• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

દિલ્હી : કોણ બનશે સીએમ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : કેન્દ્ર સરકારનાં બજેટ પછી હવે સૌની નજર દિલ્હી વિધાનસભાની ચૂંટણી ઉપર છે. પાંચમી ફેબ્રુ.એ મતદાન અને આઠમીએ પરિણામ આવે તેના ઉપર રાષ્ટ્રીય રાજકારણની દિશાનો નિર્દેશ મળશે. દિલ્હી અત્યારે પૂર્ણ રાજ્ય પણ નથી છતાં વિધાનસભાની ચૂંટણીનું વિશેષ મહત્ત્વ છે. ત્રણ રાષ્ટ્રીય પક્ષ મેદાનમાં છે તેથી કોંગ્રેસ - કોના વોટ કાપશે અને લાભ ભાજપને થશે કે `આપ'ને - તે જોવાનું છે. દિલ્હી `િસટી સ્ટેટ' ગણાય છે, પણ નવી દિલ્હીની નજર અને અંકુશ હેઠળ છે તેથી કેન્દ્ર સરકાર અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. `આપ'ના કેજરીવાલ માટે ભવિષ્ય - રાજકીય કારકિર્દીનો પ્રશ્ન છે. રાહુલ ગાંધી માટે પણ `ઈન્ડિ' મોરચાની નેતાગીરીનો પ્રશ્ન છે. આમ જોતાં દિલ્હી વિધાનસભામાં અને શાસનમાં - સત્તા કરતાં નેતાઓની પ્રતિષ્ઠા અને ભવિષ્ય તોળાઈ રહ્યું છે. અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાઈને `આમ આદમી પાર્ટી'ને સત્તા મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન થયા. એમના ચૂંટણી ચિહ્ન - ઝાડુએ અન્ય પક્ષોને વાળી-ઝૂડીને સાફ કર્યા, તે પછી એમના ઉપર જ શરાબકાંડના ભ્રષ્ટાચારના આરોપ ઊભા છે. બે ટર્મ મુખ્ય પ્રધાનપદે રહ્યા પછી હવે ફરીથી મેદાનમાં છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 12.9 ટકા મત મેળવીને `આપ'એ રાષ્ટ્રીય પક્ષનું સ્થાન મેળવ્યું છે. પંજાબમાં `આપ'ની સરકારને પૂર્ણ બહુમતી છે. કોંગ્રેસ પછી `આપ' એક માત્ર વિપક્ષ છે, જેની પાસે બે રાજ્યમાં સત્તા છે. દિલ્હીમાં શીલા દીક્ષિતે કોંગ્રેસને સત્તા અપાવી અને પંદર વર્ષ સુધી ટકાવી. કેજરીવાલે દસ વર્ષ રાજ કર્યું અને હવે કેજરીવાલ ચોથી ટર્મ માટે જાણે જીવ સટોસટની લડાઈમાં છે. આક્ષેપોની ભરમાર, કાદવહોળીમાં કેજરીવાલ છવાઈ ગયા છે. એમણે આખરી શસ્ત્ર તરીકે યમુનાનાં જળનો ઉપયોગ કર્યો છે ! `હરિયાણાથી આવતા યમુનાનાં જળમાં ભાજપની સરકારે વિષ-ઝેર ભેળવ્યું છે - દિલ્હીના લાખો લોકો મરણશરણ થાય પછી ભાજપ કેજરીવાલને દોષિત ઠરાવવા માગે છે, પણ હું દિલ્હીના લોકોને બચાવીશ - મરવા નહીં પામે' - આ આક્ષેપ કરવામાં આવ્યો અને ચૂંટણીપંચે આક્ષેપ પુરવાર કરવા મહેતલ આપી. બીજી બાજુ - હરિયાણાના મુખ્ય પ્રધાને પણ કેજરીવાલને પડકાર્યા કે તમે જાતે આવો - નિષ્ણાત સચિવને લઈને આવો અને પુરવાર કરો. દરમિયાન, કેજરીવાલ સામે બદનક્ષીનો દાવો પણ મંડાયો છે. ચૂંટણીમાં યમુનાનાં જળનો મુદ્દો હવે મુખ્ય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બેફામ, બેજવાબદાર આક્ષેપ થાય છે. યમુનાનું જળ વડાપ્રધાન પોતે પણ પીવે છે. કેજરીવાલનો આક્ષેપ એમના જુઠ્ઠાણાંનો અજોડ નમૂનો છે. આમ છતાં કેજરીવાલ કહે છે - ભાજપની આ ગંદી રમત છે ! રાહુલ ગાંધીએ ભાજપને ટેકો આપીને કેજરીવાલ ઉપર ભ્રષ્ટાચાર અને જુઠ્ઠાણાંનો આક્ષેપ કર્યો છે. યમુનાનાં જળ ગંદકીથી ભર્યાં છે. બિહારી મહિલાઓએ છઠ્ઠની પૂજા પણ ગટર-ગંગામાં થયાની ફરિયાદ કરી હતી, પણ કેજરીવાલ મૌન રહ્યા. હવે જાણે `હુકમનું પાનું' ઊતર્યા છે ! શરાબ કૌભાંડના ભ્રષ્ટાચારમાં જેલવાસ ભોગવી રહ્યા છે - અત્યારે જામીન ઉપર છૂટયા છે, પણ શરતી જામીન છે કે, તેઓ મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં જઈ શકે નહીં. સરકારી ફાઈલો ખોલી શકે નહીં. આવી શરતનાં કારણે એમણે મહિલા - આતિષીને મુખ્ય પ્રધાન બનાવ્યા - ડો. મનમોહન સિંહની જેમ અને `બેકસીટ ડ્રાઈવિંગ' કરતા રહ્યા. ચૂંટણીમાં લોકોની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ થયા, પણ વિજયની ખાતરીના બદલે પરાજયની આશંકા-ભીતિ હોવાથી - યમુનાનાં જળ યાદ આવ્યાં. એમના વિરોધીઓ કહે છે, યમુના જળ હવે કેજરીવાલ માટે `ગંગાજળ' બનશે! કેજરીવાલને બહુમતી મળે તો પણ હાલના સંજોગો અને શરતી  જામીનનાં કારણે પ્રથમ દિવસે મુખ્ય પ્રધાનપદના શપથ નહીં લઈ શકે. વિધાનસભામાં સંખ્યાબળ અને જનતાની અદાલતના ચુકાદાનો હવાલો આપશે. આ પછી અદાલત ઉપર આધાર હશે, પણ મહત્ત્વનો પ્રશ્ન છે : શરાબ કૌભાંડની તપાસ કેમ પૂરી થઈ નથી ? પૂરી થાય તો ચૂંટણીનાં પરિણામ પછી અદાલતમાં રજૂ થઈ શકે છે. જનતાની અદાલત પછી કાનૂની અદાલતમાં ઊભા રહેવું પડશે. કેજરીવાલ સામે ભાજપ ઉપરાંત રાહુલ ગાંધી પણ આક્રમક છે. કેજરીવાલ કોંગ્રેસના `ઈન્ડિ' મોરચામાં સામેલ થયા અને મુંબઈમાં મોરચાની જાહેરસભામાં સુનિતા કેજરીવાલને મંચ ઉપર બેસાડીને મોદી સરકારના `અત્યાચારનો નમૂનો' બતાવાયો હતો, પણ આ પછી એમની `ઘર વાપસી' થઈ ગઈ. હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા પછી `ઈન્ડિ' મોરચામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નેતાગીરી સામે વિરોધના સૂર અને આંગળીની જગાએ `હાથ' ઊઠયા. હોઠ ફફડયા. મમતાદીદી અને કેજરીવાલ નેતાગીરી સંભાળવા, ઝડપી લેવા તૈયાર હતા અને છે ! આવી માંગ અને હિલચાલ થઈ રહી હોય ત્યારે દિલ્હીમાં `નાગ'ને દૂધ પીવડાવવા કોંગ્રેસ કેવી રીતે તૈયાર થાય ? આ સંજોગોમાં પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે કોંગ્રેસનો ટેકો કેજરીવાલને નહીં મળે અને કોંગ્રેસ પણ ઉમેદવારો ઊભા રાખશે એવી જાહેરાત કરી. રાહુલ ગાંધીની મરજી અને મંજૂરી વિના આવી જાહેરાત થાય જ નહીં. પ્રચારમાં પણ રાહુલ ગાંધી ગ્રુપના નેતાઓ આવ્યા તે નોંધપાત્ર છે. રાહુલ ગાંધી કોઈ પદયાત્રામાં જોડાયા નહીં અને છેલ્લા તબક્કાની પ્રચારસભામાં કેજરીવાલના શીશમહલ અને શરાબ કૌભાંડ - ભ્રષ્ટાચારના આક્ષેપો ગણાવતા રહ્યા. રાહુલ ગાંધીને જવાબ આપવામાં કેજરીવાલ કાચા નથી ! પ્રિયંકા અને રોબર્ટ વાડરા સામે મોદી કોઈ પગલાં ભરતાં નથી - ગાંધી પરિવારની ભાજપ સાથે મિલીભગત હોવાના આક્ષેપ કર્યા ! આમ મોરચાના નેતાઓમાં પડી એક તકરાર... દિલ્હીમાં કેજરીવાલે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને હરાવ્યા છે ! ઈન્ડિ મોરચાના તમામ ભાગીદાર પક્ષો - શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેથી લઈને મમતાદીદી અને અખિલેશ તથા તેજસ્વી યાદવ - સૌ રાહુલ ગાંધીને છોડી, તરછોડીને કેજરીવાલ સાથે ઊભા છે, કારણ કે, રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ નથી. ગમે ત્યારે ભાગીદાર પક્ષોને `દગો' આપી શકે છે. હવે કોંગ્રેસી મોરચાને છોડનારા, તોડનારા નેતાઓને હવે રાહુલ ભ્રષ્ટાચારી કહેશે ? ચૂંટણીમાં કોંગ્રેસ હવે કેજરીવાલના વોટ કાપશે, પણ લાભ ભાજપને થશે? થાય તો ઈન્ડિ મોરચામાં મમતા અને અખિલેશ યાદવ રાહુલ ગાંધીને જવાબદાર ગણશે અને નેતા બદલવાની હિલચાલ વધુ જોર પકડશે. ભૂતકાળનું પુનરાવર્તન કરવા કોંગ્રેસ અને ભાજપ બંને સામે ત્રીજો મોરચો ખોલવાની શરૂઆત થશે - કોંગ્રેસના - હંગામી કામચલાઉ પ્રમુખ ખડગેએ તાજેતરમાં કહ્યું હતું કે, `સોનિયાજીએ ત્યાગની ભાવનાથી વડાપ્રધાનપદ જતું કર્યું હતું. આવી ત્યાગની ભાવના જરૂરી છે' શું આ ઈશારો રાહુલ ગાંધીને કરવામાં આવ્યો છે ? ગાંધી પરિવાર માની જાય એવી આશા છે ? સોનિયાજીના `ત્યાગ'ની વાત તદ્દન ખોટી છે. વડાપ્રધાનપદ સ્વીકારવા તૈયાર હતા, પણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે વરિષ્ઠત્તમ કાનૂની નિષ્ણાત પરાસરનને બોલાવીને એમની સલાહ અનુસાર સોનિયા ગાંધીનો દાવો નકાર્યો હતો ! આ પછી ગાંધી પરિવારની `ત્યાગભાવના' - દ્રાક્ષ  ખાટી છે ! ચૂંટણી જંગના ત્રિકોણના ત્રીજા ખૂણે ભાજપ છે. મોદી, અમિત શાહ, રાજનાથસિંહ તથા સંખ્યાબંધ નેતાઓનું કટક દિલ્હીમાં ઊતરી આવ્યું, પણ ખાટલે મોટી ખોડ કે ભાજપમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર કોણ ? અલબત્ત, ભાજપમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર નહીં કરવાનો વ્યૂહ છે તે સ્વીકારવું જોઈએ. કેજરીવાલને ઘરભેગા નહીં, જેલભેગા કરવાની આશા છે તે ફળશે કે નહીં ? કોણ બનશે મુખ્ય પ્રધાન ? જવાબ દૂર નથી... 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd