાનની હજી આંખો ખૂલતી નથી. આટલાં વર્ષોથી ભારત સહિત વિશ્વના દેશોમાં
આતંકને પોષવાની નીતિને અનુસરતા રહેલાં પાકિસ્તાનને હવે પોતે લગાવેલી આગ દઝાડી રહી
છે. આવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં પાકિસ્તાને શાંતિપૂર્ણ
સંબંધો સ્થાપવામાં રસ બતાવ્યો ન હોવાની વાસ્તવિકતા વધુ એક વખત દુનિયા સમક્ષ છતી
કરી છે. તેમણે પાકિસ્તાનના શાસકોએ મિત્રતાની પહેલને સમજવાનો ઈન્કાર કરીને ભારતને
દરેક વખતે દગો આપવાનું કામ કર્યું હોવાની હકીકત વ્યક્ત કરી છે. જાણીતા કોમ્પ્યુટર
વૈજ્ઞાનિક લેક્સ ફ્રીડમેન સાથે પોડકાસ્ટમાં મોદીએ પાકિસ્તાનને આતંકનો અરીસો
બતાવીને યોગ્ય કર્યું છે. એક તરફ પાકિસ્તાન પોતે કરેલી ભૂલોની સ્વીકારીને સુધરવા
જરા પણ તૈયાર નથી અને બીજી તરફ પોતાના કર્મોના ફળ બદલ તે ભારતને દોષી ઠેરવવાની કોઈ
પણ તક જતી કરતું નથી. આ ઓછું હોય તેમ તે ભારતની સામે આતંકી હુમલાની સતત વેતરણમાં
રહે છે અને વિશ્વ મંચ પર પોતે ભારતી બરોબરી કરતું હોય એવી હવા ઊભી કરે છે. આની
સાથોસાથ પાકિસ્તાન રાજદ્વારી મોરચે પણ ભારતની સામે સતત અપપ્રચારની ઝુંબેશ ચલાવતું
રહે છે, પણ
આર્થિક રીતે કંગાળ થવા છતાં તે પોતાની વાસ્તવિકતા સ્વીકારતું ન હોવાને લીધે
વિશ્વના મંચ પર સતત અપમાનિત થતું રહે છે. પોડકાસ્ટમાં ભારતીય વડાપ્રધાને યોગ્ય વાત
કરી છે કે, કદાચ એક દિવસ પાકિસ્તાનને સદ્બુદ્ધિ આવશે,
પણ તે ક્યારે આવશે તે કહી શકાય તેમ નથી, જ્યાં
સુધી પાકિસ્તાનને સદ્બુદ્ધિ આવે નહીં ત્યાં સુધી ભારતે સાવચેત અને સતર્ક રહેવું
પડશે. આમ તો હવે પાકિસ્તાનના લોકોને પણ તેના શાસકોની ભૂલો સમજવા લાગી છે, પણ આ વાત હજી પાકિસ્તાની લશ્કર અને તેની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈને
ગળે ઊતરતી નથી. આને લીધે પાકિસ્તાનનો ભારત વિરોધી એજન્ડા યથાવત રહ્યો છે. આટલી
આર્થિક તકલીફ હોવા છતાં પાકિસ્તાન ભારતની સાથે પૂર્ણકક્ષાના રાજદ્વારી સંબંધ પુન:
સ્થાપવા આગળ આવતું નથી. ખેરખર તો તે ભારત સાથે વેપારી સંબંધ પૂર્વવત કરે, તો તેનાં અર્થતંત્રને મોટી મદદ મળી શકે તેમ છે, પણ
ભારત વિરોધી એજન્ડા પર ચાલતી પાકિસ્તાન સરકાર અને લશ્કર બંને હજી વાસ્તવિકતા સામે
આંખ આડા કાન કરી રહ્યા છે. હજી પણ કાશ્મીર અને પંજાબમાં પોતાના નાપાક કારસાથી
અશાંતિ ફેલાવવા ટાંપીને બેઠેલા પાકિસ્તાન હજી સુધરવાનો કોઈ ઈરાદો ધરાવતું હોય તેમ
જણાતું નથી. આવા સંજોગોમાં હવે ઘાંઘું બનેલું પાકિસ્તાન ભારતમાં કોઈ આતંકી
ઊંબાડીયું ન કરે તે માટે ભારતે વધુ સતર્ક રહેવાની ખાસ જરૂરત રહેશે. ભારતીય
વડાપ્રધાનની વાત સમજીને પાકિસ્તાન આતંકનો માર્ગ છોડીને મિત્રતાની વાતને અનુસરે તો
આ ઉપખંડમાં શાંતિની સાથોસાથ સમૃદ્ધિની ખરા અર્થમાં અનુભૂતિ થઈ શકે, પણ પાકિસ્તાનના ઈતિહાસ અને વર્તમાનને જોતાં આ અનુભૂતિ હજી ફળીભૂત થઈ શકે
એવી કોઈ શક્યતા જણાતી નથી.