સંસદનાં બજેટસત્રનો શુક્રવારે રાષ્ટ્રપતિના સંબોધન સાથે વિધિવત
આરંભ થઈ ગયો છે. એક તરફ દેશને શનિવારે રજૂ થનારાં અંદાજપત્રની દરખાસ્તો અંગે અપેક્ષાઓ
છે, તે જ રીતે આ વખતના સત્રમાં કાર્યવાહી ખોરવાય
નહીં અને દેશહિતનાં કામો અટકે નહીં એવી પણ અપેક્ષાઓ રહી છે. આમ તો આ વખતે સંસદના આ
ચાવીરૂપ સત્રના આરંભ અગાઉ કોઈ મોટો વિવાદ સામે આવ્યો નથી કે, જેનાથી કાર્યવાહી ખોરવવાનું કોઈ બહાનું વિપક્ષને મળે. જો કે, મહાકુંભમાં બનેલી દુર્ઘટનાના મામલે ચર્ચાની માંગ અમુક વિપક્ષી નેતાઓએ કરીને
ચિંતા જગાવી છે, પરંતુ બજેટસત્ર અગાઉ બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક
રચનાત્મક રહી હોવાનો દાવો સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ કર્યો છે, પણ વિપક્ષની અગાઉની માનસિકતાને જતાં
તેમના વલણ અંગે અગાઉથી કોઈ ધારણા બાંધી શકાય તેમ નથી. એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં
કે, વિપક્ષી સભ્યો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા ઊઠાવે,
પણ વાસ્તવિકતા એ છે કે, આ મુદ્દા પર નવી કોઈ વાત
વિપક્ષી પાટલીઓ પરથી રજૂ થતી નથી. વાસ્તવિકતા એ છે કે, વિપક્ષ
સંસદની કાર્યવાહીને ખોરવવાની કોઈ પણ તક જતી કરતો નથી, પણ આ વખતે
કોઈ વિવાદ ન હોવા છતાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે મહાકુંભની દુર્ઘટના પર ચર્ચાનો
ઈરાદો પ્રથમ દિવસે વ્યક્ત કરીને અગમના અંઁધાણ આપ્યા છે. હાલત એવી છે કે, સંસદના છેલ્લા અમુક સત્ર દરમ્યાન વિપક્ષ કોઈને કોઈ મુદ્દે ધમાલ કરીને કાર્યવાહીને
ચાલવા દેતો નથી. ધાંધલ ધમાલથી સંસદીય કાર્યવાહીનો કિંમતી સમય વેડફાઈ જાય છે. ભૂતકાળના
સત્ર દરમ્યાન કાર્યવાહી ચાલવા નહીં દેવાના વિપક્ષના વલણથી દેશને કે ખુદ વિપક્ષી નેતાઓને
કોઈ ફાયદો થયો નથી. ઊલટું દેશના લોકોનો સંસદીય કાર્યવાહી પરથી ભરોસો દિવસાદિવસ ઘટી
રહ્યો છે. આ વખતે બજેટસત્ર દરમ્યાન ધાંધલ થાય નહીં એમ લોકો અને સરકાર ઈચ્છે છે. શનિવારે નાણાંમંત્રી નિર્મલા સિતારામન કેન્દ્રીય બજેટ રજૂ કરશે. દર વખતની જેમ વિપક્ષ બજેટને બારીકાઈથી સમજવાની પરવાહ
કર્યા વગર તેને નકારી કાઢીને કહેશે કે, તેમાં કિસાનો,
યુવાનો અને મહિલાઓ માટે કશું જ નથી. બજેટ રજૂ થયાના ગણતરીના કલાકોમાં તેને સમજ્યા વગર
નકામું ગણાવવાની વિપક્ષની માનસિકતા નવી નથી. આ વખતે પણ એમ થઈ શકે છે. આવી વિપક્ષની આવી પ્રતિક્રિયા દેશના હિતમાં ગણી
શકાય નહીં. વળી, સત્ર દરમ્યાન વિપક્ષ બજેટને નકારે ત્યાં સુધી
વાંધો નહીં પણ બજેટની કોઈ જોગવાઈને આગળ ધરીને ધમાલ કરે તો તેને યોગ્ય ઠેરવી શકાય નહીં.
ખરેખર તો બજેટ જેવા મહત્ત્વના દસ્તાવેજ પર વિપક્ષ સંસદની અંદર અભ્યાસપૂર્ણ રીતે ચર્ચા
કરે તો તેમાંથી દેશને કોઈ ફાયદો થઈ શકે છે.
સરકારને કોઈ રચનાત્મક સૂચન કરે તો બજેટની
જોગવાઈઓને વધુ લોકોપયોગી બનાવી શકાય તેમ છે. એક તરફ વિપક્ષ પાસેથી હકારાત્મકતાની અપેક્ષા
રાખાય તો બીજી તરફ જો સંસદની કાર્યવાહી ધમાલ વગર ચાલે તો સરકારે વિપક્ષના સૂચનો અને
મંતવ્યોને ગંભીરતા સાથે ધ્યાને લેવા જોઈએ.
બંને પક્ષે આવી હકારાત્મક વિચારધાર ખરા અર્થમાં સંસદીય ગરિમા અને ઉપયોગિતા માટે
ચાવીરૂપ બની શકે તેમ છે. આવનારા દિવસોમાં સંસદના આ મહત્ત્વના સત્રના ભાવિના અંઁધાણ
મળી જશે.