• બુધવાર, 30 એપ્રિલ, 2025

હવે નવો ઈમિગ્રેશન ખરડો

વેપારી નીતિથી માંડીને ઈમિગ્રેશન સુધીના ચાવીરૂપ ક્ષેત્રોમાં વિશ્વમાં મોટાપાયે ફેરફાર થઈ રહ્યા છે. સમૃદ્ધ દેશો તેમને ત્યાં ગેરકાયદે વસવાટ કરનારાને હાંકી કાઢવા બાંયો ચડાવી રહ્યા છે.  અમેરિકાએ તો ગેરકાયદે વસાહતીઓને તેમના દેશ પરત મોકલવાનું શરૂ પણ કરી દીધું છે. આવામાં ભારતે પણ એક મહત્ત્વની પહેલ કરીને પડોશના દેશોમાંથી બેરોકટોક થતી ઘૂસણખોરીને નાથવા તૈયારી શરૂ કરી છે. આ સંદર્ભમાં ગેરકાયદે વિદેશી નાગરિકો અને ઘૂસણખોરીના સંદર્ભમાં એક ખરડો લોકસભામાં રજૂ કર્યો છે. આ ખરડાની સાથે ભારતે આ મુદ્દે પોતાની ગંભીર ઈચ્છાશક્તિ સ્પષ્ટ કરી દીધી છે. આવનારા દિવસોમાં આ ખરડાને કાયદામાં પરિવર્તિત કરીને ભારત સરકાર આંતરિક સલામતી સામે જોખમી એવી ઘૂસણખોરીની પ્રવૃત્તિની સામે કડક પગલાં લેશે એ વાત નક્કી મનાઈ રહી છે. આ ખરડા દ્વારા ભારતે પોતાને ત્યાં ઘૂસણખોરી કરતા પડોશી દેશોના નાગરિકોને કડક ચેતવણી આપી દીધી છે કે, હવે સરહદો પાર કરનારા સામે કાર્યવાહી થશે. આની સાથોસાથ બનાવટી દસ્તવેજો બનાવીને ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા આવા ઘૂસણખોરોની સામે પણ કાર્યવાહી કરી શકાશે. આમ ગેરકાયદે વસાહતીઓની સામે કડક કાર્યવાહીનો તખતો તૈયાર થઈ ગયો છે. જો કે, ભારત સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ ખરડાનો ઉદ્દેશ કોઈને કાયદેસર રીતે દેશમાં પ્રવેશતા રોકવાનો જરા પણ નથી. આમ તો કોઈ પણ વિદેશીને પોતાને ત્યાં પ્રવેશવા દેવા કે નહીં તે નક્કી કરવાનો અધિકાર જે-તે દેશનો પોતાનો હોય છે. આ ખરડા દ્વારા એક વાત તો સ્પષ્ટ છે કે, ભારત સરકાર ગેરકાયદે ઘૂસણખોરીની સમસ્યા પર હવે ગંભીરતા સાથે ધ્યાન આપી રહી છે. હવે સરકાર અને સમાન્ય નાગરિકોને સમજાઈ રહ્યંy છે કે, ગેરકાયદે ઘૂસણખોરોની વધી રહેલી સંખ્યાથી રાષ્ટ્રીય સલામતી તો જોખમાય છે, તેની સાથોસાથ ભારે વસ્તી ધરાવતા દેશમાં સાચા નાગરિકો પોતે ઘરઆંગણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી જાય છે.   હવે નવા ખરડાની જોગવાઈ મુજબ વિઝા વગર વસવાટ કરતા વિદેશી નાગરિકોની સામે કાયદાકીય કાર્યવાહીનો માર્ગ વધુ સરળ અને મોકળો બની શકશે. તેમને સજા પણ કરી શકાશે. જો કે, આ સંદર્ભના જૂના ચાર વટહુકમ સમાપ્ત થઈ જશે. ઈમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તા મળતાં ગેરકાયદે વસાહતીઓની સામે કાર્યવાહી કરવાનું સરકાર માટે સુગમ બની રહેશે, પરંતુ મુખ્ય સવાલ એ છે કે, કાયદાની જોગવાઈઓ વધુ કડક બનવા છતાં રાજકીય પક્ષોની ઈચ્છાશક્તિ પર બધો આધાર રહેશે. અમુક રાજકીય પક્ષોના મતબેંકના રાજકારણમાં આવા ગેરકાયદે વસાહતીઓ મદદરૂપ થતા હોવાને લીધે તેમના શાસન તળેના રાજ્યોમાં આવા કાયદાના અમલીકરણ પર ધ્યાન અપાય એવી શક્યતા ધૂંધળી જણાય છે. કેન્દ્ર સરકારે આ મુદ્દાને ધ્યાને લેવાની પણ જરૂરત રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd