• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

કાર્યસ્થળોએ મહિલાઓની સુરક્ષા

સુપ્રીમ કોર્ટે કાર્યસ્થળોએ મહિલાઓનાં ઉત્પીડન અધિનિયમ 2013નું દેશવ્યાપી પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ બધા સરકારી વિભાગો અને ઉપક્રમોમાં આંતરિક ફરિયાદ સમિતિ નીમવાનો આદેશ આપ્યો છે. આ માટે ટોચની કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 31 ડિસેમ્બર 2024 સુધી પ્રત્યેક જિલ્લામાં એક અધિકારી નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જે સ્થાનિક ફરિયાદ સમિતિનું ગઠન કરશે અને તાલુકા સ્તર પર નોડલ અધિકારી નિયુક્ત કરશે. કાર્યસ્થળો પર મહિલાઓની સાથે યૌન દુર્વ્યવહાર અને ઉત્પીડન વેદનામય છે. આજે પણ સરકારી કે ખાનગી ઓફિસો `મહિલા ફ્રેન્ડલી' નથી. આંકડા જોઈએ તો દેશમાં વર્ષે હજારો આવી ઘટનાઓ બને છે, જેમાંથી સેંકડો જ પ્રકાશમાં આવે છે અને ઘણા કેસના તો રિપોર્ટ જ નથી થતા, પરંતુ દર વર્ષે વીતેલાં વર્ષથી વધુ ફરિયાદો નોંધાય છે. આ જ બતાવે છે કે, દેશમાં સરકારી અને ખાનગી કાર્યસ્થળ મહિલાઓ માટે સંપૂર્ણપણે સેફ નથી. ભારતમાં કાર્યસ્થળ પર મહિલાઓનાં ઉત્પીડન પર અંકુશ મૂકવા 2013માં કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં તે રોકવા, વિરોધ કરવા અને તેનું નિવારણ કરવાનો ઉદ્દેશ્ય હતો. આ અધિનિયમ અંતર્ગત, યૌન ઉત્પીડનની ફરિયાદ કરવા માટે પીડિત મહિલા કે તેના વતી કોઈપણ વ્યક્તિ આંતરિક ફરિયાદ સમિતિ કે સ્થાનિક સમિતિ પાસે ફરિયાદ નોંધાવી શકતી હતી. આ અધિનિયમ હેઠળ કાર્યસ્થળ પર જો સંગઠનમાં દસ કે તેના કરતાં વધારે કર્મચારી હોય, તો ફરિયાદ આંતરિક ફરિયાદ સમિતિ પાસે નોંધાવવાની હોય છે, પણ સંગઠનમાં દસથી ઓછા કર્મચારી હોય તો ફરિયાદ જિલ્લા અધિકારી ગઠિત સ્થાનિક સમિતિ પાસે નોંધાવવાની હોય છે. જો મેનેજમેન્ટ આંતરિક ફરિયાદ સમિતિ બનાવે નહીં અને જો અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તો 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ સંગઠનમાં જતી મહિલા એ સંગઠનના કોઈ કર્મચારીથી પરેશાન હોય તો તે એ સંગઠનની આંતરિક સમિતિ પાસે ફરિયાદ નોંધાવી શકે છે. ખાનગી ક્ષેત્રોમાં કાર્યસ્થળ પર મહિલાઓ અધિક શિકાર બનતી હોય છે. ઘરેલુ મહિલા કર્મચારીઓની સાથે પણ આવી ઘટનાઓની સંભાવના વધુ રહેલી હોય છે. અમેરિકના હ્યુમન રાઈટ્સ વોચના જણાવ્યા પ્રમાણે ભારતમાં કાર્યસ્થળો પર યૌન ઉત્પીડન રોકવા માટે કાયદાનાં પાલનમાં અનેક ખામીઓ છે. અહેવાલમાં કાર્યસ્થળ પર યૌન ઉત્પીડનની ભયાવહતાના પર્દાફાશ થયા છે. રાજ્ય સરકારો અને સ્થાનિક તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, કાર્યસ્થળ મહિલાઓ માટે સુરક્ષિત રહે, તેમનું યૌનશોષણ, ઉત્પીડન થાય નહીં. વર્કિંગ મહિલાઓએ પોતાની સુરક્ષાને લઈ સતર્ક રહેવું જોઈએ અને દરેક સ્તર પર સાવધાની વર્તવી જોઈએ. સુપ્રીમ કોર્ટના તાજા આદેશનો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલી તત્પરતાથી અમલ કરે છે તે જોવું રહ્યું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd