છેલ્લા 10 મહિનાથી દેશના સામાન્ય નાગરિકથી માંડીને વેપાર-ઉદ્યોગજગત
સૌ કોઇને બેંકના દરોમાં કાપ આવી શકે એવા રેપો દરમાં ઘટાડાની આશા રહી છે, પણ મોંઘવારી
હજી કાબૂમાં આવી નથી ત્યાં વિકાસદરમાં નરમાશ આવી હોવાના બેવડાં કારણોસર ભારતીય રિઝર્વ
બેંકે (આરબીઆઇ)એ આ વખતે પણ રેપો દરને 6.5 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. સ્વાભાવિક
રીતે બેંકો પાસેથી ઓછા દરે ધિરાણ અને તેના ઇએમઆઇમાં વ્યાજના ઘટાડા માટે ચાવીરૂપ રેપો
દરને યથાવત્ રખાતા હવે પછીની દ્વિમાસિક આર્થિક સમીક્ષા સુધી કેવી સ્થિતિ રહે છે, તેના
પર દેશની નજર રહેશે. જો કે, આ વખતે આરબીઆઇએ સીઆરઆરના દરમાં અડધા ટકાનો કાપ જાહેર કરતાં
બેંકો તેમની અનામતના પ્રમાણને ઘટાડીને વધુ નાણાં બજારમાં ઉપલબ્ધ કરાવી શકશે. ફુગાવાને
કાબૂમાં રાખવાના આર્થિક પગલાં એટલે કે, મોંઘવારીને નિયંત્રિત રાખવાની જવાબદારી સંભાળતી
આરબીઆઇ રેપો દરને યથાવત્ રાખવાનાં તેનાં પગલાંની કોઇ અસર વર્તાતી ન હોવાનું બરાબર જાણે
છે, પણ મોંઘવારીના મોરચે આ એક માત્ર પગલું છે જે બેંક લઇ શકે તે છે. જો કે, સીઆરઆરને
4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કરવાના આરબીઆઇનાં પગલાંથી બેંકો પાસે 1.16 લાખ કરોડની વધારાની
રોકડ ઉપલબ્ધ બનતાં દેશમાં આ નાણાં વિકાસ માટે ઉપયોગમાં લઇ શકાશે. બેંકો ઉદ્યોગ અને
વેપારજગતને ધિરાણમાં વ્યાજના દરમાં ઘટાડો કરી શકશે નહીં તો પણ ધિરાણની ઉપલબ્ધી વધુ
સરળ બની શકશે. સીઆરઆરમાં કાપનો નિર્ણય આરબીઆઇએ વિકાસ દરને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ
સાથે લીધો હોવાનું સ્પષ્ટ છે. દેશનાં તમામ ઉત્પાદન ક્ષેત્રો ઉપરાંત નિકાસકારોને નાણાંની
સરળ ઉપલબ્ધીને લીધે ફાયદો થશે, જેને લીધે વિકાસ દર જાળવી તો રાખી શકાશે જ. ઉલ્લેખનીય
છે કે, આરબીઆઇએ તેનાં આર્થિક અનુમાનમાં વિકાસદરમાં ઘટાડાની અને મોંઘવારીમાં વધારાની
શક્યતા દર્શાવી છે. આ અનુમાનથી દેશમાં આર્થિક મોરચે પડકારભરી પરિસ્થિતિના સ્પષ્ટ સંકેત
મળી જાય છે. આરબીઆઇએ હાલના આ પડકારભર્યા સંજોગોને ધ્યાને લઇને વિકાસદરનાં અનુમાનને
7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું છે. આ ઉપરાંત છૂટક મોંઘવારી 4.5 ટકાથી વધીને 4.8
ટકા સુધી પહોંચી શકે તેમ છે. વળી, બાંધકામ અને સેવા ક્ષેત્રના ઉદ્યોગમાં પડતર ખર્ચ
વધવાને લીધે મોંઘવારી હજી વધી શકે એવી શક્યતા રહી છે. આમ તો આ વખતે ચાવીરૂપ રેપો દર
અને સીઆરઆરના નિર્ણય ઉપરાંત આરબીઆઇએ બેંકિંગ ક્ષેત્રના અમુક મહત્ત્વના નિર્ણય પણ લીધા
છે. ખેડૂતોને કોઇપણ જાતની ગેરન્ટી વગર અપાતાં ધિરાણની મર્યાદા 1.6 લાખથી વધારીને બે
લાખ કરાઇ છે, તો બેંકોમાં બનાવટી કે બેનામી બેંક ખાતાંને શોધવા માટે આરબીઆઇ ખાસ ઝુંબેશ
હાથ ધરશે. આ પગલાં દ્વારા આર્થિક છેતરપિંડીને રોકવા માટે મદદ મળ શકશે. આ કામ માટે આર્ટિફિશિયલ
ઇન્ટેલિજન્સની મદદ લેવાશે. એઆઇના જવાબદારીભર્યા અને નૈતિક ઉપયોગની રૂપરેખા તૈયાર કરવા
આરબીઆઇ દ્વારા એક ખાસ નિષ્ણાત સમિતિની રચના કરાશે. આમ આ વખતે આરબીઆઇ દ્વારા આર્થિક
પગલાં ઉપરાંત બેંકિંગ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને મહત્ત્વના નિર્ણય લીધા છે, જે આગળ
જતાં વ્યાપક રીતે ઉપયોગ બની રહેશે એ વાત નક્કી જણાય છે.